નવી દિલ્હીઃ પાટનગર હાર્દસમા વિસ્તારમાં આવેલા કરોલ બાગમાં મંગળવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં ૧૭નાં મૃત્યુ નીપજ્યા છે જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
ગુરદ્વારા રોડ પર આવેલી હોટેલ અર્પિત પેલેસમાં આ દુર્ઘટના બની હતી. શહેરનો આ વિસ્તાર વહેલી સવારથી મોડી રાત સુધી સ્થાનિક પ્રજાજનોથી માંડીને પર્યટકોની અવરજવરથી સતત ધમધમતો રહેતો હોય છે. આગ લાગવા પાછળનું કારણ ખાસ હજુ સામે જાણવા મળ્યું નથી. અધિકારીઓના મતે કોરિડોરમાં વુડન પેનલ લગાવી હોવાથી અંદર રહેલા લોકો તે માર્ગેથી બહાર નીકળી શક્યા નહીં અને મૃત્યુઆંક વધી ગયો.
વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને આગની ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રાહત-બચાવ કાર્ય હાથ ધર્યું હતું તેથી અનેકને સહીસલામત બચાવી શકાયા હતા.
ગંભીર રીતે દાઝી ગયેલાઓને તેમજ ઇજાગ્રસ્તોને તરત જ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ૧૩ને મૃત ઘોષિત કરાયા હતા. આ જ રીતે લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા પાંચ પૈકી બેનાં મૃત્યુ નીપજ્યા હોવાનું જાહેર થયું હતું. આ ઉપરાંત અન્ય એક સ્થળે બે વ્યક્તિનાં મૃત્યુ થયાંના અહેવાલ છે.
આગથી બચવા કૂદયા, જીવ ગુમાવ્યો
મળતી માહિતી પ્રમાણે કરોલ બાગની હોટલ અર્પિત પેલેસમાં સવારે અંદાજે સાડા ચાર વાગ્યે આગ લાગી હતી. લોકો ઊંઘમાં હતા એટલે ખબર જ ના પડી કે શું થયું અને આગ ફેલાતી ગઇ. ત્યારબાદ અચાનક જાણ થતાં લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું અને નાસભાગ મચી ગઇ હતી.
ચીફ ફાયર ઓફિસર વીપીન કેંતાલના જણાવ્યા પ્રમાણે બે લોકો આગથી બચવા માટે બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા હતા, તે બંનેના મોત થયા છે. અધિકારીના મતે હોટલના પાંચમા માળે કમસે કમ ૩૫ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડની ૨૬ ગાડીનો કાફલો
ફાયર ઓફિસર સુનીલ ચૌધરી એ કહ્યું કે આગ પર સવારે લગભગ આઠેક વાગ્યા સુધીમાં કાબૂ મેળવી લીધો હતો. આ અકસ્માતમાં મરનાર લોકોના મૃતદેહ પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે. અંદાજે ૩૦ લોકોને હોટેલમાંથી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે. રિપોર્ટ્સના મતે હોટલમાં આગ સવારે સાડા ચાર વાગ્યે ફેલાવાનું શરૂ થયું. આગ ફેલાઇ ગઇ ત્યાં સુધી લોકોને ખબર જ પડી નહોતી.
ન્યાયિક તપાસની જાહેરાત
ઘટના સ્થળે પહોંચી ગયેલા દિલ્હીના પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, ૧૭ લોકોનાં મૃત્યુ થયાં છે, તેમાંથી મોટા ભાગના લોકોનાં મૃત્યુ શ્વાસ રુંધાઈ જવાને કારણે થયાં છે. તેમણે કહ્યું હતું કે જે કોઇ લોકોની આમાં બેદરકારી બહાર આવશે તેમની સામે સખત પગલાં લેવામાં આવશે. સાથે સાથ જ તેમણે આ ઘટનાની ન્યાયિક તપાસનો હુકમ કરવામાં આવ્યો હોવાની જાણકારી આપી હતી.
આગ લાગવાની ઘટના કેવી રીતે બની તે હજી સુધી જાણી શકાયું નથી. સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે પ્રાથમિક સ્તરે આ બેદરકારીનો મુદ્દો લાગી રહ્યો છે કેમ કે જે વિસ્તારમાં આ હોટલ છે ત્યાં ચાર માળથી વધારે ઇમારત બનાવવી પરવાનગી નથી, પણ આ હોટલ છ માળની છે. તેમણે ઉમેર્યુ કે જિલ્લા ન્યાયાધીશ વહેલામાં વહેલી તપાસ કરીને અહેવાલ આપશે.
એક જ પરિવારના લોકો?
આ ઘટના અંગે દિલ્હી ફાયર સર્વિસના વડાએ કહ્યું હતું કે મૃત્યુ પામનારા લોકોનો આંકડો હજી વધી શકે છે. તેમણે નવ લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હોટેલમાં કુલ ૩૫ રૂમ છે અને આ તમામ રૂમ દિલ્હીમાં એક ફંકશનમાં હાજરી આપવા કેરળથી આવેલા એક પરિવારે બુક કરાવ્યા હતા.
જોકે, હોટેલના એક કર્મચારી હરી સિંહે કહ્યું કે હોટેલમાં કુલ ૬૫ રૂમ છે અને એમાંના મોટા ભાગના ભરેલા હતા. ઉતારુઓ ઉપરાંત હોટેલમાં ૨૦થી ૨૫ લોકોનો સ્ટાફ પણ હતો. એક અહેવાલ અનુસાર બર્માથી આવેલું આઠ લોકોનું એક ગ્રૂપ આ હોટલમાં રોકાયું હતું.
પરિવારજનોને રૂ. ૫ લાખનું વળતર
આગની દુર્ઘટના બદલ દુ:ખ વ્યક્ત કરતા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આગમાં મરનારાઓમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. મુખ્ય પ્રધાન કેજરીવાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બાદમાં મૃતકના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષીતે આ અંગે ટ્વીટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું હતું અને કપરી સ્થિતિમાં બચાવ કામગીરી પાર પાડનાર ફાયર બ્રિગેડના જવાનોની કામગીરીને બિરદાવી હતી.