નવી દિલ્હી: વિશ્વભરના રાજકીય વિશ્લેષકોથી માંડીને અખબારી માધ્યમોની નજર ૨૪ જૂને ભારતના પાટનગરમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ પર મંડાઇ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ૮ રાજકીય પક્ષોના ૧૪ નેતાઓ સાથે બેઠક યોજીને સીધો સંવાદ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ ૩૭૦ રદ કરીને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચતો ઐતિહાસિક નિર્ણય પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ લેવાયો તેના બે વર્ષ બાદ આ પહેલી બેઠક હતી.
વડા પ્રધાને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી દિલ્હી અને દિલની વચ્ચે રહેલું અંતર દૂર કરવા માગું છું. જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયા મજબૂત બનાવવા પર સરકારનું મુખ્ય ધ્યાન કેન્દ્રીત છે. તેમણે કહ્યું હતું કે જિલ્લા વિકાસ પરિષદોની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણી પણ અમારી પ્રાથમિકતા છે. જમ્મુ-કાશ્મીરની જનતાના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની આવશ્યકતા પર ભાર મૂકતા વડા પ્રધાને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં થતું એક પણ મોત અત્યંત પીડાદાયક હોય છે, યુવાપેઢીની સુરક્ષા આપણા સહુની સામૂહિક જવાબદારી છે.
વડા પ્રધાન મોદીની જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથેની આ બેઠક લગભગ સાડા ત્રણ કલાક જારી રહી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરમાં ડિલિમિટેશનની પ્રક્રિયા, જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો, વિધાનસભાની ચૂંટણીઓ જેવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરાઇ હતી.
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, બેઠકમાં અમે જમ્મુ-કાશ્મીરને તાત્કાલિક રાજ્યનો દરજ્જો આપવા સહિતની પાંચ માગ રજૂ કરી હતી. પીડીપીના નેતા મુઝફફર હુસૈન બેગે જણાવ્યું હતું કે, વડા પ્રધાને જણાવ્યું છે કે હું જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપવા બધા પ્રયાસો કરીશ. બેઠકમાં તમામ નેતાઓએ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માગ કરી હતી.
જવાબમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, પહેલા ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થવા દો પછી અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. કોંગ્રેસના નેતા ગુલામ એહમદ મીરે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ બધા નેતાઓને સાંભળ્યા અને કહ્યું હતું કે, ચાલો આપણે આગળ વધીએ.
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરમાં બધાને સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે, ડિલિમિટેશનની પ્રક્રિયા બાદ વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. જમ્મુ-કાશ્મીર શાંતિ તરફ આગળ વધી રહ્યું છે, લોકોમાં નવી આશા છે.
જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે કેન્દ્ર પ્રતિબદ્ધ: શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયા મજબૂત કરવા પર ભાર મુકાયો છે. અમે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. ડિલિમિટેશન અને ચૂંટણી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની દિશામાં મહત્ત્વના માઇલ સ્ટોન છે.
વિધાનસભા ચૂંટણીનો રોડમેપ ડિલિમિટેશન
બેઠક બાદ અપની પાર્ટીના નેતા અલતાફ બુખારીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાને તમામ રાજકીય પાર્ટીઓને ડિલિમિટેશન પ્રોસેસમાં સામેલ થવા અપીલ કરી છે. અમને આશ્વાસન અપાયું છે કે ડિલિમિટેશન વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરશે. વડા પ્રધાને એમ પણ જણાવ્યું છે કે સરકાર જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે. વડા પ્રધાને જણાવ્યું છે કે ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થતાં જ ચૂંટણીની પ્રક્રિયાનો પ્રારંભ કરાશે.
રાજ્યના હિતમાં નથી તેવા નિર્ણયો પાછા ખેંચવા માગ
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, પાંચ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને ભારતમાં આવરી લેવાનો હેતુ હતો તો કાશ્મીરીઓ માટે ડિલિમિટેશનની પ્રક્રિયા તદ્દન વિરોધાભાસી છે. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનાં હિતમાં નથી તેવા તમામ નિર્ણય પાછા ખેંચવા જોઇએ. જમ્મુ-કાશ્મીરના લોકો સંપૂર્ણ રાજ્યનો દરજ્જો ઇચ્છે છે. પહેલા રાજ્યનો દરજ્જો અપાય પછી વિધાનસભા ચૂંટણી યોજવામાં આવે. જમ્મુ-કાશ્મીર કેડરના તમામ અધિકારીઓની પુનઃ નિયુક્તિ કરવામાં આવે.
આર્ટિકલ ૩૭૦ રદ કરવાનો નિર્ણય અસ્વીકાર્ય
પીડીપીનાં અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે, આર્ટિકલ-૩૭૦ નાબૂદ કરવાનો કેન્દ્ર સરકારનો ગેરબંધારણીય નિર્ણય સ્વીકાર્ય નથી. અમે તેના માટે સંઘર્ષ કરીને બહાલ કરાવીશું. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો અમને પાકિસ્તાને નહીં, પરંતુ નેહરુ અને સરદાર વલ્લભભાઇએ આપ્યો હતો. જો કેન્દ્ર સરકાર ચીન સાથે વાતચીત કરી શકે છે તો પાકિસ્તાન સાથે કેમ નહીં?
કાશ્મીરમાં ચૂંટણી માટે તૈયાર થઇ રહ્યાો છે તખ્તો
વડા પ્રધાન મોદીની જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે બેઠક પહેલાં ચૂંટણી પંચની બેઠક યોજાઇ હતી જેમાં જમ્મુ-કાશ્મીરના તમામ ૨૦ કમિશનરો હાજર રહ્યા હતા. બેઠકમાં વિધાનસભા મતવિસ્તારોના ડિલિમિટેશન અને ૭ નવી બેઠકો તૈયાર કરવા પર ચર્ચા-વિચારણા કરાઇ હતી.