લંડનઃ બોરિસ જ્હોન્સને મોટા કાર્યક્રમો યોજનારા જાહેર સ્થળો પર ત્રાસવાદી હુમલાના જોખમ સામે રક્ષણની જવાબદારી નાખવાનો કાયદો લાવવાની ખાતરી ઉચ્ચારી છે. વડા પ્રધાને જણાવ્યું છે કે જાહેર સ્થળોએ આગના જોખમ સામે રક્ષણ કરતા હોય તે જ રીતે ત્રાસવાદી હુમલાઓ સામે તેમની નબળાઈ દૂર કરવી જોઈએ.
લંડનબ્રિજના ત્રાસવાદી હુમલાના મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારોએ તેમના આ પગલાને સમર્થન જાહેર કર્યું છે. માન્ચેસ્ટર એરીનામાં ૨૦૧૭ના બોમ્બહુમલામાં ૨૩ના મોત પછી એક મૃતક માર્ટિન હેતનો પરિવાર આ માટે અભિયાન ચલાવી રહ્યો છે. તાજેતરના વર્ષોમાં સીરિયા અને ઈરાકમાં તથાકથિત ઈસ્લામિક સ્ટેટના ઉદ્ભવ પછી નાગરિકો પર હુમલાઓનું પ્રમાણ વધી ગયું છે. બ્રિટન અને પશ્ચિમી દેશોની શેરીઓમાં એકલવાયા અને સુગઠિત જૂથોના હુમલાઓને પ્રોત્સાહન મળ્યું છે.
આ દરખાસ્તો જાહેર કરતા જ્હોન્સને કહ્યું છે કે જાહેર સ્થળોએ શક્ય તેટલા સુરક્ષિત બનાવવા માટે જરૂરી પગલા લેવાવાં જોઈએ. આગ જેવા અકસ્માતના જોખમો માટે તૈયારી કરવી તે જાહેર સ્થળો માટે હવે પૂરતું નથી. જે લોકો હિંસક કૃત્યોના કાવતરાં ઘડતા હોય તેમની સામે પોતાની અસલામતી ઘટાડવાની તેમને જરૂર છે. પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવી ચૂંટાયેલી ટોરી સરકાર જાહેર સ્થળોના માલિકો અને ઓપરેટર્સ સાથે મળી જાહેર સ્થળો સલામત રહે તેની ચોકસાઈ માટે શ્રેષ્ઠ અભિગમ વિકસાવવા કાર્ય કરશે.
જ્હોન્સને બુરખાધારી મહિલાઓને ‘લેટરબોક્સીસ’ કહેવા બદલ માફી માગી
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બુરખાધારી મહિલાઓને ‘લેટરબોક્સીસ’ સાથે સરખામણી કરવા બાબતે આખરે માફી માગી છે. ITVના ધીસ મોર્નિંગ કાર્યક્રમમાં બોલતા જ્હોન્સને કહ્યું હતું કે બુરખા પહેરેલી મુસ્લિમ સ્ત્રીઓ વિશે તેમણે ભુતકાળમાં કરેલી ટીપ્પણીથી લાગણી દુભાઈ હોય તો તે બદલ તેની માફી માગે છે. બુરખાધારી મહિલાઓ માટે ‘લેટરબોક્સીસ’ અને ‘બેન્ક રોબર્સ’ જેવી ઉશ્કેરણીજનક ટીપ્પણીઓ મુદ્દે જ્હોન્સનને આડે હાથ લેવાયા હતા. વડા પ્રધાને કહ્યું હતું કે તેમની ટીપ્પણીઓ સંદર્ભ વિના લેવાયેલી હતી. સમગ્ર લેખ પર ધ્યાન આપવું જોઈએ. તેમનો કહેવાનો ઈરાદો ખરેખર વિપરીત હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કટ્ટરવાદના સામના મુદ્દે તેમના રેકોર્ડનો તેમજ તેમના મુસ્લિમ વંશનું ગૌરવ અનુભવે છે. તેઓ અખબાર માટે લખે છે ત્યારે કોઈની લાગણી દુભાવવા કે અપમાન કરવાના ઈરાદા સાથે લખતા નથી. સમગ્ર સામાન્ય ચૂંટણીના પ્રચારમાં જ્હોન્સને ૨૦૧૮માં ડેઈલી ટેલિગ્રાફના કટારલેખમાં કરેલી ટીપ્પણીઓ માટે માફી માગવા સતત ઈનકાર કરેલો છે.
૪૦ સેલેબ્રિટિઝનું કોર્બીન- લેબરને સમર્થન
સામાન્ય ચૂંટણી અગાઉ ૪૦ સેલેબ્રિટિઝે ખુલ્લો પત્ર લખી જેરેમી કોર્બીન અને લેબર પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. આ સેલેબ્રિટીઓમાં અભિનેતાઓ રોબ ડેલાને, માર્ક રીલાન્સ સ્ટીવ કૂગન, કોમેડિયન એલેક્સેઈ સાયલી, લેખક નાઓમી ક્લેઈન,કવિ કેટ ટેમ્પેસ્ટ, ફિલ્મ દિગ્દર્શકો માઈક લેહ અને કેન લોશ, બેન્ડ્ઝ ક્લીન બેન્ડિટ અને મેસિવ એટેક, સંગીતકાર, રોજર વોટર્સનો સમાવેશ થાય છે.
પત્રમાં જણાવાયું છે કે ‘૧૨મી ડિસેમ્બરે બ્રિટિશ મતદારો સમક્ષ આશા અને નિરાશાની વચ્ચે પસંદગી કરવી આનાથી વધુ જરૂરી કે તાકીદની નહિ હોય. લોકો તેમના બાળકોને યોગ્ય શિક્ષણ, આરોગ્ય, નોકરીઓ અને ઘર તેમજ ક્લાઈમેટ કટોકટીના માનવીય અને ટકાઉ ઉપાયો મળે તેવી ખાતરી સાથેનું ભવિષ્ય ઈચ્છે છે.’
પત્રમાં વધુ અસમાન અને વિભાજિત સમાજ અને નકામા રાજકારણની ઓફર કરતા બોરિસ જ્હોન્સન અને કન્ઝર્વેટિવ પાર્ટીની કડક ટીકા સાથે સ્પષ્ટ કરાયું છે કે કોર્બીનની નેતાગીરી ‘ખાનગી નફાખોરી અને થોડાંક સ્થાપિત હિતોથી વિપરીત લોકો અને પૃથ્વીની જરુરિયાતોને પ્રાધાન્ય આપતો પરિવર્તનકારી પ્લાન’ ઓફર કરે છે.’
સેલેબ્રિટિઝે ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી વિશ્વમાં અતિ જમણેરી રાષ્ટ્રવાદના ઉદ્ભવ તેમજ ઘણી સરકારો દ્વારા લેવાયેલા મનસ્વી સત્તાવાદી પગલાંઓ વિશે ચિંતા વ્યક્ત કરવા સાથે અસમાનતા, નજરઅંદાજી અને પર્યાવરણીય ગરીબાઈના ઊંચા સ્તર મુદ્દે શરમ દર્શાવી છે.