કમળ કેમ ખીલ્યું? અને પંજો કેમ નબળો પડ્યો?ઃચૂંટણી પરિણામોનું વિશ્લેષણ

Thursday 16th March 2017 07:01 EDT
 
 

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ૧૧ માર્ચે જાહેર થયેલા પરિણામો ઘણા સૂચક છે. પરિણામો ભાજપની ભારતના અન્ય રાજ્યોમાં આગેકૂચ દર્શાવે છે તો મુખ્ય વિપક્ષ કોંગ્રેસની પીછેહઠ. મિની લોકસભા ચૂંટણીઓ તરીકે ઓળખાવાયેલા આ જનાદેશમાં ભાજપે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમતી મેળવી છે. જ્યારે ગોવા અને મણિપુરમાં ત્રિશંકુ જનમત છતાં ભાજપે સરકાર રચવામાં સફળતા મેળવી છે. પાંચમાંથી એકમાત્ર રાજ્ય પંજાબમાં કોંગ્રેસને વિજય સાંપડ્યો છે. ક્યા રાજ્યની પ્રજાએ ક્યા કારણસર ભાજપ કે કોંગ્રેસ પર પસંદગીનો કળશ ઢોળ્યો અને ક્યા કારણસર તેને જાકારો આપ્યો તેના કારણોની વિશદ્ છણાવટ આ વિશેષ અહેવાલમાં કરવામાં આવી છે. 

દલિત ફેક્ટર નહીં, મુસ્લિમ ફેક્ટર પણ નહીં... અત્ર-તત્ર-સર્વત્ર મોદી

ભાજપને શું ફળ્યું?

દેશભરના સૌથી વધુ મુસ્લિમો ધરાવતા રાજ્યોની ૪૦૩ બેઠકની વિધાનસભા માટે ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવાર ઊભો ન રાખ્યો. ભાજપના વ્યૂહનું આ પહેલું પગથિયું હતું. મુસ્લિમોની સંખ્યા ૨૦ ટકા છે તો સામે હિન્દુઓ ૮૦ ટકા છે. જો હિન્દુઓ દલિત, જાટ, યાદવ કે કુર્મીપણું છોડીને મતદાન કરે તો ભાજપની જીત કોઈ રોકી ન શકે એવો ભરોસો લોકસભાની ચૂંટણીમાં સાચો ઠર્યો હતો. ભાજપે આ વખતે પણ ધ્રુવીકરણના પ્રયાસો કર્યા, જે ખાસ ચગ્યા નહીં. આમ છતાં ધારદાર બયાનબાજી અને ખાસ તો વિકાસની વાતોએ લોકોનો વિશ્વાસ જીતીને પ્રચંડ સફળતા અપાવી.
પ્રચારની શરૂઆત વિકાસની વાતોથી થઈ, પણ છેવટે રમઝાન-દિવાળી, સ્મશાન-કબ્રસ્તાનના જુમલા જ પ્રભાવી બન્યા. ખુદ વડા પ્રધાને પણ મહાદેવના દર્શન કરીને, ગાયને ઘાસ ખવડાવીને આડકતરી રીતે જ એ જ પ્રયાસને ક્લાઈમેક્સ સુધી પહોંચાડ્યો. અત્યાર સુધી લગભગ દરેક પક્ષ દ્વારા વોટબેંક તરીકે છેતરાતા રહેલા મતદારોએ ભાજપના પ્રભાવશાળી પ્રચારને અને આક્રમક દાવાઓને સ્વીકાર્યા છે.

સમાજવાદી પાર્ટીને શું નડ્યું?

સમાજવાદી પાર્ટી (સપા)એ ભાજપની રાજનીતિનો સામનો કરવા માટે તમામ શક્યતાઓ ચકાસી લીધી. ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, અરાજક્તા અને મુસ્લિમ તુષ્ટિકરણના સમાજવાદી પાર્ટી પર થતા કાયમી આક્ષેપોથી અખિલેશને મુક્તિ મળે તે માટે અખિલેશની છબીને નવો ઓપ આપવાનો પ્રયાસ થયો. આરંભે તેમાં ભારે સફળતા પણ મળતી જણાઈ. જેના પર પ્રહારો કરવાનું ભાજપ માટે આસાન હતું. એવા મુલાયમ, શિવપાલથી છેડો ફાડીને અખિલેશે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા.
આમ છતાં ભાજપના માઈક્રો મેનેજમેન્ટ સામે અખિલેશનું ગ્રાઉન્ડ વર્ક કે કોંગ્રેસના ચાણક્ય પ્રશાંત કિશોરનું હોમવર્ક ન ચાલ્યું. અખિલેશે શહેરી યુવાઓ અને મધ્યમવર્ગીય ભાજપની વોટબેંકમાં ફાચર મારવાની નેમ રાખી હતી. એ ધારણા તો ન જ ફળી, પોતાની વોટબેંક પણ ક્યારે સરકી ગઈ એ ય સમજવું મુશ્કેલ થઈ જાય એવી લપડાક પડી.

ભૂગોળ, ઈતિહાસ બધું બદલાયું

સાધારણ રીતે ઉત્તર પ્રદેશને મધ્ય, પૂર્વાંચલ, પશ્ચિમાંચલ, બુંદેલખંડ અને રોહિલખંડ એવા પાંચ ભૌગોલિક હિસ્સામાં વહેંચવામાં આવે છે. આ પાંચેય હિસ્સામાં કાસ્ટ ફેક્ટરથી માંડીને સ્થાનિક સમસ્યાઓ, મતદારોના મિજાજથી માંડીને રાજકીય પક્ષોના વર્ચસ્વ સહિતની બાબતો એકમેકથી તદ્દન ભિન્ન અને અત્યંત પેચીદી મનાય છે.
આથી જ અહીં સપા, બસપા જેવા પ્રાદેશિક પક્ષો સામે એક પણ રાષ્ટ્રીય પક્ષનો ગજ વાગતો નહોતો. ભાજપે એ અત્યંત દુષ્કર કાર્ય કરી બતાવ્યું છે. પરિણામ તેની સાબિતી છે. વિશાળ પ્રાંતમાં સર્વત્ર ભાજપનો સ્વિકાર અને જયકાર થયો છે.

પરિણામ પછી હવે શું?

હવે કોઈ જ અવઢવ નથી. આ પરિણામ પોતે જ દિવા જેવું સાફ છે. ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં આટલું કલ્પનાતીત સમર્થન હાંસલ કર્યા પછી હવે ભાજપને રાજ્યસભાની બહુમતી તો ઠીક ૨૦૧૯ની ચૂંટણી પણ ડંકે કી ચોટ પર જીતવાનો આત્મવિશ્વાસ છલોછલ હોય તો નવાઈ ન લાગવી જોઈએ. એ સંજોગોમાં સરકાર હવે તમામ જોખમી કે મોટા નિર્ણયો નિર્ભિકતાથી લઈ શકશે.
સામે પક્ષે આ પરિણામથી વિપક્ષોના મનોબળ પર પણ ગંભીર અસર પડી હોવી જોઈએ. લોકશાહીમાં સબળ વિપક્ષ પણ એટલો જ આવશ્યક છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો હવે મતદારોની બદલાતી માનસિકતાને અનુરૂપ નીતિ ઘડે અને વિશ્વસનીયતા કેળવે એ તેમના અસ્તિત્વ માટે અનિવાર્ય ગણાશે.
ઉત્તર પ્રદેશ (કુલ બેઠક ૪૦૩)
૨૦૧૨
પક્ષ                   વિજય
ભાજપ                  ૪૭
સપા                   ૨૫૨
બસપા                  ૮૦
અન્ય                    ૨૪
૨૦૧૭
પક્ષ                    વિજય
ભાજપ                 ૩૨૫
સપા                      ૫૪
બસપા                    ૧૯
અન્ય                       ૫

-------------------------------------------------------------------------------------

ઉત્તરાખંડઃ દેવભૂમિમાં કેસરિયો ધ્વજ લહેરાયો

ગયા વર્ષે ભાજપે રાષ્ટ્રપતિ શાસન લાદીને પાછલા બારણેથી સત્તા હસ્તગત કરવા અહીં પ્રયાસ કર્યો હતો. તે સમયે તો તેના પ્રયાસ ફળ્યા નહોતા, પરંતુ તે ઘડીથી અહીં કોંગ્રેસ સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હતું.

કોંગ્રેસની અણઘડ નીતિ નડી

ભાજપે અહીં ઝીણવટપૂર્વક આયોજન કર્યું છે તેની ખબર હોવા છતાં પણ કોંગ્રેસ હાઈકમાન્ડે અહીં છેક સુધી ઉદાસીનતા દાખવી. પરિણામે હરિશ રાવત સરકાર નોંધારી મૂકાઈ ગઈ હોય એવી છાપ ઉપસી. રાવત સામે બળવાખોરી, અસંતોષ ઉપરાંત બાબા રામદેવનો રોષ પણ નકારાત્મક પરિબળ હતું. એ ઉપરાંત ભાજપે પૂરપ્રકોપ પછીની રાહત કામગીરીની નબળાઈ, ભ્રષ્ટાચાર અને નૈસર્ગિક સંપત્તિની જાળવણીમાં બેદરકારી સહિતના અનેક મુદ્દે રાવત સરકારને ઘેરવામાં કોઈ કસર છોડી નહોતી. કોંગ્રેસ તેનો અસરકારક જવાબ વાળી શકી નહીં.

પરિણામો પછી હવે શું?

પક્ષમાં મોટા પાયે ભંગાણ પડી ચૂક્યું છે અને ખુદ હરિશ રાવત બન્ને બેઠકો પરથી હારી ચૂક્યા છે. એ જોતાં કોંગ્રેસ માટે હવે રાજ્યમાં ઝડપી કમબેક કરવાનું એટલું આસાન નહીં જ હોય. હાઈકમાન્ડે અહીં સમયસર ધ્યાન ન આપ્યું તેનું માઠું પરિણામ કોંગ્રેસ લાંબા સમય સુધી ભોગવશે તે નક્કી છે.

ભાજપને કોંગ્રેસ જ ફળ્યું

ગત વર્ષે રાષ્ટ્રપતિ શાસન લાદતા પૂર્વે કોંગ્રેસના વિજય બહુગુણા, હરકસિંહ રાવત સહિતના દિગ્ગજ નેતાઓ ભાજપ તરફ સરક્યા હતા. ભાજપે તેમને આવકારીને ઉદાર હાથે ટિકિટ ફાળવણી કરી. કોંગ્રેસી નેતાઓના પક્ષપ્રવેશ થકી ફેલાયેલી નારાજગીને ડામવામાં પણ ભાજપે બરાબર ધ્યાન આપ્યું અને પક્ષના નેતા બી. સી. ખંડુરીને પ્રચાર અભિયાનમાં છુટો દોર આપ્યો. ઉમેદવારોની પસંદગીથી માંડીને દરેક સ્તરે ભાજપ સતત આગળ રહ્યું.

વિકાસની તક સંતોષાશે?

જ્યાં સત્તા મળે ત્યાં મૂળિયા ઊંડા ઉતારવાની ભાજપની હથોટી જોતાં ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યમાં વિકાસની અપાર શક્યતાઓ રહેલી છે. પ્રવાસન ક્ષેત્રનો પ્રચાર કરવામાં પણ ભાજપની ફાવટ ઉત્તરાખંડને ફળી શકે છે. મુખ્ય પ્રધાન પદે બી. સી. ખંડુરી બિનહરીફ જણાય છે. આમ છતાં યુવાનોને તક આપવાની મોદીની નીતિ જોતાં કોઈ અણધાર્યો ચહેરો પણ સત્તા પર આવી શકે છે.
ઉત્તરાખંડ (કુલ બેઠક ૭૦)
૨૦૧૨
પક્ષ                  વિજય
કોંગ્રેસ                ૩૨
ભાજપ                ૩૧
અન્ય                   ૭
૨૦૧૭
પક્ષ                   વિજય
ભાજપ                  ૫૭
કોંગ્રેસ                   ૧૧
આપ                      ૨

