પાખંડી બાબા ગુરમીત રામ રહીમઃ ડેરાના મહેલમાંથી કાનૂનની કેદમાં

બળાત્કારકેસમાં પાખંડી રામ રહીમને ૨૦ વર્ષ કેદ, રૂ. ૩૦ લાખ દંડ

Wednesday 30th August 2017 07:42 EDT
 
 

રોહતક, નવી દિલ્હીઃ બે સાધ્વી પર બળાત્કાર ગુજારવાના કેસમાં દોષિત ઠરેલા ડેરા સચ્ચા સૌદાના વડા બાબા ગુરમીત રામ રહીમ સિંહને સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે બન્ને કેસમાં ૨૦ વર્ષની કેદ અને રૂ. ૩૦ લાખના દંડની સજા ફટકારી છે. જસ્ટિસ જગદીપ સિંહે સોમવારે રોહતકની સુનારિયા જેલમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સુનાવણી યોજી સજા ફરમાવતાં જ પાખંડી બાબાના ટાંટિયા ઢીલા થઇ ગયા હતા ને આંખમાં આંસુ આવી ગયા હતા. ચુકાદા અનુસાર ગુરમીતે એક સજા પૂરી થયે બીજી સજા ભોગવવી પડશે. જ્યારે વસૂલ થયેલા દંડમાંથી ૧૪-૧૪ લાખ રૂપિયા બન્ને પીડિત સાધ્વીઓને અપાશે.
બાબાને આકરી સજા થયાની જાણ થતાં જ ધર્માંધ અનુયાયીઓમાં આક્રોશનું મોજું તો ઉઠ્યું હતું, પરંતુ લશ્કરી, અર્ધલશ્કરી સહિતના સુરક્ષા દળોના જડબેસલાક બંદોબસ્તથી ૨૫ ઓગસ્ટની જેમ તેઓ હિંસા આચરી શક્યા નહોતા.
આ કેસના ચુકાદાએ આમ ભારતીયનો ન્યાયતંત્રમાં વિશ્વાસ વધુ દૃઢ કર્યો છે. આ કેસના ચુકાદાએ સાબિત કર્યું છે કે ગુનેગાર ગમે તેટલો શક્તિશાળી કે વગદાર હોય તો પણ તે કાયદા સામે તો પાંગળો જ છે.

અને રામ રહીમ ધ્રુજી ગયો...

ચુકાદા પૂર્વે જજ જગદીપ સિંહે બન્ને પક્ષકારોને દલીલો રજૂ કરવા ૧૦-૧૦ મિનિટનો સમય આપ્યો હતો. દલીલો પૂરી થતાં જ રામ રહીમે પોક મૂકીને રડવા લાગ્યો. શરીર ધ્રૂજી રહ્યું હતું.
રામ રહીમે કહ્યું કે ડેરા ઘણા બધા સામાજિક કામોમાં લાગેલો છે. સારા કામ કરે છે. મને માફ કરી દો. અમે સમાજ માટે બહુ કામ કર્યા છે. જવાબમાં જજે કહ્યું હતું કે તમે પ્રભાવનો ખોટો ઉપયોગ કરીને દુષ્કર્મ જેવો અપરાધ કર્યો છે. એક વ્યક્તિને લોકો બાબા માને છે, જુદા-જુદા સ્વરૂપમાં જુએ છે. તેની વાતો ધ્યાનથી સાંભળે છે, તે પછી પણ તેણે આવું દુષ્કૃત્ય કર્યું છે. આને માફ કરી શકાય નહીં.
આ પછી જજ ચુકાદો વાંચવા લાગ્યા હતા. આ દરમિયાન રામ રહીમ વારંવાર સાત વર્ષ – સાત વર્ષ બોલતો રહ્યો. મતલબ કે તે ૧૦ને બદલે ૭ વર્ષની સજા માગી રહ્યો હતો. જોકે જજે તેની વાતો પર ધ્યાન આપ્યા વગર બન્ને કેસોમાં ૧૦-૧૦ વર્ષની જેલની સજા સંભળાવી હતી. સજા સાંભળતા જ રામ રહીમ ભાંગી પડ્યો. રડતા જમીન પર બેસી ગયો. ત્યાં જ રાખેલી એક ખુરશી પકડીને રડવા લાગ્યો.
હાલ રામ રહીમની ઉંમર ૫૦ વર્ષ છે. જો હાઇ કોર્ટમાં સજા ઓછી નહીં થાય તો તે ૨૦ વર્ષ કેદ ભોગવશે અને ૭૦ વર્ષે જેલમાંથી બહાર આવશે. એટલે કે બળાત્કારી બાબાની જિંદગી જેલમાં જ વીતી જશે.

અશાંતિ સર્જવા નિષ્ફળ પ્રયાસ

ગુરમીતને સજા ફરમાવાયા બાદ સિરસા નજીક કોટલી ગામે અજાણ્યા શખસોએ એક લક્ઝરી કારને આગ ચાંપી દીધી હતી. જોકે, આ સિવાય સિરસામાં કોઈ અનિચ્છિનીય બનાવ બન્યો નહોતો. જોકે આર્મીએ સિરસામાં ફ્લેગ માર્ચ કરી હતી. સિરસામાં જે કાર સળગાવાઈ એ ઘટનામાં ડેરાના અનુયાયી સામેલ હોવાનું પોલીસ માને છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે - ૨૪ ઓગસ્ટે કોર્ટે રામ રહીમને બળાત્કાર કેસમાં દોષિત ઠરાવતાં જ હજારો અનુયાયીઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા. પંજાબ-હરિયાણામાં હિંસા ફાટી નીકળતાં રામ રહીમને હેલિકોપ્ટર દ્વારા રોહતકની જેલમાં ખસેડાયો હતો.
પંચકુલામાં હજારો ડેરા સમર્થકો હિંસા પર ઊતરી આવ્યા હતા. તોફાનીઓએ પંચકૂલા શહેરમાં ૧૦૦થી વધુ વાહનોને આગ ચાંપી હતી. આ ઉપરાંત ઉત્તર ભારતમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ હિંસાની ઘટનાઓ બની હતી. પોલીસ ગોળીબારમાં ૩૨નાં મૃત્યુ થયા હતા અને સેંકડોને ઇજા થઇ હતી. આ ઉપરાંત અબજો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે.

નુકસાન વસૂલવા આદેશ

હરિયાણા-પંજાબમાં ડેરા સમર્થકોએ આચરેલી હિંસામાં જાહેર-ખાનગી સંપત્તિને મોટું નુકસાન થયું છે. હિંસા સામે લાલઘૂમ બનેલી હાઈ કોર્ટે સંપત્તિનું નુકસાન ભરપાઈ કરવા રામ રહીમ અને ડેરા સચ્ચા સૌદાની સંપત્તિ જપ્ત કરવા આદેશ આપ્યો છે.

સરકારે પંચકુલા ભડકે બાળ્યું

હિંસા માટે હાઈ કોર્ટે હરિયાણાની ખટ્ટર સરકારને જવાબદાર ગણાવી હતી. ત્રણ જજની બેન્ચે જણાવ્યું હતું કે, હરિયાણાની ભાજપ સરકારે મતબેન્કને લલચાવવા ડેરા સચ્ચા સૌદાની રાજકીય શરણાગતિ સ્વીકારી છે. રાજકીય લાભ માટે પંચકુલાને ભડકે બળવા દેવાયું હતું. કોર્ટે ડેરાને સંરક્ષણ માટે ખટ્ટરને જવાબદાર ઠેરવ્યા હતા. નોંધનીય છે કે મોદીએ રવિવારે તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં ધર્મના નામે હિંસા કોઇ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય તેવો મત વ્યક્ત કર્યો હતો.

કોણ બનશે વારસદાર?

રામ રહીમ જેલભેગો થતાં હવે ડેરા સચ્ચા સૌદાનું સામ્રાજય કોણ સંભાળશે તેના પર સૌની મીટ છે. આ રેસમાં સૌથી પહેલું નામ બ્રહ્મચારી વિપસ્યનાનું છે. વિપસ્યના હાલ ડેરા સચ્ચા સૌદામાં બાબા રામ રહીમ પછી બીજું સ્થાન ધરાવે છે. સિરસાની મેનેજમેન્ટ ટીમ નામ દરબારના મહિલા વડા એવાં વિપસ્યના પાયાના કાર્યકરથી આ સ્થાન પર પહોંચ્યા છે. નામ દરબાર દ્વારા રક્તદાન શિબિરો, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત સખાવતી થાય છે.
જોકે વિપસ્યનાને રામ રહીમનાં સંતાનો તરફથી આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. રામ રહીમનો પુત્ર જસમિત બિઝનેસમેન છે. તો ઉત્તરાધિકારી પદની સ્પર્ધામાં દત્તક પુત્રી હનીપ્રીત ઇન્સાં પણ છે. પ્રિયંકા તનેજામાંથી હનીપ્રીત નામ ધારણ કરનાર ફતેહાબાદની યુવતીએ ડેરા પ્રમુખ સાથે ઘણી ફિલ્મોમાં
કામ કર્યું છે. હનીપ્રીતને નડે તેમ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter