નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ અદાલતે સીમાચિહનરૂપ ચુકાદો આપતાં મુસ્લિમ સમુદાયની ત્રણ તલાક પ્રથાને ગેરકાનૂની ઠરાવી છે. આશરે એક હજાર વર્ષ જૂની પ્રથા પર પાંચ જજોની બેંચે ૩ઃ૨થી ચુકાદો ફરમાવ્યો હતો. મુસ્લિમ સમુદાયની આ બહુચર્ચિત પ્રથાની તરફેણમાં અને વિરુદ્ધમાં વિવિધ પક્ષકારોએ કરેલી રજૂઆતોને ૧૮ માસ સાંભળ્યા બાદ ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે ત્રણ તલાક વોઇડ (રદબાતલ), અનકોન્સ્ટિટ્યૂશનલ (ગેરબંધારણીય) અને ઇલીગલ (ગેરકાનૂની) છે. બેંચમાં સામેલ ત્રણ જજોએ ત્રણ તલાક પર છ મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે ત્રણ તલાક ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનના મૂળ સિદ્ધાંતોનો હિસ્સો નથી. આ સાથે જ તેણે સરકારને તેના પર કાનૂન બનાવવા આદેશ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુપ્રીમ કોર્ટના ફેંસલાને ઐતિહાસિક ગણાવ્યો છે.
સવારે સાડા દસ વાગ્યે સુપ્રીમ કોર્ટમાં ત્રણ તલાકના કેસ અંગે સુનાવણી શરૂ થઈ હતી. સુપ્રીમ કોર્ટના રૂમ નંબર એકમાં પાંચ જજોની બેંચે ફેંસલો સંભળાવવાનું શરૂ કર્યું. ચીફ જસ્ટિસ જે. એસ. ખેહરે સૌથી પહેલાં તેમનો ફેંસલો વાંચવાનું શરૂ કર્યું હતું. આશરે ૧૦ મિનિટ સુધી તેમણે ફેંસલો વાંચ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, ત્રણ તલાક ગેરબંધારણીય નથી. તે બંધારણની કલમ ૧૪, ૧૫ અને ૨૧નું ઉલ્લંઘન નથી. જસ્ટિસ ખેહર બાદ વારાફરતી અન્ય ચાર જજોએ તેમનો ફેંસલો સંભળાવ્યો હતો. જેમાંથી જસ્ટિસ આર. એફ. નરિમન, જસ્ટિસ કુરિયન જોસેફ અને જસ્ટિસ યુ. યુ લલિતે ત્રણ તલાકને ગેરબંધારણીય ગણાવ્યા હતા. જસ્ટિસ અબ્દુલ નઝિરે ત્રણ તલાકની તરફેણમાં ફેંસલો સંભળાવ્યો હતો. જે બાદ ૩-૨ના ફેંસલા સાથે ત્રણ તલાક ખતમ થઈ ગયા.
આ ફેંસલાનું શું છે મહત્ત્વ?
ચીફ જસ્ટિસે સરકારને છ મહિનામાં આ અંગે કાનૂન બનાવવા કહ્યું છે. મતલબ કે આગામી ૬ મહિના સુધી કોઈ પણ મુસ્લિમ પુરુષ મહિલાઓને એક સાથે ત્રણ તલાક કહીને અલગ નહીં કરી શકે. બેન્ચે તેના ફેંસલામાં કહ્યું હતું કે, અનેક મુસ્લિમ દેશોમાં ત્રણ તલાકની પ્રથા ખતમ થઈ ચૂકી છે તો આઝાદ ભારતમાં કેમ ન થઈ શકે?
હવે મોદી સરકાર પર નજર
ચીફ જસ્ટિસે સરકારને છ મહિનામાં કાનૂન બનાવવાનું કહ્યું છે. આ ઉપરાંત મહત્વની કમેંટ પણ કરી છે કે તમામ રાજકીય પક્ષો તેમના મતભેદ બાજુએ મૂકે અને કાનૂન બનાવવામાં સરકારની મદદ કરે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કેન્દ્ર જે કાનૂન બનાવશે તેમાં મુસ્લિમ સંસ્થાઓની ચિંતા અને શરિયતનો ખ્યાલ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે જો ત્રણ તલાકને ગેરકાનૂની અને ગેરબંધારણીય જાહેર કરી દેવામાં આવશે તો મુસ્લિમોમાં લગ્ન અને તલાકને રેગ્યુલેટ કરવા માટે કાનૂન બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકાર પહેલાથી જ મુસ્લિમોમાં તલાકની ત્રણ રીત તલાક-એ-બિદ્દત, તલાક હસન અને તલાક અહસાનને ગેરકાનૂની જાહેર કરી ચૂકી છે.
કાનૂન ન બને તો શું?
કોઇ કારણસર કદાચ સરકાર કાનૂન ઘડી શકે તો શું થાય? આ માટે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કાનૂન છ મહિનામાં નહીં બને તો ત્રણ તલાક પર અમારો આદેશ ચાલુ રહેશે. એટલે કે જે ત્રણ તલાક પ્રતિબંધ છ મહિના સુધી છે, તે કાનૂન ન બની શકવાની સ્થિતિમાં આગળ પણ ચાલુ રહેશે.
ચીફ જસ્ટિસ જે. એસ. ખેહરના વડપણ હેઠળની પાંચ ધર્મના જજોની બેન્ચે મે મહિનામાં ૬ દિવસ માટે સુનાવણી કરી હતી તથા ૧૮ મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે સુઓ મોટોના આધારે ત્રણ તલાક મુદ્દે સુનાવણી શરૂ કરી હતી. બાદમાં ૭ પીડિત મહિલાએ પણ અરજી દાખલ કરી હતી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સહિત અનેક મુસ્લિમ સંગઠનો કેસમાં પક્ષકાર બન્યાં હતાં. સમગ્ર બાબતની જટિલતામાં વધારો થતા કેસ બંધારણીય બેન્ચને સોંપાયો હતો.
તલાક-એ-બિદ્દત મુદ્દે...
ચીફ જસ્ટિસ ખેહરે તેમના ફેંસલામાં કહ્યું કે, તલાક-એ-બિદ્દત સુન્ની કમ્યુનિટીનો હિસ્સો છે. જે ૧૪૦૦ વર્ષથી ચાલ્યો આવ્યો છે. તલાક-એ-બિદ્દત બંધારણની કલમ ૧૪, ૧૫, ૨૧ અને ૨૫નું ઉલ્લંઘન નથી કરતી.
તલાક-એ-બિદ્દત એટલે કે એક જ વખતમાં ત્રણ વખત તલાક બોલવું. આવું તલાકનામું લખીને, ફોનથી કે ટેક્સ મેસેજ દ્વારા મોકલવામાં આવે છે. જે બાદ પુરુષને લાગે છે કે તેમણે ઉતાવળમાં આમ કર્યું છે તો પણ તેમાંથી ફરી શકતો નથી. પરણિત કપલ હલાલા બાદ જ નિકાહ કરી શકે છે.
ચીફ જસ્ટિસ જે. એસ. ખેહરના વડપણ હેઠળની પાંચ ધર્મના જજોની બેન્ચે મે મહિનામાં ૬ દિવસ માટે સુનાવણી કરી હતી તથા ૧૮ મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે સુઓ મોટોના આધારે ત્રણ તલાક મુદ્દે સુનાવણી શરૂ કરી હતી. બાદમાં ૭ પીડિત મહિલાએ પણ અરજી દાખલ કરી હતી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સહિત અનેક મુસ્લિમ સંગઠનો કેસમાં પક્ષકાર બન્યાં હતાં. સમગ્ર બાબતની જટિલતામાં વધારો થતા કેસ બંધારણીય બેન્ચને સોંપાયો હતો.
નવો કાયદો નહીં ઘડાય?
સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને રદ કરતો ચુકાદો આપવાની સાથે નવો કાયદો ઘડવાનો સરકારને આદેશ આપ્યો છે. જોકે સરકારે નવો કાયદો ન ઘડવાના સંકેત આપતાં જણાવ્યું છે કે આ માટે ઘરેલુ હિંસા અંગેનો વર્તમાન કાયદો પૂરતો છે.
ત્રણ તલાક મુદ્દે નવા કાયદાની રચના વિશે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતાં કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે સંગઠિત રીતે વિચારણા કરશે. ચુકાદા પરથી જણાય છે કે દેશની સર્વોચ્ચ અદાલતે ત્રણ તલાકની પ્રથાને ગેરબંધાણીય અને ગેરકાયદે જાહેર કરી છે.
કાયદાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જો પતિ તેની પત્નીને ત્રણ તલાક આપે તો તે કાયદેસર નહીં ગણાય. લગ્ન પ્રત્યેની તેની જવાબદારી અકબંધ રહેશે. આ ઉપરાંત પત્ની પણ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી શકે છે અને ઘરેલું હિંસા ધારા હેઠળ પણ ફરિયાદ દાખલ કરાવી શકે છે.
મુસ્લિમ લો બોર્ડની બેઠક
ત્રણ તલાકને ગેરબંધારણીય જાહેર કરતાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સંદર્ભમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈએમપીએલબી)ની ૧૦ સપ્ટેમ્બરે ભોપાલમાં મહત્વની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછીના પગલાં વિશે ચર્ચા-વિચારણા કરશે.
એઆઈએમપીએલબીની કારોબારીના સભ્ય જફરયાબ જીલાનીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાનો અભ્યાસ કર્યા પછી ભોપાલમાં ૧૦ સપ્ટેમ્બરે કારોબારીની બેઠક યોજાનાર છે.
મુસ્લિમ લો બોર્ડની આ બેઠકમાં હવે પછીના પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે. કારોબારીની બેઠકમાં અન્ય મુદ્દાઓ સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પણ વિચારણા કરાશે. જીલાની વરિષ્ઠ ધારાશાસ્ત્રી પણ છે.
જીલાનીએ જણાવ્યું હતું કે ભોપાલ બેઠકના એજન્ડામાં બાબરી મસ્જિદ કેસની સુનાવણીનો પણ સમાવેશ થાય છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાના અભ્યાસ વગર તેના વિશે ટિપ્પણી યોગ્ય નહીં લેખાય.
ત્રણ પક્ષકાર, ત્રણ દૃષ્ટિકોણ
તલાકપીડિત મહિલાઃ વ્યવસ્થાનો સંપૂર્ણ અંત
દલીલો: ત્રણ તલાક મહિલાઓ સાથે અન્યાય અને ભેદભાવ છે. મુસ્લિમ પુરુષ ગમેત્યારે પત્નીને તલાક આપી શકે છે, પણ મહિલાઓને આવો કોઈ અધિકાર નથી. તેમને તલાક માટે કોર્ટમાં જવું પડે છે. કુરાનમાં પણ ત્રણ તલાકનો કોઈ ઉલ્લેખ નથી. તે ગેરકાયદે અને ગેરબંધારણીય છે. અનેક મુસ્લિમ દેશો તેને નકારી ચૂક્યા છે.
પર્સનલ લો બોર્ડઃ આસ્થાનો મુદ્દો
દલીલો: ઈસ્લામમાં ત્રણ તલાક અનિચ્છનીય અને પાપ છે, પણ તે આસ્થાનો વિષય છે. કોર્ટે તેમાં દખલ કરવી જોઈએ નહીં. પર્સનલ લો બોર્ડ નિકાહનામામાં વિકલ્પ ઉમેરશે કે મહિલા ત્રણ તલાક માટે 'ના' કહી શકે છે. વ્યવસ્થા ૧૪૦૦ વર્ષ પુરાણી છે. પર્સનલ લો મૌલિક અધિકારોની એરણે ચકાસી શકાય નહીં.
ભારત સરકારઃ સન્માનથી જીવવાનો અધિકાર
ભારત સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાઓને સમાનતાપૂર્વક અને ગરિમાપૂર્ણ રીતે જીવવાનો અધિકાર છે. ત્રણ તલાક તેનું હનન છે. વ્યવસ્થા મુસ્લિમ ધર્મનો અભિન્ન અંગ નથી. ધાર્મિક આઝાદીના નામે તેનો બચાવ કરી શકાય નહીં. ત્રણ તલાકનો અંત લાવવામાં આવશે તો સરકાર નવો કાયદો લાવવા માટે તૈયાર છે.