વોશિંગ્ટનઃ અમેરિકાનું સુકાન સંભાળ્યું તે દિવસથી જ ટેરિફ મામલે ખાંડા ખખડાવી રહેલા ટ્રમ્પ અગાઉ જ જાહેરાત કરી ચૂક્યા છે કે બીજી એપ્રિલે તેઓ ટેરિફ અંગે એલાન કરશે. આથી સહુ કોઇને એ જાણવાની ઉત્કંઠા છે કે તેઓ ક્યા દેશની કઇ ચીજવસ્તુઓ પર કેટલો ટેરિફ લાદે છે. ટ્રમ્પ જેને અમેરિકાનો ‘લિબરેશન ડે’ ગણાવી ચૂક્યા છે તે બીજી એપ્રિલ નજીક આવતાં જ દુનિયાભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો છે.
ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી કોઈને કોઈ એવી જાહેરાત કરતા રહે છે જેના કારણે અમેરિકાના હરીફો જ નહીં, પડોશીઓ અને મિત્રો પણ પરેશાન છે. ટ્રમ્પે કેનેડા, ચીન સહિત કેટલાક દેશો સામે ટેરિફ વોરનું શસ્ત્ર ઉગામ્યું છે અને બીજી એપ્રિલે ટ્રમ્પના કેટલાક પ્લાન લાગુ થવાના છે. તેના કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં ગભરાટ વ્યાપી ગયો છે. આ અઠવાડિયે 31 માર્ચ, સોમવારે ઈદના કારણે ભારતીય બજાર બંધ હતું, પરંતુ મંગળવારે સેન્સેક્સમાં 1390 પોઇન્ટનો ઘટાડો થયો હતો. અમેરિકામાં એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 10 ટકા ઘટ્યો છે. તેથી માર્ચ મહિનો તાજેતરનાં વર્ષોમાં સૌથી ખરાબ રહ્યો છે. નાસ્ડેક ઇન્ડેક્સ 10 ટકા કરતા વધુ ઘટ્યો છે અને 2022 પછી સૌથી ખરાબ ક્વાર્ટર રહ્યું છે.
ચીન-કેનેડા જેવા દેશો ટાર્ગેટ બનશે?
ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ રેસિપ્રોકલ ટેરિફ લાદશે પરંતુ તે પહેલી એપ્રિલના બદલે બીજી એપ્રિલથી જાહેર થશે જેથી કોઈને એવું ન લાગે કે આ એપ્રિલ ફૂલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરવાના છે. એટલે કે જે દેશો અમેરિકન આયાત પર ઊંચો ટેક્સ નાખે છે, તેના માલ પર અમેરિકા દ્વારા પણ વળતો ટેક્સ નાખવામાં આવશે. ચીન અને કેનેડા જેવા દેશો તેમાં ખાસ ટાર્ગેટ હોવાની શક્યતા છે.
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે વ્હાઇટ હાઉસ ગાર્ડનમાં બુધવારે એક કાર્યક્રમ યોજાશે જેમાં ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ યોજના જાહેર થવાની છે. તેમાં કેટલાક દેશોને ધ્યાનમાં રાખીને ટેરિફ જાહેર કરાશે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે કેટલાય દાયકાથી ખોટી વ્યાપાર નીતિના કારણે આપણા દેશને નુકસાન થયું છે. હવે તેને ઊલટાવવા માટે ટેરિફ પ્લાન જાહેર કરાશે. અમેરિકન લોકોના હિત માટે રાષ્ટ્રપતિ ઐતિહાસિક ફેરફારો કરવાના છે. સંભવતઃ અમેરિકાના સમય પ્રમાણે બપોરે ત્રણ વાગ્યે ટેરિફ યોજના જાહેર થશે.
ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરે તે અગાઉ યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે એક મોટું લિસ્ટ બહાર પાડ્યું છે જેમાં કયા દેશની કઈ નીતિ અમેરિકાને નડતરરૂપ છે તે જણાવાયું છે. તેમાં ફૂડ સેફ્ટીના નિયમનથી લઈને રિન્યૂએબલ એનર્જી સુધીની ચીજો સામેલ છે.
ભારતને પણ અસર થશે?
ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલને ‘લિબરેશન ડે' એટલે કે ‘મુક્તિનો દિવસ’ ગણાવ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફમાં મોટા પાયે ઘટાડો કરવા ભારત તૈયાર થયું છે. ગયા અઠવાડિયે ટ્રમ્પે અમેરિકન ઓટો ઇમ્પોર્ટ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી જેનાથી અમેરિકામાં વાહનોનું ઉત્પાદન વધશે, પરંતુ ભાવમાં આંચકો લાગવાની શક્યતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારતને પણ નિશાન બનાવતા રહ્યા છે અને ભારત અમેરિકન માલ પર બહુ ઊંચો ટેક્સ નાખે છે તેવી ફરિયાદ કરી છે. તેમણે માંગણી કરી છે કે અમેરિકન મોટર સાઇકલ પર ભારતે ટેક્સ ઘટાડવો જોઈએ અને ભારતે અમેરિકા પાસેથી મકાઈ જેવી કૃષિ પેદાશો પણ ખરીદવી જોઈએ. ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે ઘણા બધા દેશો તેમના ટેરિફ ઘટાડવાના છે કારણ કે અમેરિકા માટે તે અન્યાયકર્તા છે. યુરોપિયન યુનિયને તેમના ટેરિફ ઘટાડીને પહેલેથી 2.5 ટકા કરી નાખ્યા છે. મેં થોડા સમય અગાઉ સાંભળ્યું હતું કે ભારત પણ ટેરિફમાં મોટો ઘટાડો કરવાનું છે. અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ભારત 100 ટકા સુધી ટેરિફ લગાવે છે તેની સામે અમેરિકાએ વાંધો ઉઠાવ્યો છે.
અમેરિકાની નજરમાં ‘ડર્ટી 15’ દેશો કોણ છે?
વિદેશ વેપાર અને ઈમિગ્રેશનના મામલે ટ્રમ્પ આક્રમક નીતિ ધરાવે છે. ફેબ્રુઆરી મહિનામાં ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આવતાં ઉત્પાદનો પર સૌથી પહેલાં 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ઇમિગ્રેશન એજન્ડા સાથે પણ આ વાત સાંકળી હતી. ત્યાર પછી તેમણે માર્ચ સુધી તેનો અમલ ટાળ્યો હતો અને ઓટો ઉદ્યોગને કામચલાઉ રાહત આપી હતી. પરંતુ બુધવારે શું થશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી. ચીનના માલ પર ટ્રમ્પ વધારાનો 20 ટકા ટેરિફ નાખી ચૂક્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે ફેન્ટેનાઇલ નામનો કેફી પદાર્થ અમેરિકામાં સ્મગલિંગથી ઘુસાડવામાં ચીન પણ સામેલ છે. ટ્રમ્પ હવે કેવી જાહેરાત કરશે તેના વિશે અટકળો ચાલે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે અમેરિકાના 15 ટકા ટ્રેડ પાર્ટનર્સ માટે રેસિપ્રોકલ ટેરિફ જાહેર થઈ શકે છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આ દેશોને ‘ડર્ટી 15’ તરીકે ઓળખાવ્યા છે. આ દેશોનાં નામ જાહેર નથી થયાં પરંતુ તેમનો ઇશારો ચીન, યુરોપિયન યુનિયન, મેક્સિકો, વિયેતનામ, તાઇવાન, જાપાન, સાઉથ કોરિયા, કેનેડા તરફ હોવાનું મનાય છે.