વોશિંગ્ટનઃ વિશ્વની મહાસત્તાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી ડોનાલ્ડ જે. ટ્રમ્પે અમેરિકાના ઈતિહાસમાં સૌથી નોંધપાત્ર કમબેક કર્યું હતું. આ પ્રસંગે તેમના પત્ની મેલિનિયા, પુત્રી ઈવાન્કા, ઈવાન્કાના પતિ જેરેડ કુશ્નર ઉપરાંત ટ્રમ્પના પૂરોગામી જો બાઈડેન, વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, હિલેરી ક્લિન્ટન, બરાક ઓબામા, બિલિયોનેર ઉદ્યોગપતિ એલન મસ્ક, જેફ બેઝોસ, ટીમ કૂક તથા ગૂગલના ભારતવંશી સીઈઓ સુંદર પીચાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
શપથ બાદ સમારંભમાં ઉપસ્થિત લોકોને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકાના સુવર્ણ યુગની શરૂઆત થઈ ચૂકી છે. અમેરિકા ફરીથી મહાન બનશે. અમેરિકામાં હવે ઝડપથી પરિવર્તન આવશે. હું દરરોજ અમેરિકા ફર્સ્ટની નીતિને કેન્દ્રમાં રાખીને કામ કરીશ. તેમણે જણાવ્યું હતું કે, ટ્રમ્પ પ્રશાસન દેશમાં અખંડતા, વફાદારી અને ક્ષમતા પુનઃ સ્થાપિત કરશે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે આકરાં પગલાં લેવાની પણ તેમણે જાહેરાત કરી હતી. ન્યાયતંત્રમાં સુધારાનો નિર્ધાર વ્યક્ત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમની સરકાર ન્યાયને પુનઃ સંતુલિત બનાવી, સરકાર અને ન્યાયતંત્રને દ્વેષપૂર્ણ હથિયાર બનતાં અટકાવશે. દેશમાં ઉર્જાના ભાવ ઘટાડવા માટે ટ્રમ્પ નેશનલ એનર્જી ઈમરજન્સી જાહેર કરશે.
પનામા કેનાલ પાછી મેળવાશે
ટ્રમ્પે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલી ગલ્ફ ઓફ અમેરિકા કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે પનામા દેશ પાસેથી પનામા કેનલ પાછી લઈ લેવાની જાહેરાત પણ કરી હતી. દેશમાં વાણી સ્વાતંત્ર્ય પાછું લાવવા અને સેન્શરશિપ દૂર કરવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અપરાધી ગેંગોને વિદેશી આતંકી સંગઠન તરીકે જાહેર કરાશે તેમ જણાવતા ટ્રમ્પે ઉમેર્યું હતું કે તેઓ સરહદ પર નેશનલ ઇમર્જન્સી જાહેર કરશે અને તમામ ગેરકાયદે એન્ટ્રી તત્કાળ અટકાવી દેશે. અમેરિકામાં જે લોકો ગેરકાયદે આવ્યા છે તેમને પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરાશે.
સૌથી પહેલાં ચીન અને ભારતનો પ્રવાસ કરવા ઇચ્છા
પ્રમુખ ટ્રમ્પ મહાસત્તાનું સુકાન સંભાળ્યા બાદ સૌપ્રથમ વિદેશ પ્રવાસે ચીન અને ત્યાર પછી ભારત પ્રવાસે જાય તેવી સંભાવના છે. પ્રથમ કાર્યકાળમાં ચીન સાથે ટ્રેડવોર કર્યા પછી હવે ટ્રમ્પ બીજા કાર્યકાળમાં ડ્રેગન સાથે સંબંધ સુધારવા માગે છે. આ સાથે તેમણે સલાહકારો સાથે ભારત મુલાકાત અંગે પણ ચર્ચા કર્યાના અહેવાલ છે. અમેરિકન પ્રમુખપદના ચૂંટણી અભિયાન સમયે ટ્રમ્પે ચીન પર જંગી ટેરિફ લાદીને ટ્રેડ વોરને વધુ ઉગ્ર બનાવવાની ધમકી આપી હતી. તેમની આ ધમકીના પગલે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે અમેરિકાના સંબંધો વધુ કથળ્યા છે. જોકે, હવે ટ્રમ્પ ચીન સાથે સંબંધો સારા બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. ભારત પ્રવાસની ચર્ચા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતના વિદેશ મંત્રી જયશંકર ગયા મહિને વોશિંગ્ટન આવ્યા ત્યારે ટ્રમ્પના ભારત પ્રવાસ અંગે પ્રાથમિક વાતચીત થઈ હતી. ભારત આ વર્ષે ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાને સમાવતી ‘કવાડ’ સમિટ યોજવા તૈયાર છે. આ સિવાય ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ શિયાળામાં બેઠક માટે વ્હાઈટ હાઉસમાં આમંત્રણ આપે તેવી પણ સંભાવના છે.
બાઇડેને જતાં જતાં અધિકારીઓને માફી આપી
વિદાય લઇ રહેલા પ્રેસિડેન્ટ જો બાઇડેને એન્થની ફોસી, માર્ક મિલી અને લિઝ ચેની સહિત જે6 સમિતિના સભ્યો તેમજ સાક્ષીઓને માફી આપી હતી. આ તમામ લોકોને ટ્રમ્પ ટાર્ગેટ બનાવે તેવી આશંકા હતી. બાઇડેને જણાવ્યું હતું કે, તેમને (ટ્રમ્પ દ્વારા) અન્યાયી અને રાજકારણથી પ્રેરિત કેસનો સામનો કરવો ન પડે એ હેતુથી માફી આપવાનો નિર્ણય લેવાયો છે. ફોસી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસિસીઝના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા. જ્યારે માર્ક મિલી જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના ભૂતપૂર્વ ચેરમેન હતા. બાઇડેને છ જાન્યુઆરી, 2021ના રોજ ટ્રમ્પ સમર્થકો દ્વારા અમેરિકાના ‘કેપિટલ હિલ’ પરના હુમલાની
તપાસ કરનારી ગૃહની સમિતિના સભ્યો અને કર્મચારીઓને માફી આપી હતી.