ટ્રમ્પનો ‘અંતિમવાદી’ અભિગમ

સાત મુસ્લિમ દેશના નાગરિકો પર પ્રતિબંધ લાદતા આદેશ સામે વિશ્વભરમાં આક્રોશ

Wednesday 01st February 2017 05:10 EST
 
 

વોશિંગ્ટનઃ સાત મુસ્લિમ રાષ્ટ્રોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ સામે હંગામી પ્રતિબંધ ફરમાવતા નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ સામે વિશ્વભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. વૈશ્વિક હોબાળા છતાં પોતાના નિર્ણયમાં મક્કમ ટ્રમ્પે કહ્યું હતું કે ‘આ મુસ્લિમ સમુદાય પરનો પ્રતિબંધ નથી. અમેરિકા ઇમિગ્રન્ટ્સનો બનેલો ગૌરવવંતો દેશ છે. આ પ્રતિબંધ ધર્મની વાત નથી, ત્રાસવાદ સામે દેશને સુરક્ષિત રાખવાની વિચારણા સાથે લેવાયેલો નિર્ણય છે.’
ટ્રમ્પ વહીવટી તંત્રે ૨૭ જાન્યુઆરીએ જારી કરેલા આદેશમાં, જે સાત મુસ્લિમ દેશોના નાગરિકો પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમાં ઈરાન, ઇરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા અને યમનનો સમાવેશ થાય છે. આ દેશના નાગરિકોને ૯૦ દિવસ સુધી વિઝા નહીં મળે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી આવતા શરણાર્થીઓ માટે પણ અમેરિકામાં પ્રવેશબંધી લાગુ કરાઇ છે. સરકારે બીજા જ દિવસે આદેશ અમલમાં મૂકી દેતાં આ પ્રતિબંધિત દેશોમાંથી આવેલા હજારો પ્રવાસીઓને વિઝા હોવા છતાં એરપોર્ટ પર જ અટકાવવામાં આવ્યા હતા.
તેમણે ભારપૂર્વક દાવો કર્યો હતો કે ૪૦ જેટલા મુસ્લિમ દેશો આ આદેશથી પ્રભાવિત નથી. પોતાના નિર્ણયને વાજબી ઠેરવતાં ટ્રમ્પે કહ્યું હતું કે ૨૦૦૧માં ૯/૧૧ હુમલા માટે જ્યાંથી ત્રાસવાદીઓ આવ્યા હતા તે ઇજિપ્ત, લેબનોન, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમિરાત પણ આ પ્રતિબંધમાંથી બાકાત છે.
તેમણે એ વાતની યાદ અપાવી હતી કે તેમના પૂરોગામી બરાક ઓબામાએ પણ ૨૦૧૧માં ઇરાકી રેફ્યૂજી કાર્યક્રમને છ મહિના સુધી મુલતવી રાખ્યો હતો. જે સાત દેશો પર પ્રતિબંધ મૂકાયા છે તેની નોંધ ઓબામા વહીવટી તંત્રે પણ લીધી હતી. ફરક એટલો છે કે આ સાત દેશોમાંથી આવતાં લોકો પાસે વિઝા હોવા આવશ્યક હતા. ૯૦ દિવસમાં નીતિ બરોબર લાગુ થઈ જાય પછી સમીક્ષા થવાની જ છે.
વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા આતંકવાદ સામેના ટ્રમ્પના નિર્ણયો સાથે સહમત છે. ખાસ કરીને સીરિયા અને યમનમાંથી આતંકીઓને ખદેડી મુકવાના પ્રમુખ ટ્રમ્પના અભિયાનમાં સાઉદી અરેબિયા સાથ આપવા તૈયાર થઇ ગયું છે.

બ્રિટન સહિત વિશ્વમાં વિરોધ

ટ્રમ્પે લાદેલા પ્રતિબંધ સામે માત્ર અમેરિકામાં જ નહીં, વિશ્વભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. યુરોપિયન યુનિયન (ઇયુ) અને યુનાઇટેડ નેશન્સે આ પ્રતિબંધને આકરા શબ્દોમાં વખોડ્યા છે. તો બ્રિટનમાં ટ્રમ્પની સંભવિત યુકે મુલાકાતના વિરોધમાં ઓનલાઇન પિટિશન કેમ્પેઇન ચાલ્યું છે. જેમાં લાખો લોકોએ હસ્તાક્ષર કરીને ટ્રમ્પના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે.
મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાદતા નિર્ણયનો વિશ્વભરમાં વિરોધ થઇ રહ્યો છે. હવે યુનાઇટેડ નેશન્સે ટ્રમ્પના આ નિર્ણયને કાયદા વિરુદ્ધનો અને સાવ નિમ્ન કક્ષાનો ગણાવ્યો છે. યુનાઇટેડ નેશન્સના હ્યુમન રાઇટ્સ ચીફ ઝૈદ બિન રીઆદ અલ હુસૈને જણાવ્યું હતું કે ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના કાયદાનો ભંગ કર્યો છે. આ પ્રકારની પ્રવેશબંધી સાવ નિમ્ન કક્ષાની બાબત છે.
બીજી તરફ, અમેરિકામાં પણ વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે. ઠેર ઠેર લોકો રસ્તા પર આવીને હાથમાં ટ્રમ્પવિરોધી પ્લેકાર્ડ રાખીને વિરોધ કરી રહ્યા છે. અમેરિકાના આશરે ૧૫ જેટલા રાજ્યોએ એક સંયુક્ત નિવેદન જારી કરીને ટ્રમ્પના નિર્ણયને વખોડી પરત લેવા માટે દબાણ કર્યું છે અને તેને ગેરબંધારણી પણ ગણાવ્યું છે. વિરોધ કરનારા આ રાજ્યોમાં ન્યૂ યોર્ક સ્ટેટ, કેલિફોર્નિયા, વોશિંગ્ટન જેવા મોટા રાજ્યોનો પણ સમાવેશ થાય છે. ન્યૂ યોર્કના મેયરે જણાવ્યું હતું કે ટ્રમ્પના પ્રતિબંધના આદેશ બાદ ભયાવહ જેવી સ્થિતિ છે.
ટ્રમ્પનો વિરોધ હવે વિશ્વભરના દેશોમાં થઇ રહ્યો છે. બ્રિટન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, પ્રતિબંધિત દેશો, જર્મની, ફ્રાન્સ, કેનેડા વગેરેએ ટ્રમ્પના આદેશને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. જ્યારે બીજી તરફ અમેરિકામાં પ્રતિબંધને કારણે જે લોકો ફસાયા છે, તેઓેને હાલ પુરતી શરણ આપવા કેનેડા તૈયાર થઇ ગયું છે.

પાકિસ્તાન પર પણ પ્રતિબંધ?

વ્હાઇટ હાઉસના ચીફ ઓફ ધ સ્ટાફ રિસ પ્રબિસે કહ્યું છે કે જે સાત દેશો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેને ઓબામા વહીવટી તંત્રે જ અલગ તારવીને રાખ્યા હતા, તેનાથી વધુ કરવાની જરૂરત પણ છે. પાકિસ્તાન અને તેના જેવા દેશો માટે પણ સમાન નિયમ લાગુ પાડી શકાય છે. આવા દેશોમાંથી આવનારાં અને જનારાં લોકોની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના આવા આકરાં વલણ પછી પાકિસ્તાનના શાસકોના પગ તળે રેલો આવ્યો છે. અત્યાર સુધી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરતા આતંકવાદી સંગઠન જમાદ-ઉદ-દાવાના વડા હાફિઝ સઇદની સોમવારે ધરપકડ કરીને તેને નજરકેદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા પાછળનું મુખ્ય ભેજું સઇદ છે. આ અંગે ભારતે અઢળક પુરાવાઓ સાથે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પાકિસ્તાન સરકાર તેની સામ પગલાં લેવાનું ટાળી રહી હતી.

પ્રવેશ પ્રતિબંધ પર સ્ટે

સાત મુસ્લિમ દેશાના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મુકતા આદેશ સામે વિશ્વમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. તો બીજી તરફ અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પના આદેશ પર સ્ટે ફરમાવતો ઇમરજન્સી ઓર્ડર જારી કર્યો છે. ન્યૂ યોર્કના ડિસ્ટ્રિક્ટ જજ એન. ડોનલીએ આ આદેશ જારીને કરીને હાલ પૂરતો ટ્રમ્પના આદેશનો અમલ અટકાવી દીધો છે. તેમણે આદેશમાં જણાવ્યું હતું કે જે લોકોને વિઝા આપી દીધા હોય, કે જે લોકો અમેરિકામાં પ્રવેશી ચૂક્યા હોય તેમને અટકાવી નહીં શકાય. તેમને અમેરિકામાં વિઝાની મર્યાદા સુધી રહેવા દેવાશે.
અમેરિકાના સિવિલ લિબર્ટીઝ યુનિયન (એસીએલયુ) દ્વારા કોર્ટમાં દાખલ એક જાહેર હિતની અરજીને ધ્યાનમાં રાખીને જજે આ આદેશ આપ્યો હતો. ટ્રમ્પે આદેશ જારી કર્યો તે સાથે જ વિદેશથી અમેરિકામાં પ્રવેશી રહેલા સાત દેશોના નાગરિકોને એરપોર્ટ પર જ અટકાયાતમાં લેવાયા હતા. આમાં ઇરાકના બે નાગરિકોનો પણ સમાવેશ થાય છે. જ્હોન એફ. કેનેડી એરપોર્ટ પર ડિટેઇન થયેલા આ બે નાગરિકો વતી લિબર્ટીઝ યુનિયને કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી વેળાએ જજે ટ્રમ્પના આદેશના અમલને હાલ રોકી દીધો હતો. જે જજે આ આદેશ જાહેર કર્યો હતો.
બીજી તરફ સાત દેશાનો નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકતા ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં અફરાતફરીનો માહોલ છે. અમેરિકાના મોટા ભાગના એરપોર્ટની અંદર અને બહાર લોકો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા છે. હજારો લોકો અમેરિકાના મોટા ભાગના એરપોર્ટ પર એકઠા થયા છે.
જજના સ્ટેના આદેશને લઇને અમેરિકાના સેંકડો વકીલો એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને જે પણ લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હતા તેમને મફતમાં કાયદાકીય મદદ આપવાનું શરૂ કરી દેવાયું હતું.

ગ્રીનકાર્ડધારકો પણ ઝપટમાં

ટ્રમ્પે સાત ઇસ્લામિક દેશના નાગરીકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા જે આદેશ જાહેર કર્યા છે તે અંગે હવે કેટલાક અન્ય ખુલાસા પણ બહાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ આદેશ સાત ઇસ્લામિક દેશોના નાગરિકોને તો લાગુ રહેશે સાથે સાથે જ આ દેશના એવા લોકોને પણ આદેશ લાગુ રહેશે કે જેઓ અમેરિકાનું ગ્રીનકાર્ડ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા જારી એક નિવેદનમાં આ ખુલાસો કરાયો છે.

એરલાઇને સ્ટાફ બદલ્યો

સાત મુસ્લિમ દેશોના લોકો માટે અમેરિકાએ પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યા પછી અમિરાત એરલાઇન્સને અમેરિકા તરફ જતી પોતાની ફ્લાઇટ માટે એટેન્ડન્ટ્સ અને પાઇલોટની યાદી બદલવાની ફરજ પડી છે. એરલાઇને અમેરિકા તરફ જતી ફ્લાઇટમાં તૈનાત રહેતા મુસ્લિમ સ્ટાફને બદલી નાખ્યો છે. અમિરાત એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘અમેરિકામાં પ્રવેશને મુદ્દે થયેલા પરિવર્તનોની અસર તમામ પ્રવાસી અને ફ્લાઇટ ઓપરેશન ક્રૂને પણ લાગુ પડે છે. તેને ધ્યાને રાખતાં એરલાઇન્સે પોતાના ક્રૂ મેમ્બર્સમાં જરૂરી સુધારા કર્યા છે. એરલાઇન પાસે પૂરતો સ્ટાફ છે. તેથી એરલાઇન પર કોઇ વિપરીત પ્રભાવ નહીં પડે.’
એરલાઇન પાસે ૨૩,૦૦૦ ફ્લાઇટ એટેન્ડેન્ટ અને ૪૦૦૦ પાઇલોટ છે. દુબઇ સરકાર આ એરલાઇનની માલિકી ધરાવે છે. એરલાઇન દુબઇથી ન્યૂ યોર્ક, વોશિંગ્ટન અને લોસ એન્જલસ માટે દૈનિક ૧૧ ફ્લાઇટનું સંચાલન કરે છે.
બાકીની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પણ પોતાની વેબસાઇટ પર લખવાનું શરૂ કરી દીધું છે કે અમેરિકા તરફ જતા તમામ પ્રવાસીઓ પાસે ગ્રીનકાર્ડ અને રાજદ્વારી વિઝા હોવા આવશ્યક છે.
જાપાન એરલાઇનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે વિમાન અમેરિકા તરફ જવા રવાના થાય તે પહેલાં કોઇ પ્રવાસીને ટ્રમ્પના પ્રતિબંધ આદેશો પ્રભાવિત ના કરે તે હેતુસર વિવિધ દેશમાંથી આવેલા પ્રવાસીનું સ્ક્રીનિંગ શરૂ કર્યું છે.

તો એપલનું અસ્તિત્વ નહીં રહે

ટ્રમ્પ વહીવટી તંત્રે સાત મુસ્લિમ દેશો પર અમેરિકા પ્રવેશ પ્રતિબંધ ફરમાવતાં સિલીકોન વેલીની ટેક કંપનીઓ ભારે ચિંતામાં મુકાઇ ગઇ છે. આદેશની ખાસિયત એ છે કે પ્રતિબંધ ફરમાવ્યો છે તે સાત દેશના માન્ય વિઝા પ્રાપ્ત વ્યક્તિ પણ અમેરિકામાં ત્રણ મહિના સુધી પ્રવેશી શકશે નહીં. ટેલન્ટ માટે વિશ્વભરના ટેકનોકર્મી પર નજર દોડાવતી રહેલી સિલીકોન વેલીની ગૂગલ, એપલ, ઉબેર, નેટફિક્સ સહિતની કંપનીઓ તેથી ચિંતામાં છે. ટ્રમ્પ એચ૧- બી વિઝા કાર્યક્રમની પણ સમીક્ષા કરવાના છે.
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ કહી ચૂક્યા છે કે ટ્રમ્પના આદેશથી ગૂગલના ૧૮૭ કર્મચારીઓ પ્રભાવિત થયા છે. ગૂગલના સહસ્થાપક સર્જેઇ બ્રેન તો વ્યક્તિગત રાહે સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ ખાતે આદેશ સામેના વિરોધ પ્રદર્શનમાં પણ હાજર રહ્યા હતા. એપલના સ્થાપક સ્ટીવ જોબના પિતા પોતે સીરિયન ઇમિગ્રન્ટ હતા. વર્તમાન સીઇઓ ટીમ કૂક પણ કહી ચૂક્યા છે કે ઇમિગ્રેશન વિના એપલનું અસ્તિત્વ નહીં રહે. ઉબેર કંપનીની સ્ટાફ પર પણ આદેશની ગંભીર અસર પડી છે

શરણાર્થી માટે દરવાજા ખોલો

ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે પ્રમુખ ટ્રમ્પ માટે એક સંદેશો મૂકીને શરણાર્થીઓ માટે અમેરિકાનાં દ્વાર ખુલ્લાં રાખવા અપીલ કરી છે.
૨૭ જાન્યુઆરીએ લખેલી પોસ્ટમાં ઝુકરબર્ગે શરણાર્થીઓ માટે અમેરિકાના દરવાજા બંધ ના કરવામાં આવે અને ઇસ્લામી કટ્ટરપંથીઓને પણ અમેરિકાની બહાર ના કરવામાં આવે. અમેરિકામાં ૧૦ લાખ શરણાર્થી હોવાનું મનાઇ રહ્યું છે.
ઝુકરબર્ગે ટ્રમ્પને સંદેશો લખતાં એ વાતની યાદ અપાવી છે કે તેમના પૂર્વજ (ટ્રમ્પના) જર્મની, ઓસ્ટ્રિયા અને પોલેન્ડના હતા. તેમની પત્ની પ્રિસેલાના દાદા - પરદાદા ચીન અને વિયેતનામના રેફ્યૂજી હતા. ઝુકરબર્ગે પોસ્ટમાં લખ્યું છે કે બાકી લોકોની જેમ જ ટ્રમ્પના આદેશથી તેઓ પણ હેરાન છે.

વિવિધ સંગઠનો દ્વારા વિરોધ

સંખ્યાબંધ માનવાધિકાર સંગઠનો તેમજ ત્રાસવાદ સામેની લડતના વિશેષજ્ઞોએ આ આદેશ સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું છે કે નિર્ણય અમાનવીય છે. અમેરિકી સિવિલ લિબર્ટીઝ યુનિયનના કાર્યકારી વડા એન્થની રોમિરોએ કહ્યું હતું કે આદેશમાં મુસ્લિમો તરફની ભેદભાવની નીતિ છતી થાય છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પાકિસ્તાની કાર્યકર્તા મલાલા યુસુફઝાઇએ આ આદેશ હૃદયને તોડનારો હોવાનું કહ્યું હતું.

ગૂગલે સ્ટાફ પાછો બોલાવ્યો

ભારતીય મૂળના ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પ્રમુખ ટ્રમ્પ તરફથી જાહેર થયેલી વિઝા પોલિસીની આલોચના કરી છે. ગૂગલે પોતાના ટ્રાવેલિંગ સ્ટાફને અમેરિકા પરત બોલાવી લીધો છે. સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં આવનારા ટેલન્ટ સામે અવરોધ સર્જાશે.
પિચાઈએ કર્મચારીઓને પાઠવેલા ઈમેલમાં કહ્યું કે ટ્રમ્પના નિર્ણયને કારણે ગૂગલના અંદાજે ૧૮૭ કર્મચારી પ્રભાવિત થશે. આ આદેશના પ્રભાવથી અમે ચિંતિત છીએ. ગૂગલના કર્મચારીઓ અને તેમના પરિવારજનો પર નિયંત્રણ લદાતાં કર્મચારીઓ નિરાશ થશે અને તેને કારણે અમેરિકામાં સારા ટેલન્ટનાં આગમન સામે અવરોધ સર્જાશે.

સ્ટારબક્સ દ્વારા રેફ્યૂજીને રોજી

કોફી શોપ્સ ચલાવતી સ્ટારબક્સ કંપનીના ચેરમેન ટ્રમ્પના આદેશથી ખૂબ જ વ્યથિત છે. તેમણે કહ્યું હતું કે અમેરિકી સપના સામે પ્રશ્નાર્થ મુકાયો છે. તેઓ ખામોશ નહીં રહે. તેમણે કહ્યું હતું કે અમારી કંપની ૭૫ દેશોમાં કાર્યરત છે અને આગામી પાંચ વર્ષમાં ૧૦,૦૦૦ રેફ્યૂજીસને રોજગારી આપશે.

કેનેડામાં શરણાર્થીને આવકાર

અમેરિકી પ્રમુખ દ્વારા નકારાયેલા શરણાર્થીઓ માટે કેનેડાના વડા પ્રધાનનો એક સંદેશો છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘જે લોકો હત્યાકાંડ, ત્રાસવાદ અને યુદ્ધના ઓછાયાથી ભાગી રહ્યા છે તેમનું કેનેડિયન પ્રજા સ્વાગત કરે છે, પછી ભલે તમે ગમે તે ધર્મના હો. વિવિધતા એ જ આપણી શક્તિ છે. – કેનેડામાં તમારું સ્વાગત છે.’
કેનેડાના વડા પ્રધાને આ મુજબની ટ્વિટ કરતાં તેને દોઢ લાખથી વધુ લાઇક્સ મળ્યા હતા. કેનેડાના વડા પ્રધાને વર્ષ ૨૦૧૫માં સીરિયાના બાળકનું ટોરોન્ટો એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું તેની તસવીર પણ ટ્વિટ કરી હતી. સત્તા પર આવ્યા પછી કેનેડાના વડા પ્રધાન સીરિયાના ૩૯,૦૦૦ શરણાર્થીઓને આશરો આપી ચુકયા છે.

ઇરાન અમેરિકી નાગરિકો પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરિકો પર પ્રતિબંધ મૂકી દીધો છે તેની પ્રતિક્રિયારૂપે ઈરાને અમેરિકાના નાગરિકોને તેના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાનો સંકેત આપ્યો છે. ઈરાને કહ્યું છે કે ટ્રમ્પનો આ નિર્ણય ‘કટ્ટરવાદીઓને મહાન ભેટ’ છે.
એક ન્યૂઝ એન્જસીએ જણાવ્યા અનુસાર ઈરાને ટ્રમ્પના શુક્રવારના નિર્ણયને અપમાનજનક ગણાવ્યો છે અને તેનો વળતો જવાબ અપાશે તેમ કહ્યું છે. ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જાવેદ ઝરીફે કહ્યું હતું કે સામુહિક રીતે ભેદભાવથી આતંકવાદીઓની ભરતીમાં મદદ મળશે.
તેમણે કહ્યું કે આ પગલાંથી હિંસા જ વધશે. મંત્રાલયે કહ્યું કે ‘આતંકવાદ સામે લડવા અને અમેરિકાના લોકોની સુરક્ષાના જુઠ્ઠા દાવા છતાં ટ્રમ્પનો આ આદેશ ‘કટ્ટરવાદીઓને મહાન ભેટ’ છે અને ઈતિહાસમાં તેની આકરી નિંદા થશે, કારણ કે તેનાથી કટ્ટરવાદીઓ અને તેના સમર્થકોને મદદ મળશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter