વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ સુનામીએ દુનિયાભરના અર્થતંત્રને ઉપરતળે કરી નાંખ્યા છે. વિશ્વભરના શેરબજારમાં સોમવારે મંદીની સુનામી ફરી વળી હોય તેમ સેન્સેક્સમાં છેલ્લા દસકાંના સૌથી મોટા કડાકા નોંધાયા હતા. ભારતથી માંડીને બ્રિટન અને અમેરિકાથી માંડીને ઓસ્ટ્રેલિયાના શેરબજારો સોમવારે 3થી 13 ટકા સુધી તૂટ્યા હતા. એશિયાભરના શેરબજારોમાં છેલ્લા 16 વર્ષનો વિક્રમજનક ઘટાડો નોંધાયો હતો.
અલબત્ત, આ પ્રચંડ કડાકા બાદ ભારત સહિતના કેટલાક દેશોના શેરબજારમાં મંગળવારે સુધારો જોવાયો છે, પરંતુ આ સુધારો કેટલો ટકાઉ છે એ તો સમય જ કહેશે. આનું કારણ છે કે દુનિયાની બે આર્થિક મહાસત્તાઓ - અમેરિકા અને ચીન વચ્ચેની ટેરિફ વોર. બન્નેમાંથી એક પણ દેશ ટેરિફ મામલે નમતું જોખવાના મૂડમાં નથી.
ટ્રમ્પે અગાઉ જ કરેલી જાહેરાત અનુસાર બીજી એપ્રિલે 50 દેશોની યાદી સાથે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરીને ‘અમેરિકાનો લિબરેશન ડે’ મનાવ્યો હતો. યાદીમાં સૌથી વધુ 49 ટકા ટેરિફ સાથે કમ્બોડિયા પહેલા ક્રમે હતું તો બ્રિટન - સાઉદી અરેબિયા સહિતના 20 દેશો પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત હતી. યાદીમાં 19મા ક્રમે રહેલા ‘મિત્ર દેશ’ ભારત પર 27 ટકા તો 11મા સ્થાને રહેલા ‘શત્રુ દેશ’ ચીન પર 34 ટકા ટેરિફ ઝીંક્યો હતો.
ટ્રમ્પે હવે ચીન પર તોતિંગ 104 ટકા ટેરિફ લાદ્યો
આ પછી રોષે ભરાયેલા ચીને ઇંટનો જવાબ પથ્થરથી આપતાં અમેરિકા સામે એટલો જ - 34 ટકા - ટેરિફ ઝીંક્યો હતો. ચીનના આ પગલાંથી ગિન્નાયેલા માથાફરેલા પ્રમુખ ટ્રમ્પે ચીમકી ઉચ્ચારી હતી કે ચીન જો 24 કલાકમાં આ ટેરિફ પાછો નહીં ખેંચે તો તે ચીનના ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ ઝીંકાશે અને 9 એપ્રિલથી તેનો અમલ શરૂ થઇ જશે. ચીન માટે વાટાઘાટના દરવાજા પણ બંધ થઇ જશે. ટ્રમ્પની આ ધમકી સામે ચીને નમતું જોખવા ઇન્કાર કરી દેતાં વાત વણસી હતી. માથાફરેલા ટ્રમ્પે નિયત સમયમર્યાદા પૂર્વે જ ચીન પર 50 ટકાના બદલે સીધો 104 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે 9 એપ્રિલથી જ આ વધારો લાગુ થઇ જશે. હવે ચીન આ મામલે કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.
ટેરિફ મામલે કોઇ બાંધછોડ નહીંઃ ટ્રમ્પ
પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે ટેરિફ મામલે તે કોઈ બાંધછોડ કરવાના નથી. આ નિર્ણયને તેઓ ત્યાં સુધી રદ કરવાના નથી જ્યાં સુધી જે દેશ પર ટેરિફ લગાવાયો છે તે અમેરિકા સાથે તેનો વેપાર સંતુલિત ન કરી લે. ટ્રમ્પ આને સારી યોજના માને છે, પરંતુ સમગ્ર વિશ્વના બજારોમાં તેની વિપરિત પ્રતિક્રિયા જોવા મળી છે. અમેરિકન શેરબજાર પર પણ તેની વિપરીત અસર પડી છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડા છતાં અમેરિકામાં કોઈ મોંઘવારી નથી. અગાઉના પ્રમુખોની નીતિઓના લીધે ચીન જેવા દેશને અમેરિકાનો ફાયદો ઉઠાવવાની તક મળી. વિશ્વભરમાં આવેલી મંદી અંગે જણાવ્યું હતું કે તેલનો ભાવ ઘટયો છે, વ્યાજદરો ઘટયા છે. તેમણે કહ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમત ઘટી ગઈ છે. ફુગાવો તો છે જ નહીં. લાંબા સમયથી આર્થિક દુર્વ્યવહારનો શિકાર અમેરિકા પહેલેથી લાગુ કરાયેલા ટેરિફનો દુરુપયોગ કરનારા દેશો પાસેથી દર સપ્તાહે અબજો ડોલર ઉસેટી રહ્યું છે.
‘ટેરિફનો નિર્ણય શેરબજાર માટે કડવી દવા’
ટ્રમ્પે તેના ટેરિફના નિર્ણયને શેરબજાર માટે એક કડવી દવા ગણાવી હતી. તેમણે જણાવ્યુ હતું કે હું ઇચ્છતો નથી કે અમેરિકા કે વિશ્વના બીજા કોઈ શેરબજાર ઘટે, પરંતુ ક્યારેક - ક્યારેક આપણે કોઈ બીમારીને ઠીક કરવા કડવી દવા લેવી પડે છે. ટેરિફનો નિર્ણય આ દવા જેવો જ છે.
50થી વધુ દેશો વાટાઘાટ માટે તૈયાર
વિશ્વસ્તરે ટ્રમ્પના ટેરિફની થતી ટીકા સામે તેના અમેરિકી વહીવટી તંત્રે દાવો કર્યો છે કે ટેરિફની જાહેરાત અને અમલના નિર્ણય પછી 50થી વધુ દેશો અમેરિકા સાથે વ્યાપાર મંત્રણા કરવા માંગે છે. તે બધા દેશ વ્હાઇટ હાઉસના સંપર્કમાં છે. ગયા બુધવારે ટેરિફની જાહેરાત પછી 50થી વધુ દેશોએ અમેરિકા સાથે વાતચીત શરૂ કરી છે. તેમાં તાઇવાન, ઇઝરાયેલ, ભારત, ઇટાલી સહિતના દેશોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફની જાહેરાત પૂર્વેથી જ આ મુદ્દે મંત્રણા ચાલી રહી છે અને બન્ને દેશો કોઇ વચલો માર્ગ કાઢવા પ્રતિબદ્ધ છે.