નવી દિલ્હી: દિલ્હીના બાહ્ય વિસ્તાર મુંડકામાં ચાર માળની ઇમારતમાં ગયા શુક્રવારે સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 27 થયો છે. દુર્ઘટનાના બે દિવસ બાદ રવિવારે પોલીસે બિલ્ડિંગના માલિક મનીષ લાકડાની ધરપકડ કરી છે. આઉટર દિલ્હીના પોલીસ ડેપ્યુટી કમિશનર સમીર શર્માએ કહ્યું કે અમને માહિતી મળી હતી કે મનીષ લાકડા ઉત્તરાખંડના હરિદ્વાર તરફ જઈ રહ્યો છે. અમે જાળ પાથરીને તેને ઝડપી લઇને ધરપકડ કરી છે. લાકડાનો વેપારી આ જ ઈમારતના ચોથા માળે રહેતો હતો. જોકે આગ લાગતા તે પરિવારના સભ્યો સાથે બાજુની ઈમારતમાં પહોંચી ગયો હતો અને ત્યારથી તે ફરાર જ હતો. તેને પકડવા માટે દિલ્હી અને હરિયાણામાં ઠેર ઠેર દરોડા પડાયા હતા. ચાર માળની ઈમારતમાં શુક્રવારે લાગેલી ભીષણ આગમાં કાટમાળની સફાઈમાં બળી ગયેલા માનવઅંગો મળ્યા હતા. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે કેમ કે ૧૯ લોકો હજુ પણ લાપતા છે. ક્રેન ડ્રાઈવરે ૫૦થી વધુનો જીવ બચાવ્યો હતો.
બિલ્ડીંગને એનઓસી જ નહોતું
રાજધાનીના પશ્ચિમી વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે આ દુર્ઘટના બની હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આગ બિલ્ડિંગન પ્રથમ માળથી લાગવાની શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર નિર્માતા કંપનીની ઓફિસ હતી. ધીરે-ધીરે આ આગ બીજા અને ત્રીજા ફ્લોર પર પણ ફેલાઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે 30થી વધુ ફાયર એન્જિનોને કામે લગાડવામાં આવ્યા હતા. આ બિલ્ડીંગ પાસે ફાયર વિભાગની એનઓસી ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મકાનમાલિકે છત પર ફ્લેટ બનાવ્યો
આ ત્રણ માળની બિલ્ડિંગમાં પ્રથમ માળ પર મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું જ્યારે બીજા માળ પર વેર હાઉસ અને ત્રીજા માળે લેબોરેટરી હતી. સૌથી વધારે મોત બીજા માળે થયા હોવાનું મનાય છે. દુર્ઘટના દરમિયાન બીજા ફ્લોર પર મોટિવેશનલ સ્પીચનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમના કારણે ત્યાં વધારે લોકોની હાજરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કંપનીના માલિકો હરિશ ગોયલ અને વરુણ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. મકાન માલિકે બિલ્ડીંગની છત પર નાનો ફ્લેટ બનાવ્યો હતો.
50થી વધુને સુરક્ષિત બચાવાયા
દિલ્હી ફાયર સર્વિસના પ્રમુખ અતુલ ગર્ગે જણાવ્યું કે, આ અભિયાનમાં કોઈ અગ્નિશામકો ઘાયલ નથી થયા. તેમણે કહ્યું કે વહેલી સવાર સુધી છ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે તૈનાત હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આગની માહિતી મળતાં જ 30થી વધુ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
પ્રારંભિક તપાસમાં પોલીસને માહિતી મળી કે, ચાર માળની બિલ્ડિંગમાં કંપનીઓને ઓફિસની જગ્યા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, પ્રથમ માળે એક કંપનીની ઓફિસ હતી અને તેના 50થી વધુ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને 27 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. બચાવાયેલા લોકોને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવા માટે કેટલીક એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર હતી.
રાષ્ટ્રપતિ - વડા પ્રધાને શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આગના કારણે થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હીમાં ભીષણ આગની ઘટનામાં થયેલા લોકોના મોતથી ખૂબ જ દુ:ખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. તેમણે કહ્યું કે, વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી, આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના આશ્રિતોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ દુર્ઘટના પર શોકની લાગણી વ્યક્ત કરી હતી.