ટોક્યોઃ જાપાનમાં ચાર દેશોની ક્વાડ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત છવાઇ ગયું છે. સમિટમાં ભાગ લઇ રહેલા ત્રણ સહયોગી દેશો - અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાઓએ કોરોના મહામારીનો સામનો કરવામાં ભારતની કામગરી અને વેક્સિનને બિરદાવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કોરોના મહામારીમાંથી બહાર આવવાના મામલે વડા પ્રધાન મોદીના કામની પ્રશંસા કરી હતી. તેમણે મહામારીથી બહાર નીકળવામાં ચીન અને ભારતની સરખામણી કરતાં ચીન આમાં નિષ્ફળ રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વધુ વસ્તી હોવા છતાં ભારતે કોરોના પર લોકશાહી ઢબે કાબુ મેળવ્યો છે.
જાપાનના વડા પ્રધાન કિશિદાએ પણ ભારતની પ્રશંસા કરતા કહ્યું કે ક્વાડ વેક્સિન ઈનિશિએટિવ અંતર્ગત ભારતમાં બનેલી વેક્સિનને તાજેતરમાં જ થાઈલેન્ડ અને કંબોડિયા મોકલવામાં આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના નવનિર્વાચિત વડા પ્રધન એન્થની અલ્બનીજે કહ્યું કે ભારતના વેક્સિન સપ્લાયથી ઘણા દેશોને ફાયદો થયો છે.
ક્વાડને 50 બિલિયન ડોલરનું ફંડ
ક્વાડ દેશોએ મંગળવારે એક મહત્વનો નિર્ણય લીધો અને તે ચીન માટે ચિંતાજનક વાત છે. ચારેય દેશોએ નિર્ણય કર્યો છે કે હિન્દ-પ્રશાંત વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે પાંચ વર્ષમાં 50 બિલિયન ડોલર ખર્ચ કરાશે. આ મીટિંગમાં વડા પ્રધાન મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બજેટનો સીધો અર્થ છે કે હિન્દ અને પ્રશાંત વિસ્તારમાં ચીનનો દબદબો ખતમ કરવાની ચાલને ખતમ આ ચારેય દેશો મળીને કરશે. ચીન આ વિસ્તારનો મોટા ભાગનો વિસ્તાર પોતાનો ગણાવે છે. ચીનને વાંધો ત્યાં સુધી છે કે તેઓ હિન્દ-પ્રશાંત મહાસાગરને ઈન્ડો-પેસિફિકની જગ્યાએ તેને એશિયા પેસિફિક ગણાવવા માગે છે. જેને ઈન્ડો-પેસિફિક શબ્દ પર વાંધો છે.
ભારત-અમેરિકા વચ્ચે ભરોસાની ભાગીદારી
ક્વાડ સમિટ બાદ દ્વિપક્ષીય મંત્રણા ચારેય સહયોગી રાષ્ટ્રોના વડાઓ વચ્ચે વન-ટુ-વન મિટીંગ યોજાઇ હતી. વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન વચ્ચે બેઠક યોજાઇ હતી. આ સમયે બાઈડને કોરોનાના સમય દરમિયાન ભારતના કામોની પ્રશંસા કરી હતી. તો બીજી તરફ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને અમેરિકાની પાર્ટનરશીપ ખરેખર વિશ્વાસની પાર્ટનરશીપ છે. આપણા એકસમાન હિતોએ બંને દેશોની વચ્ચેના વિશ્વાસના આ બંધનને મજબૂત કર્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આપણી વચ્ચે ઈન્ડિયા-યુએસએ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટથી રોકાણના ક્ષેત્રમાં વધારો જોવા મળશે. બાઈડને કહ્યું કે બંને દેશ ભેગા થઈને ઘણું બધું કરી શકે છે અને હજી પણ કરશે. હું અમેરિકા અને ભારતની પાર્ટનરશીપને હજી પણ વધુ મજબુત બનાવવા માટે કમિટેડ છું.
હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા પ્રાથમિકતાઃ ક્વાડમાં મોદી
ક્વાડ સમિટને સંબોધતાં બોલતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ક્વાડની સફળતાની પાછળ સહયોગી દેશોની નિષ્ઠા છે. કોરોનાના સમયે આપણે બધાએ સપ્લાઈ ચેન દ્વારા તેમાંથી બહાર આવવાનો શક્ય તેટલો પ્રયત્ન કર્યો. વડા પ્રધાને વધુમાં કહ્યું કે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં આપણા બધાની પહેલી પ્રાથમિકતા સુરક્ષા છે. ક્વાડે ખૂબ જ ઓછા સમયમાં એક સારી ઓળખ બનાવી છે.
તેમણે વધુમાં કહ્યું હતં કે ક્વાડનો વ્યાપ વધી ગયો છે અને સ્વરૂપ પ્રભાવી થઈ ગયું છે. આપણો પરસ્પર વિશ્વાસ, દૃઢ સંકલ્પ, લોકાશાહીની શક્તિઓને નવી ઊર્જા અને ઉત્સાહ આપી રહ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન સતત પડકાર સર્જી રહ્યું છે. તેમણે યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે આગળ કહ્યું હતું કે રશિયા જંગ સમાપ્ત કરવાના મૂડમાં નથી.
ભારત-જાપાનનો સહયોગ સ્ટ્રેટેજિક - વૈશ્વિક
વડા પ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે ભારત અને જાપાનની ભાગીદારી સ્પેશિયલ, સ્ટ્રેટેજિક અને ગ્લોબલ એવા ત્રણ શબ્દોનાં સ્તંભ પર રચાયેલી છે. જે બંને દેશો વચ્ચેનાં અજોડ સંબંધોને પ્રતિબિંબિત કરે છે. ભારત અને જાપાને ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેકનોલોજી, સંશોધન, સ્ટાર્ટ અપ્સ અને અન્ય ક્ષેત્રોમાં મોટાપાયે સહયોગ સાધ્યો છે. મોદી કહ્યું કે તેઓ ગુજરાતનાં મુખ્ય પ્રધાન હતા ત્યારથી જાપાન સાથેનો સંબંધ ગાઢ બની રહ્યો છે અને નવી ઊંચાઈએ પહોંચ્યો છે. ભારતનાં વિકાસ અને આધુનિકીકરણમાં જાપાનનો મહત્ત્વનો સહયોગ રહ્યો છે. ઓટોમોબાઈલ્સ સેકટરથી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સુધી ભારતનાં વિકાસમાં તેની ભાગીદારી મહત્ત્વની રહી છે. ભારત અને જાપાન વચ્ચે છેલ્લા ૭૦ વર્ષથી ગાઢ સંબંધ રહ્યો છે. બંને એકબીજાની સંસ્કૃતિ અને સ્વતંત્રતાનું સન્માન કરે છે. બંને દેશો સંસ્કારોના મૂળ સાથે જોડાયેલા છે અને તેથી જ બંને એકબીજાના કુદરતી પાર્ટનર છે.
મોદીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચનો સંરક્ષણ સહયોગ ઝડપથી વધી રહ્યો છે. લશ્કરી કવાયતો અને ડિફેન્સનાં સાધનોનાં ઉત્પાદન માટે માહિતી અને ટેકનોલોજીનું આદાન પ્રદાન કરાઈ રહ્યું છે. સાઇબર સ્પેસ તેમજ દરિયાનાં તળિયા સુધી રક્ષા માટે કામ કરાઈ રહ્યું છે. ઇન્ડિયા જાપાનઃ અ પાર્ટનરશિપ ફોર પીસ, સ્ટેબિલિટી એન્ડ પ્રોસ્પેરિટી વિષય પણ તેમણે બંને દેશોનાં સંબંધોની છણાવટ કરી હતી.
જાપાનની કંપનીઓને ભારત આવવા આમંત્રણ
આ પહેલાં સોમવારે વડા પ્રધાન મોદીએ ટોક્યોમાં જાપાનન બિઝનેસ લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ સમિટ યોજી હતી. એમાં 30થી વધુ જાપાનની કંપનીઓના મોટા અધિકારીઓ અને સીઇઓ સાથે વાત કરી. સોમવારના કાર્યક્રમમાં મોદીએ બિઝનેસ લીડર્સને ભારતના વેપારમાં થયેલા સુધારા અંગે જણાવ્યું અને તેમણે મેક ઈન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ માટે આમંત્રિત કર્યા. મોદી ટોક્યોમાં પોતાના પહેલા દિવસે ઈન્ડો-પેસેફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ઈવેન્ટમાં પણ સામેલ થયા હતા.