વોશિંગ્ટન: રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ કરવાની મંત્રણા વખતે શુક્રવારે વ્હાઈટ હાઉસમાં પ્રમુખ ટ્રમ્પ અને યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે ઓવલ ઓફિસમાં જ ઉગ્ર વાતચીત થતા વાતાવરણ ડહોળાઈ ગયું હતું. બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા વાતચીત ચાલી રહી હતી ત્યારે યુદ્ધ બંધ કરવાનાં મુદ્દે અને માફી માંગવાનાં મુદ્દે બંને નેતાઓ વચ્ચેની વાતચીત ઉગ શાબ્દિક યુદ્ધમાં ફેરવાઈ ગઈ હતી. ટ્રમ્પ અને ઝેલેન્સ્કીએ એકબીજા પર દોષારોપણ કર્યું હતું. એક તબક્કે ટ્રમ્પે ઝેલેન્સ્કીને વ્હાઈટ હાઉસ છોડીને ચાલ્યા જવા ફરમાન કર્યું હતું અને તેઓ શાંતિ સમજૂતી કરવા તૈયાર હોય ત્યારે ફરી વાતચીત માટે આવવા માટે તાકીદ કરી હતી.
બીજી તરફ, ઝેલેન્સ્કીએ રશિયા સાથેના યુદ્ધ માટે પોતે દોષિત નથી તેવો દાવો કરીને ટ્રમ્પ સમક્ષ માફી માગવાનો ઈનકાર કર્યો હતો. આમ મંત્રણા વખતે બંને નેતાઓ વચ્ચે તણખા ઝરતા યુક્રેન અને અમેરિકા વચ્ચેનો ખનિજ કરાર અટવાઈ ગયો છે. કોઈપણ જાતની સમજૂતી કે કરાર કર્યા વિના ઝેલેન્સ્કી ખાલી હાથે યુક્રેન (વાયા લંડન) પાછા ફર્યા છે.
દાયકાઓમાં જવલ્લેજ બનતી ઘટના
દાયકાઓમાં ક્યારેક જ બે દેશના પ્રમુખ કેમેરા સામે બાખડી પડે તેવી ઘટના બનતી હોય છે ત્યારે ઝેલેન્સ્કીએ શનિવારે એક પછી એક 14 ટ્વીટ કરીને યુક્રેનને મદદ કરવા બદલ અમેરિકાનો આભાર માનીને રશિયા સાથેના યુદ્ધમાં અમેરિકાના સમર્થન પર ભાર મૂક્યો હતો. જોકે, તેમણે ઉગ્ર બોલાચાલી મુદ્દે ટ્રમ્પની માફી માગવાનો ઈનકાર કરી દીધો હતો. આમ છતાં તેમણે અમેરિકા સાથે સંબંધોમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે. ઝેલેન્સ્કીએ ફોક્સ ન્યૂઝને આપેલી મુલાકાતમાં યુદ્ધમાં યુક્રેનનું સમર્થન કરવા બદલ અમેરિકા અને પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો હતો. તેમણે ઓવલ ઓફિસમાં થયેલા ઘર્ષણની ઘટનાને બંને પક્ષો માટે સારી ગણાવી નહોતી. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેન ન્યાયસંગત કાયમી શાંતિ ઈચ્છે છે. અમેરિકા પાસેથી સુરક્ષાની ગેરંટી ઈચ્છે છે.
ઝેલેન્સ્કી રાજીનામું આપે, અમેરિકાએ દબાણ વધાર્યું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને પગલે સમગ્ર વિશ્વ જાણે બે છાવણીમાં વિભાજીત થઈ રહ્યું છે. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે મંત્રણા નિષ્ફળ રહ્યાં બાદ હવે અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર માઈક વોલ્ટ્ઝે ઝેલેન્સ્કીને પોતાના પદ પરથી રાજીનામું આપવાની સલાહ આપી છે. વોલ્ટ્ઝના જણાવ્યાં અનુસાર, જો ઝેલેન્સ્કી રશિયા સાથે મંત્રણા કરવા તૈયાર ના હોય તો તેમણે રાષ્ટ્રપતિ પદેથી હટી જવું જોઈએ.
...તો હમણાં રાજીનામું આપી દઉંઃ ઝેલેન્સ્કી
બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ પદેથી હટી જવાના દબાણ મામલે પ્રતિક્રિયા આપતાં ઝેલેન્સ્કીએ બ્રિટિશ સમાચાર માધ્યમોને જણાવ્યું હતું કે, મને હટાવી દઈ અન્ય કોઈને યુક્રેનના પ્રમુખ તરીકે બેસાડવા એટલું સરળ નથી. માત્ર ચૂંટણી યોજવી પૂરતી નથી. તમારે મને ચૂંટણી લડતાં પણ અટકાવવો પડશે, જે વધુ મુશ્કેલ કાર્ય છે. જોકે તેમણે અગાઉની માગનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે, જો યુક્રેનને ‘નાટો’નું સભ્યપદ આપી દેવાય તો રાજીનામું દેવા તૈયાર છે. આમ થયું તો હું માનીશ કે મારું અભિયાન પૂર્ણ થયું છે.
યુક્રેન-રશિયા યુદ્વ લંબાઇ શકે
વ્હાઈટ હાઉસ મંત્રણામાં ટ્રમ્પ-ઝેલેન્સ્કી બન્નેએ અક્કડ વલણ અપનાવતાં યુક્રેન-રશિયા યુદ્ધમાં સમાધાનની આશા ધૂંધળી બની છે. રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ માટે યોજાયેલી આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર હતી. ટ્રમ્પે ઝેલેન્સ્કીને જણાવ્યું હતું કે, યુદ્ધનો અંત લાવવા માટે યુક્રેને કેટલાંક સમાધાન કરવા પડશે. જોકે ઝેલેન્સ્કીએ ટ્રમ્પને રોકડું પરખાવ્યું હતું કે, રશિયાના હત્યારા નેતા સાથે તેઓ સમાધાન કરવાના મૂડમાં નથી. આ મંત્રણામાં અબજોના ખનીજ ધરાવતા વિસ્તારો અમેરિકાને સોંપવા બાબતે કરાર થવાના હતા. મંત્રણા નિર્ણાયક તબક્કે પહોંચવાની શક્યતા ન લાગતાં ટ્રમ્પે ચાલુ મંત્રણાએ ચાલતી પકડી હતી. આ જોઈ ઝેલેન્સ્કી પણ તરત વ્હાઇટ હાઉસ છોડીને રવાના થઈ ગયા હતા.
રશિયાએ કહ્યુંઃ આ તો ટ્રમ્પે ધીરજ ધરી, નહીં તો...
રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ વેન્સે (ઝેલેન્સ્કી સાથેની વાતચીત વેળા) ખૂબ જ ધીરજ દાખવી. આ કોઈ ચમત્કારથી ઓછું નથી, નહીંતર... તેઓ ઝેલેન્સકી પર હાથ પણ ઉપાડી શકતા હતા. રશિયાએ ઝેલેન્સકીને એક અપ્રમાણિક નેતા ગણાવ્યા હતા.