નવી દિલ્હીઃ ભારતના ચાર દિવસના પ્રવાસે પહોંચેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સાથેની દ્વિપક્ષી ચર્ચામાં અપેક્ષા પ્રમાણે જ આગામી દિવસોમાં થનારી ટ્રેડ ડીલ અને ટેરિફ કેન્દ્રસ્થાને રહ્યા છે. મંત્રણામાં વેન્સ અને અમેરિકી અધિકારીઓએ હકારાત્મક વલણ સાથે દ્વિપક્ષી સહકારના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. બન્ને દેશો વચ્ચે આગામી સપ્ટેમ્બર સુધીમાં 500 બિલિયન ડોલરની ટ્રેડ ડીલ થવા સંભાવના છે.
વેન્સ સાથેની મંત્રણામાં વડાપ્રધાન મોદીની સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર, નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (એનએસએ) અજિત દોવાલ અને વડાપ્રધાનના અગ્ર સચિવ શશિકાંત દાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રણા બાદ વડાપ્રધાન મોદીએ વેન્સ પરિવાર માટે ડીનરનું આયોજન કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ વેન્સ અને સેકન્ડ લેડી ઉષા વેન્સને પાલમ એરબેઝ પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આવકાર્યા હતા. આ પ્રસંગે કલાકારોએ પરંપરાગત ભારતીય નૃત્ય રજૂ કર્યુ હતું. વેન્સની સાથે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ઉપરાંત તેમના ભારતીય મૂળનાં પત્ની ઉષા ચિલુકુરી, ત્રણ સંતાનો ઈવાન, વિવેક અને મિરાબેલ પણ હતાં. 12 વર્ષમાં કોઈપણ અમેરિકી ઉપરાષ્ટ્રપતિની આ પહેલી ભારત મુલાકાત છે. 2012માં, તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ભારતની મુલાકાતે આવ્યા હતા.
ટ્રેડ ડીલ લાભદાયી રહેવાનો આશાવાદ
સત્તાવર યાદી મુજબ, વડાપ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથેની મુલાકાત દરમિયાન ગત ફેબ્રુઆરીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત અને ફળદાયી મંત્રણા તથા વોશિંગ્ટન ડીસીના સંસ્મરણો વાગોળ્યા હતા. ટ્રમ્પ સાથેની મુલાકાતમાં દ્વિપક્ષી વેપાર કરારની ઘોષણા થઈ હતી. મોદીએ કહ્યું હતું કે, મેક અમેરિકા ગ્રેટ અગેઈનના ટ્રમ્પના ધ્યેય સાથે વિકસિત ભારત 2047ના વિઝનને મજબૂત કરવામાં આ મુલાકાત મહત્ત્વની રહેશે. દ્વિપક્ષી વેપાર કરાર ભારત-અમેરિકા માટે લાભદાયી રહેવાની આશા વ્યક્ત કરી આ દિશામાં પ્રગતિ સાધવા અને બંને દેશના નાગરિકોની સુખાકારી સુદૃઢ બનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.
વ્યૂહાત્મક ક્ષેત્રે સહયોગની પ્રતિબદ્ધતા
જાણકારોના મતે બંને દેશ દ્વારા પ્રથમ વખત વાટાઘાટોમાં નક્કર પ્રગતિ થઈ હોવાના નિવેદન જાહેરમાં અપાયા છે. બંને દેશના નેતાઓએ ઊર્જા, સંરક્ષણ, સ્ટ્રેટેજીક ટેકનોલોજી સહિતના ક્ષેત્રમાં સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને દેશના નેતાઓએ સંયુક્ત હિત ધરાવતા પ્રાદેશિક અને વૈશ્વિક પાસાઓ અંગે ચર્ચા કરી હતી અને સંવાદ તથા ડિપ્લોમસીની મદદથી આગળ વધવા આહવાન કર્યુ હતું. આ વર્ષના અંત સુધીમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે તેવી આશા સાથે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી હતી.
સ્ટુડન્ટ વિઝા અને દેશનિકાલના મુદ્દે ચિંતા વ્યક્ત કરતું ભારત
ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે આવેલા યુએસ પ્રતિનિધિમંડળ સમક્ષ સ્ટુડન્ટ વિઝાનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો. કેટલાક ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ થવાની અને તેમને ભારત મોકલવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. એવું કહેવાય છે કે અમેરિકન પ્રતિનિધિમંડળે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા અને દેશનિકાલના મુદ્દા પર યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
વેન્સ પરિવાર આમેર કિલ્લાની મુલાકાતે
ઉપરાષ્ટ્રપતિ વેન્સ મંગળવારે જયપુર પહોંચ્યા હતા. અહીં તેમણે યુનેસ્કો સાઈટ અને પ્રખ્યાત આમેર કિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે બપોરે રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે સંબોધન કર્યું હતું. બુધવાર - 23 એપ્રિલે પોતાના પરિવાર સાથે આગ્રા જશે. અહીં તાજમહેલ જોયા પછી, તેમનો પરિવાર શિલ્પગ્રામની મુલાકાત લેશે. આ દિવસે જ તેઓ જયપુર પરત ફરશે. બીજા દિવસે ગુરુવાર - 24 એપ્રિલે જયપુરથી અમેરિકા જવા રવાના થશે.
વેન્સ પરિવાર અક્ષરધામ મંદિરની મુલાકાતે
વેન્સ તેમના પરિવાર સાથે સોમવારે નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. વેન્સ અને પત્ની ઉષાએ પશ્ચિમી પોશાક પહેર્યો હતો, પરંતુ આકર્ષણનું કેન્દ્ર તેમના બાળકો હતા. મંદિરની મુલાકાત દરમિયાન બંને દીકરા ઇવાન અને વિવેકે કુર્તા-પાયજામા જ્યારે દીકરી મીરાબેલે અનારકલી ડ્રેસ પહેર્યો હતો. મંદિર સમિતિએ વાન્સ પરિવારને લાકડાનો હાથી, મંદિરનું મોડેલ અને પુસ્તકો ભેટમાં આપ્યા. (વિશેષ અહેવાલ - પાન 27)