તાલિબાની આતંકીઓની ભારતમાં ડ્રગ્સનો કારોબાર વધારવા તૈયારી

Sunday 05th September 2021 05:08 EDT
 
 

કાબુલઃ અફઘાનિસ્તાનમાં સત્તા પર કબજો કરવાની સાથે તાલિબાનોએ વૈશ્વિક હેરોઈન વેપાર પર પણ કબજો જમાવ્યો છે. તાલિબાન હવે વિશ્વની સાથે ભારતમાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર વધારવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની મદદથી તાલિબાનો ભારતમાં છ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનું કાવતરું ઘડે તેવી સંભાવના છે. ગયા મહિને દિલ્હીમાં પકડાયેલી રૂ. ૨૫૦૦ કરોડની હેરોઈન પાછળ અફઘાનિસ્તાનમાં બેઠેલા તાલિબાનોનો જ હાથ હોવાનું બહાર આવ્યું છે.
અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી નીકળવાની જાહેરાત કરવાની સાથે જ તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં એક પછી એક વિસ્તારો કબજે કરવાનું શરૂ કર્યું હતું. તાલિબાનોએ તેની શરૂઆત ઝરાંજ જિલ્લાથી શરૂઆત કરી હતી. ઝરાંજ વિસ્તાર હેરોઈન અને અફીણના ઉત્પાદન માટે કુખ્યાત છે. ડ્રગ્સ અને ક્રાઈમ બાબતે યુએન ઓફિસના વર્ષ ૨૦૨૦ના સરવે મુજબ અફઘાનિસ્તાનમાં રાજકીય અસ્થિરતા અને સંઘર્ષના પગલે ઝરાંજ સહિતના વિસ્તારોમાં અફીણની ખેતીમાં ૩૭ ટકાનો વધારો થયો છે. અફઘાનિસ્તાનમાં શાસન કોઈનું પણ હોય હેરોઈન અને અફીણનો ગેરકાયદે વેપાર બેરોકટોક ચાલતો રહે છે.
જોકે, હવે તાલિબાનો અફઘાનિસ્તાનમાં સત્તા પર આવતાં વૈશ્વિક સ્તરે દેશમાં ઠલવાતું ભંડોળ બંધ થઈ ગયું છે. પરિણામે તાલિબાનો માટે હેરોઈન અને અફીણ આવકનો સૌથી મોટો સ્રોત છે. આ કારોબાર મારફત તાલિબાન કાળો કાયદો ચલાવે છે. પહેલાં આ વેપાર ચોરીછૂપીથી થતો હતો, પરંતુ હવે તે ખુલ્લેઆમ થશે. સૂત્રો મુજબ તાલિબાનનું માનવું છે કે ભારત તેના માટે નાર્કો ટેરરિઝમનું એક મોટું બજાર છે, જ્યાંથી તે પોતાની આવક વધારી શકે છે. સાથે પાકિસ્તાન અને ચીન પણ તાલિબાનને આ કાવતરાંમાં સાથ આપીને પોતાના હિત સાધી શકે છે.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ તાલિબાનોને મુંબઈ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, પંજાબ, કચ્છ-જામનગર જેવા માર્ગો પરથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે તૈયાર કર્યા છે. કરાચીથી ભારત આવવા માટે કચ્છની ખાડીમાં કંડલા પોર્ટ પણ આવે છે, જે એક ખુલ્લો માર્ગ છે અને કન્ટેનર જો સફળતાપૂર્વક અહીં પહોંચી જાય તો ટનના હિસાબે ડ્રગ્સ ભારતમાં ઘુસાડી શકે છે.
અફઘાનિસ્તાનમાં આ ડ્રગ્સની કિંમત પ્રતિ કિલો એક લાખ રૂપિયા છે જ્યારે ભારતમાં તેની કિંમત પ્રતિ કિલો ચાર કરોડ રૂપિયા થઈ જાય છે. દિલ્હી પોલીસના એક ટોચના અધિકારીના જણાવ્યા મુજબ જુલાઈ ૨૦૨૧માં દિલ્હીમાં ૨૫૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. તેની તપાસ દરમિયાન તેના તાર તાલિબાન સાથે જોડાયેલા હોવાનું જણાયું છે. આ ડ્રગ્સ ઈરાન માર્ગે મુંબઈ લવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter