લંડનઃ ટોરી વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને લેબરનેતા જેરેમી કોર્બીન વચ્ચે ટેલિવિઝન ચર્ચામાં જ્હોન્સન વધુ પ્રભાવશાળી પૂરવાર થયા છે. ૧૨ ડિસેમ્બરની સામાન્ય ચૂંટણી અગાઉના આખરી મુકાબલામાં કોર્બીન બ્રેક્ઝિટ વિશે પોતાના ઉપાયો જણાવવાના ઈનકાર, IRAને સપોર્ટ તેમજ ‘મૂડીવાદને ઉથલાવવામાં સમર્થન’ના પરિણામે મતદારોનો પૂરતો ટેકો મેળવી શક્યા નથી. જ્હોન્સનને ૫૨ અને કોર્બીનને ૪૮ ટકા સમર્થન મળ્યું હતું. બંને નેતાઓ વચ્ચે બ્રેક્ઝિટ, NHSના ભવિષ્ય, મૂડીવાદ વિરુદ્ધ સમાજવાદ, સેકન્ડ રેફરન્ડમ સહિતના મુદ્દે ગરમાગરમ ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ITV પ્રથમ ટેલિવિઝન મુકાબલામાં જ્હોન્સનને ૫૧ અને કોર્બીનને ૪૯ ટકા મત મળ્યા હતા. દરમિયાન, દેશવ્યાપી અલગ અલગ પોલ્સમાં લેબર પાર્ટીની સરખામણીએ કન્ઝર્વેટિવ પાર્ટીએ લગભગ ૧૨ પોઈન્ટની સરસાઈ જાળવી રાખી છે.
વડા પ્રધાને તેમની બ્રેક્ઝિટ સમજૂતીને ટેકો આપી દેશને અરાજક પરિસ્થિતિમાંથી બહાર લાવવા ચૂંટણીમાં તેમના પક્ષને મત આપવા અપીલ કરી હતી. તેમણે કોર્બીન બ્રેક્ઝિટ મુદ્દે નેતૃત્વ આપવામાં નિષ્ફળ ગયાનો આક્ષેપ કરવા સાથે તેઓ હજુ પણ અરાજકતા સર્જશે તેવો ભાર પણ મૂક્યો હતો. તેમણે બ્રસેલ્સ સાથે ફરી વાટાઘાટો અને નવેસરથી રેફરન્ડમ યોજવાના લેબર પાર્ટીના વલણ સામે આકરા પ્રહારો કર્યા હતા. કોર્બીન ખુદ રેફરન્ડમમાં તટસ્થ રહેશે તેમ જણાવે છે પરંતુ, જો તમે તટસ્થ હો તો વાટાઘાટો કેવી રીતે કરી શકશો તેવો મુદ્દો પણ જ્હોન્સને ઉઠાવ્યો હતો. તેમણે કોર્બીનના આવા વલણને નેતાગીરીની નિષ્ફળતા સમાન ગણાવ્યું હતું. પ્રથમ ટેલિમુકાબલામાં કોર્બીને તેઓ લીવ અથવા રીમેઈનમાંથી કોની તરફેણ કરે છે તે જણાવવા નવ વખત ઈનકાર કરવાથી તેમની ઈમેજને નુકસાન પહોંચ્યું હતું.
આ ઉપરાંત, જ્હોન્સને આરોગ્યસેવામાં ચાર દિવસના સપ્તાહના અમલ, સમાજવાદની તરફેણમાં મૂડીવાદને ફગાવી દેવા તેમજ IRAને ચાર દાયકા સુધી સમર્થન આપ્યા પછી નોર્ધર્ન આયર્લેન્ડ સાથે સંબંધોના મહત્ત્વ વિશે લોકોને સલાહ આપવા મુદ્દે પણ ડાબેરી નેતાને ભીડાવ્યા હતા. કોર્બીને તેઓ લોકશાહી માર્ગે જીવનધોરણો સુધારવા સમાજવાદ લાવવા ઈચ્છતા હોવાની દલીલ કરી હતી ત્યારે જ્હોન્સને ડાબેરી નેતા મુક્ત વ્યાપારના લાભોથી અજાણ હોવાનો કટાક્ષ પણ કર્યો હતો. આરોગ્યસેવામાં ચાર દિવસના સપ્તાહના અમલ મુદ્દે ખુદ લેબર પાર્ટીમાં વિરોધાભાસ પ્રવર્તે છે. શેડો જસ્ટિસ સેક્રેટરી બર્ગોન NHSમાં ચાર દિવસના સપ્તાહની લેબર પાર્ટીની નીતિ ન હોવાનું જણાવે છે ત્યારે શેડો ચાન્સેલર મેક્ડોનેલે તેઓ આમ ઈચ્છે છે પરંતુ દસ વર્ષમાં તે થઈ શકે તેમ કહ્યું હતું. જોકે, કોર્બીને NHSમાં ચાર દિવસના સપ્તાહની સ્પષ્ટ તરફેણ કરી હતી. કોર્બીને વડા પ્રધાનની જોરદાર ટીકા કરતા કહ્યું હતું કે વડા પ્રધાને ચૂંટાયા પછીના દિવસે નવી ૪૦ હોસ્પિટલના નિર્માણની જાહેરાત કરી હતી, જે સંખ્યા એક સપ્તાહ પછી ૨૦ થઈ અને પાછળથી તે માત્ર છ હોસ્પિટલની જ થઈ ગઈ. હવે બ્રિટનમાં નવી કેટલી હોસ્પિટલ બનાવવી તે સંખ્યા વડા પ્રધાન માટે સમસ્યા બની છે.
આખરી ટેલિમુકાબલા પછી YouGov દ્વારા લેવાયેલા પોલમાં જ્હોન્સન (૩૮ ટકા)ની સરખામણીએ કોર્બીન (૪૮ ટકા) વધુ વિશ્વસનીય ગણાવાયા હતા. NHS ના રાઉન્ડમાં પણ કોર્બીન વિજયી રહ્યા હતા. તેમણે અમેરિકા સાથે વેચાણસોદાની વાટાઘાટોમાં NHS બિકાઉ નહિ હોવાનું સ્પષ્ટ કર્રી જ્હોન્સનને બેકફૂટ પર મૂકી દીધા હતા. જોકે, બ્રેક્ઝિટ મુદ્દે જ્હોન્સને (૬૨ ટકા) મત મેળવી કોર્બીનને (૨૯ ટકા) ધોબીપછાડ આપી હતી. લોકપ્રિયતાના મુદ્દે જ્હોન્સન (૫૫ ટકા) મત સાથે કોર્બીન (૩૬ ટકા) તેમજ વડા પ્રધાન બનવાની ક્ષમતાના મામલે જ્હોન્સન અને કોર્બીનને અનુક્રમે ૫૪ અને ૩૦ ટકા મત મળ્યા હતા. સિક્યુરિટીના મામલે પણ તેઓએ અનુક્રમે ૫૫ અને ૩૪ ટકા મત મેળવ્યા હતા.
અગાઉ, Ipsos MORIના સંશોધન મુજબ લેબર પાર્ટી છેલ્લે છેલ્લે લોકસમર્થન મેળવવામાં આગળ વધી રહી છે અને તેણે વધુ ચાર પોઈન્ટ હાંસલ કર્યા છે. જોકે, કન્ઝર્વેટિવ પાર્ટીએ હજુ ૧૨ પોઈન્ટની સરસાઈ ધરાવે છે, જે બહુમતી પ્રાપ્ત કરવા માટે પૂરતી હોવાનું કહી શકાય. જોકે, આ નિશ્ચિત ગણાવી શકાય નહિ કારણકે જ્હોન્સનતરફી પોલ્સ ૨૦૧૭ની ચૂંટણીમાં થેરેસા મેની તરફેણની યાદ અપાવે છે. ચૂંટણીના એક સપ્તાહ અગાઉ થેરેસાની પાર્ટીએ ૪૨.૩૪ ટકા મત મેળવ્યાં છતાં, તેઓ બહુમતી પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
ટ્રેઝરીના જાહેર થયેલા ગુપ્ત દસ્તાવેજોનો મુદ્દો
કોર્બીને ચર્ચા દરમિયાન ટ્રેઝરીના જાહેર થઈ ગયેલા ગુપ્ત દસ્તાવેજોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ દસ્તાવેજો અનુસાર જ્હોન્સનની વિથ્ડ્રોઅલ સમજૂતીમાં બ્રિટન અને નોર્ધર્ન આયર્લેન્ડ વચ્ચે કસ્ટમ્સ ચેક્સ અને વેપારમાં નિયંત્રણોનો ઉલ્લેખ થયો હોવાનું દર્શાવાયું છે. જોકે, વડા પ્રધાને તેમના આક્ષેપોને અસત્ય કહી ફગાવી દીધા હતા.
બીજી તરફ, આ દસ્તાવેજો યુકેની ચૂંટણીમાં ગેરમાહિતી ફેલાવવાના હેતુસર રશિયા દ્વારા જાહેર કરાયા હોવાની માહિતી બહાર આવી છે. સોશિયલ મીડિયા મંચ Reddit દ્વારા જણાવ્યું છે કે ચૂંટણીમાં ગેરમાહિતી ફેલાવવા મુદ્દે તેમની તપાસ પછી ૬૧ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવાયો છે. પાર્ટીમાં એન્ટિ-સેમેટિઝમ કટોકટી અને IRA સાથે સહાનુભૂતિના મુદ્દે વિવાદ છતાં લેબરનેતા કન્ઝર્વેટિવ પાર્ટી પર હુમલા માટે આ ડોઝિયેરનો હજુ ઉપયોગ કરતા રહેવાથી તેમના માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે.
ચેનલ ફોર વિવાદમાં આવીઃ માફી માગી
વડા પ્રધાન જ્હોન્સનના વીડિયોમાં સબટાઈલ્સ મુદ્દે ચેનલ ફોર વિવાદમાં આવેલ છે. જોકે, તેણે માફી માગીને બાજી સુદા૩રી લીધી હતી. વડા પ્રધાને એક ભાષણમાં જણાવ્યું હતું કે નવા ઈમિગ્રેશન અંકુશો ‘પ્રતિભા સાથેના લોકો’ બ્રિટન આવી શકે તેની ચોકસાઈ કરશે. જોકે, સબટાઈટલ્સમાં આ શબ્દગુચ્છ બદલાઈને ‘વર્ણ (રંગ) સાથેના લોકો’ થયું હતું. આના પરિણામે લોકોએ વડા પ્રધાનની ટીપ્પણી રંગભેદી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, કન્ઝર્વેટિવ પાર્ટીએ ચેનલ દ્વારા વડા પ્રધાનની બદનામ કરવાનો પ્રયાસ કરાયાનો આક્ષેપ લગાવ્યો હતો.
વિવાદ વધવા સાથે ચેનલ ફોર દ્વારા આ ભૂલ બદલ માફી માગવા સાથે સ્પષ્ટતા કરાઈ હતી કે, ‘વડા પ્રધાને ‘વર્ણ (રંગ) સાથેના લોકો’ નહિ પરંતુ, ‘પ્રતિભા સાથેના લોકો’ કહ્યું હતું. અમારી અગાઉની ટ્વીટ ભૂલભરેલી હતી. સાંભળવામાં અમારી ભૂલ થઈ હતી અને અમે તે બદલ માફી માગીએ છીએ.’