ડોન છોટા રાજન બાલીમાં ઝડપાયો

Wednesday 28th October 2015 06:13 EDT
 
 

બાલી (ઇન્ડોનેશિયા), મુંબઇ, નવી દિલ્હીઃ છેલ્લા ૨૦ વર્ષથી નાસતોફરતો અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ઉર્ફે રાજેન્દ્ર સદાશિવ નિખાળજે ઇન્ડોનેશિયાના વિખ્યાત ટુરિસ્ટ આઇલેન્ડ બાલીમાં ઇન્ટરપોલના હાથે ઝડપાઇ ગયો છે. ૫૫ વર્ષીય છોટા રાજન છેક ૧૯૯૫થી ફરાર હતો. તેની સામે ભારતમાં હત્યા, હત્યાના પ્રયાસ, હવાલા, ખંડણી જેવા સંખ્યાબંધ કેસો પોલીસ ચોપડે નોંધાયેલા છે.
માફિયા ડોન દાઉદ ઇબ્રાહીમના કટ્ટર દુશ્મન ગણાતા છોટા રાજનની ધરપકડને સમર્થન આપતાં સીબીઆઇના ડિરેક્ટર અનિલ સિંહાએ સોમવારે જણાવ્યું હતું કે બાલી પોલીસે છોટા રાજનની ધરપકડ કરી છે. છોટા રાજનની ધરપકડ માટે સીબીઆઇ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાના સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહી હતી. સહકાર આપવા બદલ અમે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાનો આભાર માનીએ છીએ.
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે પણ છોટા રાજનની ધરપકડને સમર્થન આપતાં જણાવ્યું હતું કે છોટા રાજનને ઇન્ડોનેશિયાના જાણીતા પ્રવાસન ટાપુ બાલી ખાતેથી ઝડપી લેવાયો છે.
તેના ભારતમાં પ્રત્યાર્પણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇન્ડોનેશિયા પોલીસના પ્રવક્તા હેરી વિયાન્તોએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઓસ્ટ્રલિયાની પોલીસે આપેલી માહિતીના આધારે ઇન્ડોનેશિયન સત્તાવાળાઓએ સિડનીથી બાલી આવી પહોંચેલા છોટા રાજનની રવિવારે ધરપકડ કરી છે. તેના પર ભારતમાં ૧૫થી ૨૦ હત્યા કરવાનો આરોપ છે. બાલી પોલીસ ઇન્ટરપોલ અને ભારતીય સત્તાવાળાઓના સંપર્કમાં છે અને છોટા રાજનને ભારતમાં દેશનિકાલ કરાશે.
ધરપકડનું વિશેષ મહત્ત્વ 
મહારાષ્ટ્રના ડીઆઇજી રાકેશ મારિયાએ જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં દાઉદની ધરપકડ થાય તો તેની સામે પ્રાઇમ વિટનેસ તરીકે છોટા રાજનનો ઉપયોગ કરી શકાય. દાઉદની અન્ય પ્રવૃત્તિઓ વિશે મહત્ત્વની ઇન્ફર્મેશન છોટા રાજન આપી શકે તેવી સંભાવના છે.
આઇપીએસ અધિકારી કેપી રઘુવંશીએ જણાવ્યું હતું કે રાજન પકડાયો એ સારી વાત છે. આ એક મોટી કાર્યવાહી છે. અન્ડરવર્લ્ડને આ મોટો ફટકો છે. ખંડણી માગવા માટે કુખ્યાત છોટા રાજન ગેંગ પર લગામ કસી શકાશે, તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી માગવી જેવા અનેક ગંભીર ગુનાઓ છે, જેની હવે તપાસ થઇ શકશે. તેની ગેંગનાં નેટવર્કની માહિતી મળી શકશે. રાજનની ધરપકડથી દાઉદવિરોધી કોઇ પુરાવા નહીં મળે પણ એક મોટી ગેંગનો ખાત્મો થવાથી નાની ગેંગો પર પોલીસની ધોંસ વધશે અને ગુનાખોરી ઓછી થઇ શકે છે.
પ્રત્યાર્પણ સંધિ નથી
મુંબઈ પર થયેલા ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટ કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જ્વલ નિકમે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'રાજનને એક આતંકવાદી કહેવા કરતાં હત્યારો કહેવો વધુ યોગ્ય લેખાશે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે એક્સ્ટ્રાડીશન ટ્રીટી (પ્રત્યાર્પણ સંધિ) ન હોવાથી રાજનને ભારત મોકલાવવો કે નહી તેનો દારોમદાર ફક્ત ત્યાંની સરકાર પર છે. આંતરરાષ્ટ્રીય મત મુજબ આતંકવાદીઓને આશરો અપાતો નથી. ભારોભાર શક્યતા છે કે ઇન્ડોનેશિયા રાજનને ભારત ડિપોર્ટ કરી દેશે.
મતલબ કે આ માટે ભારત સરકારે ઇન્ડોનેશિયાને પુરાવા આપવા પડશે કે તેમણે જેને પકડયો છે એ અમારો વોન્ટેડ આરોપી છે. એ માટે પોલીસે ફિંગર પ્રિન્ટસ, વોઇસ સેમ્પલ આપી ઇન્ડોનેશિયન સરકારને ખાતરી કરાવવી પડશે કે તેમણે પકડેલી વ્યક્તિ એ રાજન જ છે.’
ધરપકડ પૂર્વનિયોજિત?
ડોન છોટા રાજનની ધરપકડના ભેદભરમ ગૂંચવાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન પોલીસની માહિતીના આધારે ઈન્ડોનેશિયન પોલીસે બાલી એરપોર્ટ પરથી રાજનની ધરપકડ કર્યાના અહેવાલો પછી રાજનની ધરપકડમાં કેન્દ્રિય વિદેશ રાજ્ય પ્રધાન વી. કે. સિંહ પણ ઈન્ટરપોલના સંપર્કમાં હોવાનો દાવો થઈ રહ્યો છે.
રાજનની ધરપકડ થયાના અહેવાલો પછી તરત ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ્ સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે, 'ગઈકાલે મેં પૂર્વ સેનાધ્યક્ષ અને વિદેશ રાજ્યપ્રધાન વી. કે. સિંહને ફોન કર્યો ત્યારે તેઓ ઈન્ડોનેશિયામાં હોવાનું જાણવા મળ્યું હતું. રાજનની ધરપકડ પાછળ તેમની ય કોઈક ભૂમિકા હોઈ શકે?' આ ટ્વિટ પછી પૂર્વ સેનાધ્યક્ષ છેલ્લાં મહિનાથી ઈન્ટરપોલના સંપર્કમાં હોવાના અહેવાલો છે.
મુંબઇના જાણીતા વકીલ ઉજ્જ્વલ નિકમે જણાવ્યું હતું કે, રાજન્ અચાનક પકડાઈ ગયો છે તે પણ આશ્ચર્યજનક છે. તેણે નિયમિત ડાયાલિસિસ પણ કરાવવુ પડે છે. એથી તેણે ભારત આવી પોલીસ સંરક્ષણમાં રહેવા જ તેના પકડાવાનો આ કારસો ઘડી કાઢયો હોય એની પણ શક્યતા નકારી શકાય નહી.
અહેવાલોથી ગૂંચવાડો
છોટા રાજનની ધરપકડને સમર્થન અપાયા પહેલાં સાઇનાઇડ મોહન નામનો અપરાધી ઝડપાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા, સાઇનાઇડ મોહન પર ભારતમાં ૨૦ મહિલાની હત્યાના આરોપ પુરવાર થયા બાદ ૨૦૧૩માં તેને ફાંસીની સજા અપાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter