લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ક્રિસમસ અગાઉની ચૂંટણીમાં સાન્તા ક્લોઝની ભૂમિકા ભજવી વચન આપ્યું છે કે કોઈ પરિવારે તેમના આસમાને પહોંચેલા સારસંભાળના બિલ ચૂકવવા ઘર વેચવાની જરૂર પડશે નહિ. તેમની યોજનામાં સામાજિક સંભાળ માટે વધારાના એક બિલિયન પાઉન્ડ ખર્ચવાનું પ્રોમિસ પણ અપાયું છે. તેમણે નેશનલ ઈન્સ્યુરન્સમાં કાપ મૂકવાની પણ ખાતરી ઉચ્ચારી હતી જેનાથી દરેકના ખિસામાં વાર્ષિક ૪૬૦ પાઉન્ડની બચત થશે. ટોરી પાર્ટીના મેનિફેસ્ટોમાં કેર સિસ્ટમને વ્યવસ્થિત કરવા લાંબા ગાળાના ઉપાય માટે તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત કરવાની હાકલ પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે.
ટોરી પાર્ટીની આ ઘોષણાનો અર્થ એ છે કે સારસંભાળ લઈ રહેલા વડીલો અથવા સ્વજનોના સંતાનો એક બાબતે તો રાહત અનુભવશે કે સારસંભાળના ઊંચા બિલ્સ ચુકવવા તેમણે પારિવારિક ઘર વેચવાની આવશ્યકતા નહિ રહે અને સ્વજનના મૃત્યુ પછી તેઓ વારસામાં ઘર મેળવી શકશે. સંતાનોને વારસામાં પોતાની માલિકીનું ઘર છોડી જવાની દરેકની ઈચ્છા રહે છે પરંતુ, સારસંભાળ પાછળ ઊંચા ખર્ચના કારણે તે શક્ય બનતું નથી.
જોકે, ટોરી પાર્ટી પોતાની યોજનાની વિસ્તૃત વિગતો અત્યારથી જાહેર કરવા માગતી નથી કારણકે થેરેસા મેનાં ૨૦૧૭ની ઈલેક્શન પ્રચારમાં વિસ્તૃત વિગતો જાહેર કરાયા પછી લેબર પાર્ટીએ તેમની યોજનાને ‘ડિમેન્શીઆ ટેક્સ’ તરીકે વગોવી હતી. અત્યારે તો વ્યક્તિએ તેમના ઘરના મૂલ્ય સહિત આખરી ૨૩,૨૫૦ પાઉન્ડ સુધી સંભાળનો સંપૂર્ણ ખર્ચ ચુકવવાનો રહેશે. મકાનમાલિક લોકલ કાઉન્સિલ પાસેથી લોન લઈ શકે છે જે તેમના મૃત્યુ પછી પરત ચુકવી શકાય છે. એટલે કે સારસંભાળ હેઠળ હોય ત્યાં સુધી કોઈએ ઘર વેચવું પડતું પરંતુ, લોનનું પ્રમાણ ઊંચું હોવાથી સંતાનોએ પેરન્ટ્સના મૃત્યુ પછી પ્રોપર્ટી વેચવાની ફરજ પડે છે.
જ્હોન્સન લોકો આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે તેમ કરવા માગે છે. આથી, સત્તા પર આવ્યા પછી ટોરી પાર્ટી આ બાબતે કાયદો પસાર કરાવવા તૈયાર છે. સામાજિક સારસંભાળનાં લાંબા ગાળાના ભવિષ્ય વિશે રાજકીય પક્ષોની ચર્ચામાં ફરજિયાત ઈન્સ્યુરન્સ યોજનાઓ, તમારી વેતન સ્લીપમાંથી ભાવિ સંભાળની ચુકવણી તેમજ દરેક માટે સરકારી મફત સારસંભાળ આપવા ટેક્સમાં વધારા અથવા વ્યક્તિ દ્વારા ચોક્કસ રકમ ચુકવાય અને બાકીનો ખર્ચ સરકાર ચુકવે તે સહિતની બાબતોનો સમાવેશ કરી શકાશે.
નેશનલ ઈન્સ્યુરન્સમાં પણ કાપનું વચન
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નેશનલ ઈન્સ્યુરન્સમાં પણ કાપનું વચન આપી દીધું છે. જો ટોરી પાર્ટી ચૂંટણીમાં જીતશે તો નેશનલ ઈન્સ્યુરન્સ ચુકવવાની મર્યાદા વધારીને આગામી વર્ષે ૯,૫૦૦ પાઉન્ડ અને તબક્કાવાર ૧૨,૫૦૦ પાઉન્ડ કરશે. આનો સીધો અર્થ એ થાય કે લાખો વર્કર્સને વાર્ષિક ૪૬૪ પાઉન્ડની બચત થશે.
પાંચ વર્ષ સુધી ટ્રિપલ ટેક્સ લોકઃ ઈન્કમટેક્સ, VAT અને નેશનલ ઈન્સ્યુરન્સ નહિ વધારાય
બોરિસ જ્હોન્સને લોકોને રાહત આપતી જાહેરાતમાં કહ્યું છે કે ટોરી પાર્ટી સત્તા પર આવશે તો ઈન્કમટેક્સ, VAT અને નેશનલ ઈન્સ્યુરન્સ પાંચ વર્ષ સુધી વધારાશે નહિ. બીજી તરફ, લેબર પાર્ટીએ ૮૦,૦૦૦ પાઉન્ડથી વધુ આવક ધરાવનારા પર ટેક્સ વધારવા મેનિફેસ્ટોમાં જણાવ્યું છે. ટોરી પાર્ટીની ખાતરીઓમાં યથાવત ટેક્સની જાહેરાતથી પાર્ટી કોમન્સમાં પૂરતી બહુમતી મેળવી શકશે જેનાથી પાર્લામેન્ટમાં દેશને ‘ક્રિસમસ ભેટ’ તરીકે બ્રેક્ઝિટ સમજૂતી પસાર કરાવવાનો માર્ગ સરળ બનશે તેમ જ્હોન્સન માને છે. તેમણે દેશને ૨૦૫૦ સુધીમાં કાર્બન ન્યુટ્રલ અને ૨૦૨૦ સુધીમાં ‘કોર્બીન ન્યુટ્રલ’ બનાવવા વચન આપ્યું છે.
કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા વચનોની ભરમાર
• હાઈસ્પીડ-ટુ (HS2) યોજનાનું બજેટ ૧૦૦ બિલિયન પાઉન્ડના સાતમા આસમાને પહોંચી ગયું છે. આ યોજનાને મંજૂરી આપતા પહેલાં તેના બજેટનાં નોંધપાત્ર કાપ મૂકાશે. • હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ઈમર્જન્સી સર્વિસીસ વર્કરો પર હુમલા કરનારાઓ માટે સખત સજાઓનો પ્લાન જાહેર કર્યો છે. • બાળકોના હત્યારાઓ માટે આજીવન કેદની સખત સજા, વધુ ૨૦,૦૦૦ પોલીસ • જ્હોન્સને સંકેત આપ્યો છે કે ૪૦ ટકાનો ટેક્સ ચુકવવાની મર્યાદા ૫૦,૦૦૦થી ૮૦,૦૦૦ પાઉન્ડ કરવાની યોજના હાલપૂરતી ભરાઈએ ચડાવી દેવાઈ છે. • NHS માટે વાર્ષિક વધુ ૩૪ બિલિયન પાઉન્ડની ફાળવણી, વધુ ૬૦૦૦ GP અને ૪૦ નવી હોસ્પિટલ્સ • લાખો પેશન્ટ્સ અને તેમના પરિવારો માટે મફત હોસ્પિટલ્સ પાર્કિંગ •૨૦૨૩-૨૪ સુધીમાં ૫૦,૦૦૦ નર્સ તેમજ સ્ટુડન્ટ નર્સીસ માટે બર્સરીઝ પુનઃ અમલી • જાન્યુઆરીના અંત સુધીમાં બ્રેક્ઝિટનો અમલ, ટ્રાન્ઝીશન સમયગાળો નહિ લંબાવાય • ઈમિગ્રેશન માટે ઓસ્ટ્રેલિયન પોઈન્ટ્સ સિસ્ટમ • નેશનલ ઈન્સ્યુરન્સ આગામી વર્ષથી ૯,૫૦૦ પાઉન્ડથી અમલી, જે વધારીને ૧૨,૫૦૦ પાઉન્ડ સુધી લઈ જવાશે • પેન્શનરોના હીટિંગ ખર્ચામાં મદદ માટે વાર્ષિક ૩૦૦ પાઉન્ડ સુધીના ટેક્સ ફ્રી વિન્ટર-ફ્યૂલ પેમેન્ટસ જાળવી રાખવા, બસ કન્સેશન પાસીસ માટે વાર્ષિક એક બિલિયન પાઉન્ડની જોગવાઈ, તેમજ ૭૫થી વધુ વયના પેન્શનરો માટે મફત ટીવી લાયસન્સ માટે બીબીસી પર દબાણનું પણ વચન છે.• શાળાઓ અને ચાઈલ્ડ કેર પ્રોવાઈડર્સ માટે વધારાના એક બિલિયન પાઉન્ડની જોગવાઈ. આનો હેતુ પેરન્ટ્સ તેમના રોજગારને જાળવી શકે તે માટે ઉનાળાની રજાઓમાં પ્રાઈમરી સ્કૂલ્સના વધુ ૨૫૦,૦૦૦ બાળકોની સંભાળને મહત્ત્વ આપવાનો છે. હાલ અંદાજે ૬૫૦,૦૦૦ બાળકો માટે આવી સુવિધા છે • એનર્જી ક્ષમતાના પગલાં પાછળ ૬.૩ બિલિયન પાઉન્ડની જોગવાઈ રખાશે જેનાથી કિંમતો પર અંકુશ સાથે ઓછી આવક ધરાવતા ૨.૨ મિલિયન પરિવારોને મદદ મળશે. • વિદેશી ખરીદારો પાસે વધારાની ૩ ટકા સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત • સરકાર ભાડૂતોને મદદ કરવા માટે નવી ‘લાઈફટાઈમ ડિપોઝીટ’ યોજના લાવશે. આનાથી તેઓ તેમની ડિપોઝીટ એક પ્રોપર્ટીથી બીજા સ્થળે ટ્રાન્સફર કરી શકશે. • ફાર્મ સબસિડીઓ બ્રેક્ઝિટ પછી દૂર કરાશે તેવો ભય દૂર કરી ઓછામાં ઓછાં આગામી પાંચ વર્ષ સુધી વર્તમાન સ્તરે જાળવી રખાશે.