નવી દિલ્હી ૩ઃ ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યા પછી વડાપ્રધાન મોદીએ રવિવારે દિલ્હીમાં ભાજપનાં મુખ્યાલયમાં પક્ષનાં કાર્યકરોને સંબોધન કરતાં કહ્યું હતું કે ત્રણ રાજ્યોમાં જીતની હેટ્રિકે ભાજપને 2024ની જીતની ગેરંટી આપી દીધી છે. આ જીત આત્મનિર્ભર ભારતની જીત છે. પ્રમાણિકતા, પારદર્શકતા અને ગુડ ગવર્નન્સની જીત છે. ત્રણ રાજ્યોમાં જીત એ સબ કા સાથ... સબ કા વિકાસની જીત છે. દરેક ગરીબ અને મહિલાઓ પાર્ટીની જીતમાં તેમની જીત જોઈ રહ્યા છે. આજની જીત ઐતિહાસિક અને અસાધારણ છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની પ્રજાએ ભાજપ પર પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે. તેલંગણએ પણ ભાજપને ટેકો આપ્યો છે.
દેશના ભાગલા પાડવા કોશિશ
આ ચૂંટણીમાં કેટલાક લોકોએ જાતિને આધારે દેશનાં ભાગલા પાડવાની કોશિશ કરી પણ જનતા જનાર્દને તેમનો મજબૂત જનાદેશ આપીને તેમને જાકારો આપ્યો છે. મારા માટે તો ચાર જાતિ જ મહત્ત્વની છે. નારીશક્તિ, યુવા શક્તિ, કિસાન અને ગરીબો એ જ મારો પરિવાર છે. આ ચાર જાતિના લોકોએ ભાજપમાં વિશ્વાસ દર્શાવ્યો છે. મોદીએ મહિલા મતદારોનો આભાર માનતા કહ્યું હતું કે, મહિલાઓને વિશ્વાસ છે કે એકમાત્ર ભાજપ જ તેમને સલામતી, સુરક્ષા આપી શકશે અને તેમનું ગૌરવ જાળવી શકશે. હું તમામ મહિલાઓને ખાતરી આપું છું કે મેં જે વચનો આપ્યા છે તેનું 100 ટકા પાલન કરવામાં આવશે. આ મોદીની ગેરંટી છે.
ભાજપ યુવાનોની આકાંક્ષા સમજે છે
મોદીએ કહ્યું કે ભાજપ દેશનાં યુવાનોની આકાંક્ષા સમજે છે. તેમના માટે કામ કરે છે. નવી તકો સર્જે છે. યુવાનો દેશનો વિકાસ ઇચ્છે છે. જે લોકો 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર જોવા માંગે છે તેઓ આમાં તેમની સફળતા જોઈ રહ્યા છે. આદિવાસીઓના આશા અને અરમાનો પણ ભાજપ જ પુરા કરશે.
તુષ્ટીકરણ અને જાતિવાદી રાજકારણનો અંત: અમિત શાહ
ભાજપનાં નેતા અને કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે આજના પરિણામોએ જાહેર કયું છે કે તુષ્ટીકરણ અને જાતિવાદી રાજકારણનો અંત આવ્યો છે. ન્યુ ઈન્ડિયાએ સરકારની કામગીરીને આધારે વિકાસને મત આપ્યો છે. ભાજપની જંગી જીતે એ પુરવાર કર્યું છે કે, લોકોએ પીએમ મોદીના વડપણ હેઠળની સરકારની કલ્યાણકારી નીતિઓને અને ગુડ ગવર્નન્સ માટે મંજૂરીની મહોર મારી છે. લોકોના હૃદયમાં એકમાત્ર વ્યક્તિ મોદીએ જ સ્થાન જમાવ્યું છે. હું પીએમ મોદીને જંગી જીત માટે અભિનંદન પાઠવું છું. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મતદારોને સલામ કરીને તેમનો આભાર માનું છું.