નવી દિલ્હીઃ જૂની દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં આવેલી ચાર માળની એક ઇમારતમાં રવિવારે વહેલી સવારે ફાટી નીકળેલી ભીષણ આગમાં ૪૩ માનવ જિંદગી હોમાઇ જતાં અરેરાટી પ્રસરી ગઇ છે. સ્કૂલ બેગ બનાવવાનું કામ કરતા આ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું મનાય છે. મૃતકોમાં મોટા ભાગના બિહારના વતની છે, જેઓ અહીં પેટિયું રળવા આવ્યા હતા. તેઓ દિવસે ફેક્ટરીમાં કામ કરતાં હતા અને રાત્રે અહીં જ સૂઇ જતા હતા. મળસ્કે પાંચ વાગ્યે આ દુર્ઘટના બની ત્યારે મોટા ભાગના કામદારો નિંદ્રાધીન હતા અને દરવાજાને બહારથી તાળું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વગેરેએ આ ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.
દિલ્હી પોલીસે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ચાલતી આ ફેક્ટરીના માલિક મોહમ્મદ રેહાન અને મેનેજર ફુરકાનની સદોષ માનવવધના આરોપસર ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. કેજરીવાલ સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટને આગના બનાવની તપાસનો આદેશ કરી સાત દિવસમાં રિપોર્ટ આપવા હુકમ કર્યો છે. આ ઉપરાંત નોર્થ દિલ્હીના મેયર અવતાર સિંહે પણ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. તપાસનીશ અધિકારીઓએ થ્રી-ડી સ્કેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘટના કઇ રીતે બની તે જાણવા પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન ઇમારતમાંથી જ્વનશીલ કાર્ડબોર્ડના બોક્સ, પ્લાસ્ટીક શીટ અને રેકઝીન મળ્યા હતા.
ઇમારતમાં ૬૦ શ્રમિક હતા
દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, રવિવારે વહેલી સવારે પાંચ કલાકની આસપાસ સંભવિત શોર્ટ સર્કિટના કારણે ચાર માળની ઇમારતમાં આગ ફાટી નીકળી હતી. તે સમયે ઇમારતમાં ૬૦થી વધુ શ્રમિકો સૂઈ રહ્યાં હતાં. જાણ થતાં જ ૫૦થી વધુ ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. અમે ૬૩ લોકોને ઇમારતમાંથી બહાર કાઢયાં હતાં. જેમાંથી ૪૩ લોકોનાં મોત થયાં હતાં. મોટા ભાગના મોત ગૂંગળાઈ જવાના કારણે થયાં છે. બચાવ કામગીરીમાં બે ફાયરમેનને પણ ઈજા પહોંચી હતી.
ગીચ રહેણાંક વિસ્તારના કારણે રાહત અને બચાવ કાર્યમાં ભારે મુશ્કેલી પડી હતી. આગનો ભોગ બનનારાને શહેરની વિવિધ હોસ્પિટલોમાં મોકલી અપાયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે ઘણા મૃતદેહો ક્ષતવિક્ષત હાલતમાં હોવાથી તેમની ઓળખમાં ભારે મુશ્કેલી પડી હતી. હજુ ૧૭ મૃતદેહોની ઓળખ થઇ શકી નથી.
લોકનાયક હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર કિશોર સિંહે જણાવ્યું હતું કે, મોટા ભાગના મૃત્યુ ગૂંગળાઈ જવાના કારણે થયાં છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર નથી. ૧૫ ઇજાગ્રસ્તો પૈકીના એકને જ ૫૦ ટકા બર્ન ઇન્જરી છે. અન્ય નવને પણ બર્ન્સ વોર્ડમાં સારવાર અપાઇ રહી છે. જ્યારે અન્યોને ગૂંગળાવાના કારણે શ્વાસની તકલીફ થઈ છે.
તંત્રની આ તે કેવી લાપરવાહી?
• ઇમારતમાં આવેલા તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ ગેરકાયદે હતાં • ઇમારતમાં કોઈ સેફ્ટી ઇક્વિપમેન્ટ નહોતાં • ઇમારત માટે દિલ્હી ફાયર સર્વિસ પાસેથી ફાયર ક્લિયરન્સ લેવાયું નહોતું • રહેણાંક વિસ્તારમાં ફેક્ટરી માટે એનઓસી લેવાયું નહોતું
જાંબાઝ ફાયરમેને ૧૧ જિંદગી બચાવી
દિલ્હી ફાયર સર્વિસના જાબાંઝ ફાયરમેન રાજેશ શુકલાએ આગની જ્વાળાઓની પરવા કર્યા સિવાય ૧૧ મહામૂલી જિંદગી બચાવી હતી. રાહત અને બચાવ કામગીરી વેળા રાજેશ શુકલાને પણ પગમાં ઈજાઓ પહોંચી હતી, પરંતુ તેણે આની પરવા કર્યા વગર બચાવ કાર્ય ચાલુ રાખ્યું હતું. બચાવ કાર્ય પૂરું થયે તે પોતાની સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યો હતો. દિલ્હીના ગૃહ પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, રાજેશ શુકલા રિયલ હીરો છે. તેઓ આગથી બળતી ઇમારતમાં પ્રવેશનાર પહેલા ફાયરમેન હતા.
તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ
કેજરીવાલ સરકારે દુર્ઘટનામાં માર્યા ગયેલા શ્રમિકોના પરિવારને રૂપિયા ૧૦ લાખ અને ઘાયલોને રૂપિયા ૧ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીએ પણ વડા પ્રધાન રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઘાયલોને રૂપિયા ૫૦,૦૦૦નું વળતર આપવાની જાહેરાત કરી છે. દિલ્હીના ભાજપ એકમ દ્વારા પણ મૃતકોના પરિવારજનોને રૂપિયા પાંચ-પાંચ લાખની અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૨૫,૦૦૦ની સહાય જાહેર કરાઈ હતી. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે દુર્ઘટનામાં માર્યા ગયેલા બિહારના શ્રમિકોના પરિવારજનોને રૂપિયા બે લાખની સહાયની જાહેરાત કરાઈ હતી.
પરિવારને સાંત્વના
• દિલ્હીના અનાજ મંડી વિસ્તારની આગની દુર્ઘટના અત્યંત ભયાનક હતી. આગમાં સ્વજનો ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી સાંત્વના છે. હું ઘાયલોને ઝડપી સાજા થવાની શુભેચ્છા પાઠ—ું છું. સત્તાધિશો સંભવિત તમામ સહાયનો પ્રયાસ કરી રહ્યાં છે. - નરેન્દ્ર મોદી, વડા પ્રધાન
• ભયાનક આગમાં ૪૦ કરતાં વધુ જીવ ગયાં છે, મેં મેજિસ્ટ્રેટ દ્વારા તપાસના આદેશ આપ્યાં છે, કોઈ દોષિતને છોડાશે નહીં. - અરવિંદ કેજરીવાલ, મુખ્ય પ્રધાન - દિલ્હી
• દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોના પરિવારોને મારો હૃદયપૂર્વકનો દિલાસો, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપીને તેમની જિંદગીઓ બચાવી લેવાશે તેવી મને આશા છે. - સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