--------------------------------------------------------------------------

મણિપુરઃ પૂર્વ સરહદ પર હવે ભાજપ સરકાર

હિન્દી બેલ્ટની પાર્ટી હોવાનું મહેણું ભાંગવા ભાજપે કમર કસી હતી અને તેનું શ્રેષ્ઠ પરિણામ મણિપુરમાં સાંપડ્યું. અલગતાવાદ અને માઓવાદગ્રસ્ત આ સરહદી રાજ્યમાં ભાજપની હાજરી બહુ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
સળંગ ત્રણ-ત્રણ ટર્મથી મણિપુરમાં શાસન કરતાં ઈબોબી સિંહ ત્રીજી ટર્મ છતાં તેઓ પ્રમાણમાં સારો દેખાવ કરી શક્યા એ કોંગ્રેસ માટે આશ્વાસનરૂપ તો ગણાય જ. ઈબોબી સિંહે નગા અને મેતઈ સમુદાય વચ્ચેની ફાંટ પહોળી કરીને સત્તા જાળવી રાખવાનો વ્યૂહ અપનાવ્યો હતો. ઈરોમ શર્મિલ પરિબળ પણ ભાજપના શહેરી મત તોડશે તેવી તેમની ગણતરી હતી. જોકે તેમ છતાં તેઓ ભાજપના આક્રમક પ્રચારને ખાળી શક્યા નથી.

જાતિવાદી તણાવ નડશે

ઈબોબી સિંહે ગત વર્ષે જ છ નવા જિલ્લાઓની રચના કરીને રાજ્યમાં પહાડી તેમજ ખીણ વિસ્તારના જનજાતિ સમુદાય વચ્ચે બહુ મોટું અંતર સર્જી દીધું છે. નગા અને મેતઈ વચ્ચે આ વિખવાદ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર માટે માથાનો દુઃખાવો બની શકે છે.
કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી ભાજપે લૂક એટ ઈસ્ટ (પૂર્વાભિમુખ) નીતિ અપનાવી છે. પહેલી જ વાર કેન્દ્રમાં પૂર્વોત્તર રાજ્યોનું વિશેષ મંત્રાલય રચ્યું છે. મણિપુરની ચૂંટણીમાં પણ પહેલી જ વખતે ભાજપે પૂરી ગંભીરતાથી પ્રકાશ જાવડેકરને જવાબદારી સોંપી પ્રધાનો, નેતાઓને પ્રચારમાં ઉતાર્યા હતા. વડા પ્રધાને પણ અહીં સભાઓ કરી હતી. માઓવાદ સામે લોકોએ ભાજપના વિકાસના દાવાને સ્વીકાર્યો છે. અને તેનું પરિણામ છે રાજ્યમાં ભાજપ સરકારની રચના. પૂર્વોત્તર સરહદી રાજ્યમાં ભાજપને મળેલી ફતેહ માઓવાદી અને નક્સલવાદી પરિબળો માટે બહુ મોટું જોખમ ખડું કરી શકે છે. આથી નવી સરકારને આરંભે જ પડકારનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.

મણિપુર (કુલ બેઠક ૬૦)
૨૦૧૨
પક્ષ                    વિજય
કોંગ્રેસ                   ૪૨
તૃણમૂલ                 ૦૭
અન્ય                    ૧૧
૨૦૧૭
પક્ષ                      વિજય
કોંગ્રેસ                    ૨૮
ભાજપ                    ૨૧
એનપીએફ                ૦૪
અન્ય                      ૦૭

------------------------------------------------------------------------------------

ગોવાઃ ભાજપ અત્યારે તો સત્તા સાચવી શક્યું છે

જમ્મુ અને કાશ્મીર જેવો જ ભાવનાત્મક લગાવ આ રાજ્ય સાથે ભાજપને રહ્યો છે. પરંતુ સત્તા મળ્યા પછી એ લગાવને કાર્યમાં બદલી શકાયો નહીં. આમાં પણ મુખ્ય પ્રધાન મનોહર પાર્રિકરને ગોવાથી દિલ્હી ખસેડાયા બાદ તો આંતરિક ખેંચતાણ પણ વધી ગઇ, જેની વિપરિત અસર ચૂંટણીમાં પડી. ત્રિશંકુ જનમત છતાં અત્યારે તો ભાજપ સરકાર રચવામાં સફળ રહ્યો છે અને ફરી એક વખત સહુને સાથે રાખીને ચાલવાની કુનેહ ધરાવતા પાર્રિકરને ગોવાનું સુકાન સોંપ્યું છે. તેઓ કેટલા સફળ રહે છે એ તો સમય જ કહેશે.

ભાજપને ભાજપ જ નડ્યું

મુખ્ય પ્રધાન લક્ષ્મીકાંત પાર્સેકર સહિત રાજ્યના છ પ્રધાનો ચૂંટણીમાં હારી ગયા એ દર્શાવે છે કે ભાજપે સત્તા હાંસલ કર્યા પછી કેટલી હદે જનસંપર્ક ગુમાવી દીધો હશે. મનોહર પાર્રિકરના શાસનમાં તંત્ર નમૂનેદાર કામગીરી રહ્યું હતું, પરંતુ પાર્રિકર કેન્દ્રમાં ગયા પછી રાજ્ય હુંસાતુંસીનો અખાડો બની ગયું. સુભાષ વેલિંગકર જેવા સંઘના ટોચના નેતા છૂટા પડ્યા ત્યાં સુધી હાઈકમાન્ડ અંધારામાં રહ્યું. ભાજપને સ્પષ્ટ બહુમતી છેટી રહી ગઇ છે એ માટે કોંગ્રેસ નહીં પરંતુ આંતરિક પરિબળો જ જવાબદાર છે.

હવે રાજ્યમાં શું થશે?

પરિણામો પછીની સ્થિતિનો સવાલ મનોહર પાર્રિકર પર નિર્ભર કરે છે. પ્રાંતમાં ગુમાવેલો જનાધાર પરત મેળવવા માટે પાર્રિકરને ગોવા પરત મોકલ્યા વિના છૂટકો નહોતો, અને ભાજપે આમ જ કર્યું છે. કેન્દ્રમાં સંરક્ષણ મંત્રાલય જેવી મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળતા પાર્રિકર આ માટે રાજી થઇ ગયા છે તેમાં કંઇ નવાઇ નથી. ઉલ્લેખનીય છે કે તેઓ એકથી વધુ વખત કહી ચૂક્યા છે કે તેમને દિલ્હીમાં રહીને પણ ગોવાની ખોટ સાલી રહી છે. તેમને ૧૬મીએ ગૃહમાં વિશ્વાસનો મત લેવાનો છે. જોકે તેમના માટે સહુને સાથે રાખીને ચાલવાનું સરળ નહીં હોય.

કોંગ્રેસ હાથ ઘસતી રહી ગઇ

રાજ્યમાં છેલ્લા ત્રણેક વર્ષથી ગ્રાઉન્ડ વર્ક કરી રહેલા આમ આદમી પાર્ટી કોંગ્રેસના જ વોટ તોડશે એવી ધારણા છતાં કોંગ્રેસ પોતાની કમિટેડ વોટબેંકને ફરીથી એકજૂટ કરવામાં સફળ રહી. કેથોલિક ચર્ચે આમ આદમી પાર્ટીની તરફેણમાં આદેશ આપ્યો હોવા છતાં સાઉથ ગોવામાં કોંગ્રેસને બહુમતી મળી એ દર્શાવે છે કે ખ્રિસ્તી મતદારોએ ફરીથી કોંગ્રેસ પર ભરોસો મૂકવાનું પસંદ કર્યું છે. પ્રચાર દરમિયાન ભારે શોરબકોર કરનાર આમ આદમી પાર્ટીને અહીં ઘોર નિરાશા સાંપડી છે.
જોકે રાજ્યમાં સૌથી વધુ બેઠક જીતવા છતાં કોંગ્રેસ રાજ્યમાં સરકાર રચવામાં નિષ્ફળ રહી છે. ભાજપની ચાણક્ય નીતિને સમજવામાં કોંગ્રેસની નેતાગીરી વામણી સાબિત થઇ છે.

ગોવા (કુલ બેઠક ૪૦)
૨૦૧૨
પક્ષ                   વિજય
ભાજપ                  ૨૧
કોંગ્રેસ                   ૦૯
અન્ય                    ૧૦
૨૦૧૭
પક્ષ                   વિજય
કોંગ્રેસ                   ૧૭
ભાજપ                   ૧૩
એમજીપી                 ૦૩
અન્ય                       ૭

------------------------------------------------------------------------

પંજાબઃ હો ગઈ સબ કી બલ્લે બલ્લે...

પડોશી ઉત્તર પ્રદેશમાં આટલી તીવ્ર મોદીલહેર હોય અને પંજાબમાં ભાજપને બે આંકડે પહોંચતાય ફાંફા પડી જાય એવું વિચિત્ર પરિણામ આપીને પંજાબીઓ ફરી એક વાર અલગ પડ્યા છે

પાણી વગરના બાદલ નડ્યા

રાજ્યમાં અઢી દાયકાથી ભાજપને શિરોમણી અકાલી દળ (એસએડી) સાથે ગઠબંધન છે અને અકાલીની ભૂમિકા રાજ્યમાં મોટા ભાઈની છે. સળંગ ત્રણ ટર્મના શાસન પછી બાદલ પિતા-પુત્ર સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો વ્યાપક બન્યા હતા. ડ્રગ્ઝ માફિયા સાથે સિનિયર પ્રધાનની સાંઠગાંઠના પુરાવાઓ પ્રત્યે ય આંખ મિચામણા થતા હતા. આ દરેક પરિબળો એટલા પ્રબળ હતા કે તેની સામે મોદીનું સુનામી પણ કારગત નીવડી શક્યું નહીં અને ભાજપે આ રાજ્ય પૂરતો કોંગ્રેસમુક્ત ભારતનો નારો ભૂલી જવો પડ્યો.

હવે શું થઇ શકે છે?

મહારાષ્ટ્રમાં જેમ ભાજપ-સેના યુતિને ગંભીર અસર પહોંચી છે એવી અસર અકાલી દળ સાથેની યુતિને કદાચ નહીં નડે. ભાજપ અહીં ફરીથી અકાલી દળને વિશ્વસનીયતા ઊભી કરવામાં મદદરૂપ બને અને પોતાની ગૌણ ભૂમિકાને વળગી રહે એવી શક્યતા વધુ છે.

કેપ્ટનશીપને જ સાચું શ્રેય

દેશભરમાં કોંગ્રેસ ભૂંડે હાલ પરાજિત થઈ છે ત્યારે પંજાબમાં કોંગ્રેસને મળેલી સફળતાનું સઘળું શ્રેય કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વને જ આપવું પડશે. લગાતાર જનસંપર્ક જાળવીને તેમણે કોંગ્રેસની કમિટેડ વોટબેંક સાથે નાતો અકબંધ રાખ્યો. બાદલ સરકારને ભીડવતા મુદ્દાઓ યોગ્ય સમયે અસરકારકતાથી ઊઠાવ્યા. તેમજ નવજોત સિદ્ધુને પક્ષમાં લાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી. હવે એ જ સિદ્ધુને શાંતિથી સાચવવા એ કેપ્ટન માટે જોકે પડકારરૂપ બની શકે છે.
મુખ્ય પ્રધાન તરીકે નિર્વિવાદપણે કેપ્ટન અમરિંદરની વરણી થઈ છે, પરંતુ તેમનો શાસનકાળ આસાન નહીં હોય. કોંગ્રેસ હાઈકમાન્ડે ચાલતા બળદને આર કરવાનો સ્વભાવ છોડવો પડશે. નવજોત સિદ્ધુનું મહત્ત્વ સ્વિકારવા ઉપરાંત તેને અંકુશમાં રાખવાનો પડકાર પણ ઊભો જ છે.

પંજાબ (કુલ બેઠક ૧૧૭)
૨૦૧૨
પક્ષ                વિજય
અકાલી દળ         ૫૬
કોંગ્રેસ               ૪૬
ભાજપ              ૧૨
અન્ય                 ૦
૨૦૧૭
પક્ષ                 વિજય
કોંગ્રેસ               ૭૭
આપ                 ૨૦
અકાલી દળ         ૧૫
ભાજપ                 ૩
અન્ય                  ૨


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter