તબલાંવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન

Tuesday 17th December 2024 11:47 EST
 
 

નવી દિલ્હીઃ વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવનાર પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં રવિવારે રાત્રે નિધન થયું છે. 73 વર્ષીય ઝાકિર હુસૈનને હૃદય સંબંધિત બિમારીના કારણસર ગત સપ્તાહે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં રવિવારે અચાનક સ્વાસ્થ્ય કથળતાં આઈસીયુમાં ખસેડાયા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનાર ઝાકિર હુસૈને એક્ટિંગ પણ કરી હતી. તેમણે 12 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈને શશી કપૂરની સાથે 1983માં બ્રિટિશ ફિલ્મ ‘હિટ એન્ડ ડસ્ટ’માં કામ કર્યું હતું. એ તેમની પ્રથમ ફિલ્મ હતી. આ ઉપરાંત, 1998માં આવેલી ‘સાઝ’ ફિલ્મમાં તેઓ જોવા મળ્યા હતા. એમાં શબાના આઝમીએ તેમની પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. 9 માર્ચ, 1951ના રોજ જન્મેલા ઝાકિર હુસૈનને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તેમના પિતા ઉસ્તાદ અલ્લાહ રક્ખા કુરૈશી પણ વિખ્યાત તબલા વાદક હતા.
માત્ર 11 વર્ષની વયે કોન્સર્ટ
ઝાકિર હસૈને અભ્યાસ પૂર્ણ કર્યા પછી સંગીતની દુનિયામાં પગલાં માંડ્યા હતા. તેમને બાળપણથી જ તબલા ખૂબ પ્રિય હતા. ઝાકિર હુસૈને 11 વર્ષની ઉંમરમાં અમેરિકામાં પોતાની પ્રથમ કોન્સર્ટ કરી હતી, જેના કારણે સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. તેમણે નાની ઉંમરમાં જ પિતાની સાથે કોન્સર્ટમાં જવાનું શરૂ કર્યું હતું. તેઓ અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય હતા. વર્ષ 2016માં તેમને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા. આ કોન્સર્ટમાં સામેલ થનાર ઝાકિર હુસૈન પ્રથમ ભારતીય સંગીતકાર હતા.
‘મારું સંગીત વૈશ્વિક’
અંગત જીવનની વાત કરીએ તો ઉસ્તાદ ઝાકિર હુસૈને એન્ટોનિયા મીન્નેકોલા સાથે લગ્ન કર્યા હતા, એ એક કથક ડાન્સર અને ટીચરની સાથે-સાથે તેમના મેનેજર પણ હતા. તેમને બે દીકરીઓ છે. ઝાકિર હુસૈને એક વખત કહ્યું હતું કે હું મુસ્લિમ છું, મારા પત્ની કેથોલિક છે અને મારું સંગીત વૈશ્વિક છે. ઝાકિર હુસૈનના અવસાનથી સંગીતવિશ્વની ધૂન શાંત પડી ગઈ છે, અને તેમના ચાહકો સહિત સૌ કોઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી અને માતાનું નામ બીવી બેગમ હતું. ઝાકિર હુસૈને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ સિવાય તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.
1973માં તેણે પોતાનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટિરિયલ વર્લ્ડ’ લોન્ચ કર્યું. નાનપણથી ઉસ્તાદ ઝાકિર હુસૈન કોઈ પણ સપાટ જગ્યા જોઈને તેના પર આંગળીઓ વડે ધૂન વગાડવા લાગતા. રસોડામાં વાસણો પણ બચ્યા ન હતા. તેને જે મળે તે તપેલી, વાસણ અને થાળીને સ્પર્શ કરતા. ઝાકિર હુસૈન શરૂઆતના દિવસોમાં તબલાને પોતાના ખોળામાં રાખતા હતા. શરૂઆતમાં પરિવારના આર્થિક તકલીફવાળા દિવસોમાં મુસાફરીમાં પૈસાના અભાવે તે જનરલ કોચમાં ચડતા હતા. જો તેને બેઠક ન મળે, તો તે ફ્લોર પર અખબારો ફેલાવીને સૂઈ જતા. આ સમય દરમિયાન તબલાને કોઈનો પગ ન અડે તે માટે તે તેને ખોળામાં લઈને સૂઈ જતા હતા.
તે પાંચ રૂપિયાનું વિશેષ મૂલ્ય
ઝાકિર હુસૈન 12 વર્ષના હતા ત્યારે તેમના પિતા અલ્લારખા સાથે એક કોન્સર્ટમાં ગયા હતા. પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન, બિસ્મિલ્લાહ ખાન, પંડિત શાંતા પ્રસાદ અને પંડિત કિશન મહારાજ જેવા સંગીતના દિગ્ગજોએ તે કોન્સર્ટમાં હાજરી આપી હતી. ઝાકિર હુસૈન તેમના પિતા સાથે સ્ટેજ પર ગયા હતા. તબલાંવાદન પુરું થયા બાદ ઝાકીરને 5 રૂપિયાનો પુરસ્કાર અપાયો હતો. બાદમાં એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું - હું મારા જીવનમાં ઘણા પૈસા કમાયો છું, પરંતુ તે 5 રૂપિયા સૌથી કિંમતી હતા. ઝાકિર હુસૈનને પણ સુવિખ્યાત ઐતિહાસિક ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ (1960) ફિલ્મમાં સલીમના નાના ભાઈની ભૂમિકાની ઓફર કરાઇ હતી, પરંતુ તે સમયે તેના પિતાએ તેને મંજૂરી આપી ન હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર માત્ર સંગીત પર જ ધ્યાન આપે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter