કાબુલ-નવી દિલ્હી: આશરે 16 મહિના પહેલાં અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવ્યા છતાં દુનિયાએ હજુ તેને માન્યતા આપી નથી. તેની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય થઇ ચૂકી છે. તેમાં સુધારો કરવા તે ભારતની મદદ ઈચ્છે છે. આ જ કારણે તાલિબાન સરકારે ભારતને તેને ત્યાં રોકાણ કરવા અપીલ કરી છે.
તાલિબાની સરકારના નેતાઓએ આગ્રહ કર્યો છે કે ભારત સમુદ્રકિનારા વિનાના અફઘાનિસ્તાનમાં રોડ જેવી પાયાની સુવિધાઓ પાછળ રોકાણ કરે.
આ ક્ષેત્રમાં ખાનગી સેક્ટરને પણ સામેલ કરવામાં આવે. આવા પ્રોજેક્ટમાં રોકાણથી રોજગારી સર્જાશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. તાલિબાની નેતાઓએ આ અપીલ તાજેતરમાં ભારતીય ટેક્નિકલ મિશનના પ્રમુખ સાથેની બેઠક દરમિયાન કરી હતી. તેમાં તાલિબાન સરકારે કહ્યું કે ભારતીય બિઝનેસમેન શહેરી અને આવાસ ખાસ કરીને ન્યૂ કાબુલ સિટી પ્રોજેક્ટમાં પોતાની ભાગીદારી નિભાવે.
બીજી બાજુ તાલિબાની શાસનમાં પાકિસ્તાનને સતત આંચકા મળી રહ્યા છે. તેને આશા હતી કે તાલિબાની શાસનમાં તે પરદા પાછળથી શાસન કરશે. એટલા માટે તાલિબાનની તેણે જાહેરમાં મદદ કરી. જોકે હવે તેની સ્થિતિ દયનીય થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે અફઘાન અને પાક. વચ્ચે અનેક મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે.
ભારતના 20 પ્રોજેક્ટ ફરી શરૂ થવાની આશા
અફઘાન ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝે દાવો કર્યો કે અફઘાનમાં ભારતના અટકી ચૂકેલા 20 પ્રોજેક્ટ ફરી શરૂ થઇ શકે છે. શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયે કહ્યું કે ભારતીય ઈન્ચાર્જ ભારતકુમારે સંબંધો સુધારવા અને અફઘાનિસ્તાનમાં ભારતના પ્રોજેક્ટને ફરી શરૂ કરવામાં રસ દાખવ્યો છે. કુમારે શહેરી વિકાસ અને આવાસ મંત્રી હમદુલ્લાહ નોમાની સાથે બેઠકમાં આ ટિપ્પણી કરી હતી.
ઓગસ્ટ 2021માં તાલિબાન દ્વારા શાસનની કમાન સંભાળ્યા બાદ ભારતના તમામ પ્રોજેક્ટ બંધ થઇ ગયા હતા. તાલિબાનના શાસનથી પહેલાં ભારતે બે દાયકામાં અફઘાનિસ્તાનમાં આશરે 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તે હેઠળ 400થી વધુ પ્રોજેક્ટ અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાં શરૂ કરાયા હતા. હાલ તે બંધ પડ્યા છે.
ચીન સાથે મંત્રણા
અફઘાનિસ્તાનના અર્થતંત્રને ચેતનવંતુ બનાવી શકાય તે માટે તાલિબાન સરકાર પ્રાચીન સિલ્ક રોડ કારોબારી માર્ગોને ફરી શરૂ કરવા ચીન સાથે મંત્રણા કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ તાલિબાનના ઉદ્યોગ-વાણિજ્યમંત્રી નુરુદ્દીન અજીજીએ આ મામલે ચીનને ઝડપી પ્રયાસો કરવા કહ્યું છે.
જાપાને દૂતાવાસ શરૂ કરવા ભારતનો અભિપ્રાય માગ્યો
ગત થોડા સમયમાં ભારત ઝડપથી તાલિબાન સરકાર પર તેની પકડ મજબૂત કરી ચૂક્યું છે. ભારતે લીલી ઝંડી બતાવતા હવે જાપાન પણ અફઘાનમાં દૂતાવાસ શરૂ કરવાની તૈયારીમાં છે. એક અંગ્રેજી અખબાર અનુસાર જાપાને ચાલુ વર્ષે જ્યારે દૂતાવાસ ફરી શરૂ કરવા વિચાર્યું તો તેણે આ માટે ભારત સરકારની સલાહ લીધી હતી, જેથી તેને વાસ્તવિક સ્થિતિની સચોટ માહિતી મળી શકે.
કાબુલમાં પાક. રાજદૂતની હત્યાનો પ્રયાસ
અફઘાન સરહદે જ્યાં પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ખેંચતાણ અને ગોળીબારની સ્થિતિ છે, ત્યાં તાલિબાને પાક.ને અલગ કરતી ડૂરંડ લાઈનને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તાલિબાનના શાસનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(ટીટીપી) આતંકીઓએ પાક. પર હુમલા વધારી દીધા છે. રાજધાની કાબુલમાં પાકિસ્તાની રાજદૂતને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો.