તુર્કી-સીરિયામાં વિનાશક ભૂકંપથી ચોમેર તબાહી

Wednesday 08th February 2023 03:43 EST
 
 

સીરિયાઃ તુર્કી અને સીરિયામાં સોમવારે પ્રચંડ ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઇ હતી. મંગળવાર સુધીમાં આ ક્ષેત્રમાં આફ્ટરશોકના 550થી વધારે આંચકા નોંધાઈ ચૂક્યા છે. પ્રચંડ ભૂકંપના લીધે 18થી વધારે બહુમાળી રહેણાક અને કોમર્શિયલ ઇમારતો ધરાશાયી થઈ ચૂકી છે, અને સેંકડો ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. હજારો બેઘર લોકો ખુલ્લામાં આશરો લઇ રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં મૃત્યુઆંક 6500નો આંક વટાવી ગયો છે, અને હજુ સેંકડો કાટમાળ નીચે દટાયેલા હોવાથી મૃત્યુઆંક હજુ ઘણો વધવાની દહેશત છે.
ભારતે લંબાવ્યો મદદનો હાથ
તુર્કી અને સીરિયા પર આવેલી આફતની આ પળે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ભારત સરકારે જરૂરી દવા અને જીવનજરૂરી સામગ્રી સાથે મેડિકલ ટીમ અને એનડીઆરએફ જવાનોની ટીમ મોકલી છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં વિનાશક ભૂકંપે ચોમેર તબાહી વેરી ત્યારે ભારતની વહારે પહોંચનાર વિશ્વના વિવિધ દેશોમાં તુર્કીનો પણ સમાવેશ થાય છે. તુર્કીની રાહત અને બચાવ ટીમ સૌપ્રથમ કચ્છ પહોંચી હતી. તુર્કીની ટીમે લાંબો સમય કચ્છમાં મુકામ કરીને રાહત-બચાવકાર્ય
કર્યું હતું.

તુર્કી અને સીરિયાના સંકટને ધ્યાને લેતાં ભારતીય સેનાની 89 સભ્યોની મેડિકલ ટીમ અને એનડીઆરએફની બે ટીમ લઈને ભારતીય એરફોર્સનું સી-17 વિમાન તુર્કી પહોંચ્યું છે. ભારતીય સેનાની મેડિકલ ટીમ પ્રભાવિત વિસ્તારમાં ફિલ્ડ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. આ ટીમ 30 બેડવાળી ચિકિત્સા સુવિધા સ્થાપિત કરવા માટે એક્સ-રે મશીન, વેન્ટિલેટર, ઓક્સિજન ઉત્પાદક યંત્ર, કાર્ડિયાક મોનિટર ઉપરાંત અન્ય ઉપકરણોથી ઇજાગ્રસ્તોની સારવાર કરશે. જ્યારે એનડીઆરએફની બે ટીમ દ્વારા રાહત-બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
ભૂકંપનું કેન્દ્રબિન્દુ સીરિયા બોર્ડરથી 90 કિ.મી. દૂર તુર્કીના ગાઝિયાંટેપમાં નોંધાયું છે. આવી સ્થિતિમાં સીરિયાનાં ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સરહદની બંને બાજુ ભારે વિનાશ થયો છે. ભૂકંપની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી.
ભૂકંપના આંચકાથી ભારે વિનાશ
ભૂકંપના જોરદાર આંચકામાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. અહેવાલ અનુસાર મંગળવાર રાત સુધીમાં 6500થી વધુ લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે. તુર્કીના ઓસ્માનિયામાં 34 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને ટ્વીટ કરીને જણાવ્યું કે, ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને નુકસાન પામેલી ઈમારતોમાં ન પ્રવેશવા અપીલ કરાઈ છે.
આ શહેરોમાં સૌથી વધારે તારાજી
અંકારા, ગાજિયાટેપ, કહરામનમારસ, ડિયબ્રિર, માલઢ્યા, નૂરદગી સહિત 10 શહેરમાં સૌથી વધારે તારાજી સર્જાઇ છે. આ શહેરોમાં 1710 કરતાં વધારે બિલ્ડિંગો તૂટી પડી હોવાના અહેવાલ છે.
સીરિયામાં 40 સેકન્ડ આંચકા અનુભવાયા
સીરિયાના દમાસ્કસ, અલેપ્પો, હામા, લેટકિયા સહિતના શહેરોમાં ભારે ખાનાખરાબી સર્જાઇ છે. દેશમાં ટ્રેન સેવાઓ રદ કરી દેવામાં આવી છે. અહી ભકંપ પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા 40 સેકન્ડ સુધી અનુભવાયા હતા.
સીરિયાના લેબેનોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સીરિયાના અલેપ્પો અને હમા શહેરમાંથી નુકસાનના અહેવાલો છે. સિવિલ ડિફેન્સ અનુસાર સીરિયામાં તુર્કીની સરહદે આવેલા વિસ્તારોમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે. દમાસ્કસમાં પણ ભૂકંપના આંચકા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લેબનોનમાં લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોમવારે ભૂકંપના આંચકા બાદ તુર્કીના ઇસકેંદેરુન પોર્ટ પરના કન્ટેનરમાં ભીષણ આગ લાગી હતી, જેને મંગળવાર સુધી કાબૂમાં લઈ શકાઈ નહોતી.
ભૂકંપ આવતાં આઇએસના 20 આતંકી ફરાર
સીરિયામાં સ્થાનિક સરકાર નિયંત્રિત વિસ્તારમાં અંદાજિત 1500 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જેમાં સીરિયાની જેલ પણ સામેલ છે. ભૂકંપમાં દક્ષિણી સીરિયાની એક જેલની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જે બાદ કેદીઓ દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જેલમાં બંધ આઇએસના 20 આતંકી પણ ફરાર થઈ ગયા છે.
1999ના ભૂકંપમાં 18 હજારનાં મોત થયા હતા
તુર્કીની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે. 1999માં અહીં આવેલા ભૂકંપમાં 18 હજાર લોકોનાં મોત થયાં હતાં. ઓક્ટોબર 2011માં આવેલા ભૂકંપમાં 600થી વધુ લોકોનાં મોત થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter