વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ૭૦ વર્ષીય રિપબ્લિકન ઉમેદવાર એવા નવોદિત ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિન્ટનને હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. હિલેરી વિજેતા બનશે તેવા બહુમતી પૂર્વાનુમાનોને ખોટી પાડીને ટ્રમ્પે નોંધપાત્ર સરસાઈથી હિલેરીને પરાજિત કર્યા છે. તેઓ ૪૫મા પ્રમુખ બનશે અને ૨૦ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ પ્રમુખપદના શપથ લેશે.
અમેરિકાના પ્રમુખ બનવા માટે ૨૭૦ ઈલેક્ટોરલ વોટની જરૂર હોય છે તેની સામે ટ્રમ્પે ૨૭૯ મત મેળવ્યા છે, જ્યારે હિલેરીને માત્ર ૨૨૮ ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે હિલેરી ક્લિન્ટનને ૫૯,૪૧૫,૦૯૬ પોપ્યુલર મત મળ્યાં છે, જ્યારે ટ્રમ્પને ૫૯,૨૨૯,૭૩૨ પોપ્યુલર મત મળ્યા છે.
અકલ્પનીય વિજયથી ઉત્સાહિત ટ્રમ્પે દેશવાસીને સંબોધતાં તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રમુખપદના ડેમોક્રેટિક હરીફ હિલેરીએ યુએસ સેનેટર અને સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે સેવા આપી છે, જ્યારે ટ્રમ્પને રાજકીય અનુભવ નથી કે આવો કોઇ મહત્ત્વનો હોદ્દો સંભાળ્યો નથી. તેઓ બિઝનેસ સમૂહ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન અને પ્રેસિડેન્ટ કાર્યરત છે.
સહુ માટે કામ કરીશઃ ટ્રમ્પ
બહુમત મેળવ્યા પછી જાહેરમાં પરિવાર સાથે દેખાયેલા ટ્રમ્પે વિક્ટરી સ્પીચથી બધાનું મન જીતવાની કોશિશ કરી હતી. તેમણે તમામ દેશવાસીઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું તમામ અમેરિકનોનો પ્રમુખ છું. જેમણે મને વોટ આપ્યો હોય કે ન આપ્યો હોય, તમામ માટે મારે કામ કરવાનું છે. બધાનું ભવિષ્ય સુંદર બનાવવાનું છે. મારી જીત એ તમામ લોકોની જીત છે જેઓ અમેરિકાને પ્રેમ કરે છે. આપણે અર્થતંત્રને આગળ લાવીશું. અમેરિકાની ઈકોનોમી બમણી કરીશું. અમેરિકામાં લાખો લોકોને નોકરી આપવાની છે. આપણે મોટા સ્વપ્ના નિહાળવાના છે અને તેને સાકાર કરવાના છે. બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. રિપબ્લિકન હોય કે ડેમોક્રેટિક સહુ કોઇ એક સાથે આગળ આવીને દેશ માટે કામ કરે.’
વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખપદે ચૂંટાયા પછી ટ્રમ્પે કહ્યું કે, ‘હું વિશ્વ સમુદાયને કહેવા માંગુ છું કે અમે અમેરિકાને સૌથી વધુ પ્રાથમિકતા આપીશું પરંતુ, બધા સાથે મળીને કામ કરીશું. આપણે બધા સાથે મિત્રતા કરવાની છે, દુશ્મની નહિ. દરેક દેશ સાથે સારા સંબંધ રાખીશું.’
લાંબા અને કડવાશપૂર્ણ આરોપ-પ્રત્યારોપવાળા ચૂંટણી અભિયાન બાદ વિજયથી ઉત્સાહિત ટ્રમ્પે તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ડેમોક્રિટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે હિલેરીએ મને શુભેચ્છા પાઠવી છે અને હું તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તેમણે ખૂબ જ શાનદાર મુકાબલો કર્યો હતો.
ટ્રમ્પે અન્ય ઉમેદવારોના પણ વખાણ કર્યા હતાં. તેમણે પોતાના સ્વર્ગીય માતાપિતા, ભાઈ ઉપરાંત, પત્ની મલાનિયા અને બાળકો સહિત પરિવારનો સાથસહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો અને આવો પરિવાર મળવા બદલ પોતાને નસીબદાર ગણાવ્યા હતા.
હિલેરીની શરૂઆત સારી, પણ...
મંગળવારે તમામ ૫૦ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીમાં મતદાનનો પ્રારંભ થયો હતો. ડેમોક્રેટ હિલેરી અને રિપબ્લિકન ટ્રમ્પના વિવાદાસ્પદ પ્રચાર અભિયાન બાદ મંગળવારે સવારે પૂર્વના ૯ રાજ્યોમાં સ્થાનિક સમય પ્રમાણે સવારે ૬ કલાકે મતદાનનો પ્રારંભ થતાં જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. અમેરિકાના ૫૦ રાજ્યો અને વોશિંગ્ટન ડીસી ૬ અલગ અલગ ટાઇમ ઝોનમાં વહેંચાયેલાં છે. જેમાંથી ૧૩ રાજ્યોમાં સ્પિલ્ટ ટાઇમ ઝોન અમલી છે.
૧૯૬૦માં શરૂ થયેલી પરંપરા પ્રમાણે ન્યૂ હેમ્પશાયરના નાનકડા નગર ડિક્સવિલે નોચ, હાર્ટ્સ લોકેશન અને મિલ્સફિલ્ડમાં મિડનાઇટ વોટિંગ શરૂ થયું હતું. અન્યત્ર મતદાન શરૂ થાય તે પહેલાં આ ત્રણે નાના મથકોના પરિણામ પણ જાહેર થઇ ગયાં હતાં. ડિક્સવિલેમાં હિલેરીએ ટ્રમ્પ પર ૪-૨થી સરસાઇ પ્રાપ્ત કરી હતી. ડિક્સવિલેમાં ક્લિન્ટનને ૫૦ ટકા મત મળ્યાં હતાં. જોકે છેલ્લે સુધી રસાકસી રહ્યા બાદ તેમનો પરાજય થયો હતો.
આગોતરા મતદાનનો વિક્રમ
પ્રમુખપદની ચૂંટણીમાં ૪ કરોડ ૬૨ લાખ મતદારોએ આગોતરું મતદાન કરી દીધું હતું, જે એક વિક્રમ છે. ૨૦૧૨ની ચૂંટણીમાં ૩ કરોડ ૨૩ લાખ મતદારોએ આગોતરું મતદાન કર્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે, મતદાનની વધી રહેલી ટકાવારી અમેરિકનોની બદલાતી વોટિંગ પેટર્ન દર્શાવે છે. હિલેરીએ પૂર્વ પ્રમુખ અને પતિ બિલ ક્લિન્ટન સાથે ન્યૂ યોર્કના ચપ્પાક્યૂ ખાતે મતદાન કર્યું હતું. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પછી મતદાન કર્યું હતું.
તમામ સર્વેના તારણો ખોટા
મતદાનના એક દિવસ પહેલાં એબીસી ન્યૂઝ-વોશિંગ્ટન પોસ્ટના સર્વેમાં હિલેરી ક્લિન્ટનને હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચાર પર્સન્ટેજ પોઇન્ટની લીડ મળી હતી જે અત્યંત મહત્ત્વની મનાતી હતી. સર્વેમાં ૪૭ ટકા મતદારોએ હિલેરી અને ૪૩ ટકાએ ટ્રમ્પની તરફેણ કરી હતી. આ અગાઉ સોમવારે જારી થયેલા બ્લૂમબર્ગ પોલિટિક્સ-સેલ્ઝરના સર્વેમાં પણ હિલેરીએ ટ્રમ્પ પર ૩ પોઇન્ટની લીડ પ્રાપ્ત કરી હતી. નોંધનીય છે કે બહુમતી સર્વેમાં હિલેરીને પ્રમુખપદના વિજેતા તરીકે દર્શાવાય હતા, પરિણામો બાદ ટ્રમ્પ વિજયી બન્યા છે.
પ્રમુખપદે એક ‘લો પ્રોફાઇલ દાવેદાર’
• એક લો પ્રોફાઈલ દાવેદાર તરીકે પ્રાઈમરીમાં ઊતરેલા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે વિશ્વભરમાં ઓળખ ઊભી કરી ચૂક્યા છે.
• બિલિયોનેર બિઝનેસમેન ટ્રમ્પ એન્ટરટેઇન્મેન્ટ રિસોર્ટના માલિક, રિઅલ એસ્ટેટના બિઝનેસમેન છે. ૧૪ જૂન ૧૯૪૬ (૬૯ વર્ષ)ના રોજ ન્યૂ યોર્કમાં તેમનો જન્મ થયો હતો.
• અમેરિકાની સૈનિક સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો છે.
• પ્રમુખપદની ચૂંટણી માટે તેમનું ચૂંટણી સૂત્ર હતુંઃ ‘અમેરિકાને ફરી મહાન બનાવો’ (Make America Great Again)
• ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરિયાપારના દેશોમાં પણ કેવો પ્રભાવ ધરાવે છે તે અમેરિકાની ચૂંટણીમાં જોવા મળ્યું. ભારતમાં લોકસભા ચૂંટણીવેળા ‘અબ કી બાર મોદી સરકાર’ બહુ ગાજ્યું હતું, લોકપ્રિય થયું હતું. ટ્રમ્પે આ વાતને ધ્યાનમાં રાખીને ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ સૂત્ર વહેતું કર્યું હતું.
પ્રમુખપદ માટે મતદાન કઈ રીતે થાય છે?
• રાજ્યોનાં મતદાર સૌપ્રથમ ઇલેક્ટર ચૂંટે છે. જેઓ પ્રમુખપદ માટેના કોઈને કોઈ ઉમેદવારના સમર્થક હોય છે.
• તમામ ઇલેક્ટરે એક ‘ઇલેક્ટર કોલેજ’ બનાવે છે. આમાં કુલ ૫૩૮ સભ્ય હોય છે. ‘ઇલેક્ટર’ ચૂંટવા સાથે જ સામાન્ય જનતા માટે ચૂંટણી પૂરી થઈ જાય છે.
• ચૂંટણીની અંતિમ પ્રક્રિયામાં ‘ઇલેક્ટોરલ કોલેજ’ પ્રમુખની પસંદગી માટે મતદાન કરશે. પ્રમુખ બનવા માટે ૫૩૮માંથી ઓછામાં ઓછા ૨૭૦ ઇલેક્ટોરલ મત જરૂરી હોય છે.
• દરેક રાજ્યનો ઇલેકટર પસંદ કરવાનો ક્વોટા નક્કી હોય છે. આ સંખ્યા દરેક રાજ્યમાંથી અમેરિકી સંસદનાં બન્ને ગૃહો - હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટના સભ્યોની કુલ સંખ્યા બરોબર હોય છે.
જો ટાઈ સર્જાય તો...
• ઉમેદવારો વચ્ચે ટાઈ સર્જાય તો તેવા સંજોગોમાં પ્રમુખપદનો નિર્ણય સંસદનું નીચલું ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ’ કરે છે.
• ઉપપ્રમુખ પદના ઉંમેદવાર વચ્ચે ટાઈ સર્જાય તો અંતિમ નિર્ણય ઉપલું ગૃહ ‘સેનેટ’ કરે છે.
પ્રમુખપદની ચૂંટણીમાં કેટલો ખર્ચ?
• પ્રાથમિક અંદાજ પ્રમાણે પ્રમુખપદની ચૂંટણીમાં ૧.૨૫ બિલિયન ડોલરથી વધુ ખર્ચ થશે
• જોકે અમેરિકામાં ઉમેદવારે ખર્ચની વિગત આપવી નથી પડતી.
• અહીં ઉમેદવાર ચૂંટણી ભંડોળ માટે રકમ દાનમાં મેળવવા સ્વતંત્ર હોય છે.
• સપ્ટેમ્બર સુધી પ્રમુખપદના ૧૦ ઉમેદવારોએ સપ્ટેમ્બરના અંત સુધીમાં અમેરિકી ફેડરલ ઇલેક્શન કમિશનને નાણાકીય ખર્ચનો અહેવાલ સોંપ્યો છે. આ રકમનો ઉપયોગ ઉમેદવારે પ્રચાર માટે કર્યો.
મુખ્ય ઉમેદવારના ખર્ચની વિગતો
• હિલેરી ક્લિન્ટનઃ ૫૪ કરોડ ડોલર
• ડોનાલ્ડ ટ્રમ્પઃ ૩૭ કરોડ ડોલર
• ગેરી જોન્સન ૧ કરોડ ડોલર
• રોકી ડી લો ફર્યુટઃ ૭૩ લાખ ડોલર
• જિલ સ્ટીન ૩૧ લાખ ડોલર