દિવ્ય અને ભવ્ય રામમંદિરનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે

Wednesday 20th December 2023 08:52 EST
 
 

અયોધ્યાઃ રામજન્મભૂમિ પરિસરમાં દિવ્ય-ભવ્ય મંદિર ઝડપથી આકાર લઈ રહ્યું છે. અહીંયા મંદિર સહિત દસ પ્રોજેક્ટ પર એક સાથે કામકાજ ચાલી રહ્યું છે. રામમંદિર નિર્માણનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે મંદિરને ભવ્યાતિભવ્ય સ્વરૂપ આપવામાં અત્યાર સુધી લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. 3500 મજૂર તથા કારીગરો દિવસ-રાત રામમંદિરને આકાર આપી રહ્યા છે. 161 ફૂટ ઊંચા ત્રણ માળના રામમંદિરનો ભૂતળ લગભગ તૈયાર થઈ ગયો છે. હવે ફક્ત ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ 31 ડિસેમ્બર સુધીમાં મંદિરના પહેલા માળનું નિર્માણ પૂરું કરવા પ્રતિબદ્ધ છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ મંદિરના નિર્માણકાર્યની પ્રગતિની સમીક્ષા બાદ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર સુધીમાં ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઇ જશે. અમે આ તારીખ સુધીમાં પહેલો માળ પણ ઉદ્ઘાટન માટે તૈયાર કરાવવા પ્રયત્નશીલ છીએ. રામમંદિર કુલ ત્રણ માળનું બનશે.
પરંપરાગત નાગરશૈલીમાં નિર્માણ
મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોરના તમામ 14 દરવાજા અને ચાર પ્રવેશદ્વાર તૈયાર છે. ગર્ભગૃહનો ફ્લોર તૈયાર થઇ ચૂક્યો છે અને પહેલા માળે સ્તંભોનું કામ ચાલી રહ્યું છે. મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બની રહ્યું છે. પૂર્વથી પશ્ચિમ સુધીની તેની લંબાઇ 380 ફૂટ તથા પહોળાઇ 250 ફૂટ છે. મંદિરની ઊંચાઇ 161 ફૂટ રહેશે. ત્રણ માળનું મંદિર બની રહ્યું છે અને દરેક માળની ઊંચાઇ 20 ફૂટ રહેશે. ગ્રાઉન્ડ ફ્લોરના ગર્ભગૃહમાં શ્રીરામના બાળરૂપ રામલલાને વિરાજિત કરવામાં આવશે. પ્રથમ માળ પર શ્રીરામ દરબાર વિરાજિત થશે. મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા રહેશે.
મંદિરમાં કુલ પાંચ મંડપ બનશે
મંદિરમાં કુલ 5 મંડપ બનાવાઇ રહ્યા છે. નૃત્યમંડપ, રંગમંડપ, ગૂઢ અથવા સભામંડપ, પ્રાર્થનામંડપ અને કીર્તનમંડપ. રામમંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં હશે, જેને સિંહદ્વાર નામ અપાયું છે. આ ભવ્ય દ્વારની ઊંચાઇ 16.5 ફૂટ હશે. મંદિરની ચારે તરફ દિવાલો રહેશે અને ચારેય ખૂણે ભગવાન સૂર્ય, શંકર, ગણપતિ અને મા ભગવતીના મંદિર બની રહ્યા છે જ્યારે આ દિવાલની દક્ષિણ ભુજામાં હનુમાનજી અને ઉત્તરીય ભુજામાં અન્નપૂર્ણા દેવીનું મંદિર બનાવાઇ રહ્યું છે. આ મંદિરમાં પૌરાણિક સીતારૂપ પણ ઉપલબ્ધ રહેશે.
સુવર્ણજડિત દરવાજાઓ
રામમંદિરમાં લાગનાર દરવાજાઓને સુવર્ણજડિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામની જવાબદારી દિલ્હીના એક જ્વેલરી ફર્મે લીધી છે. દરવાજા પર સૌપ્રથમ 20 ગેજના તાંબાનો ઢોળ ચડાવવામાં આવી રહ્યો છે, જેની કેમિકલ અને એસિડથી સફાઈ કરાશે. ત્યાર પછી તેના પર પાંચ લેયર સોનાનો વરખ લગાવવામાં આવશે અને આ કાર્યને પાંચ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાનો સમય આપવામાં આવ્યો છે. રામમંદિરના સિંહાસન તથા પાંચ ગુંબજને પણ સોનાથી જડવામાં આવશે.
સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 1800 કરોડ
ટ્રસ્ટના સૂત્રોના કહેવા પ્રમાણે યોજનાના નિર્માણમાં અત્યાર સુધી લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. મંદિર સહિત અન્ય પ્રોજેક્ટના નિર્માણમાં કુલ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આમ, રામમંદિરનું બજેટ કાશી વિશ્વનાથ ધામ તથા મહાકાલ કોરીડોરથી પણ વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ ધામના નવીનીકરણમાં લગભગ 900 કરોડ તથા ઉજ્જૈનના મહાકાલ કોરિડોરને વિકસાવવામાં લગભગ 850 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. રામમંદિર ભવ્યતા તથા ટેકનોલોજીના મામલામાં પણ વિશ્વના શ્રેષ્ઠત્તમ મંદિરો પૈકી એક હશે. ટ્રસ્ટના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પ્રારંભે રામમંદિરના નિર્માણનો કુલ ખર્ચ રૂપિયા 575 કરોડ આંકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, મંદિર પરિસરમાં તીર્થયાત્રી સુવિધા કેન્દ્ર, પબ્લિક યૂટિલિટી, પરકોટા રિટેનિંગ વોલ, સીતા કૂપ, કુબેર ટીલા, શેષાવતાર મંદિરનું નવીનીકરણ, વીજળી તથા પાણીનો પ્લાન્ટ અને રોડ-રસ્તાનું કામ ચાલી રહ્યું છે.
દેશભરના મંદિરોમાં રામરક્ષા સ્તોત્રના પાઠ
ટ્રસ્ટે પ્રાણપ્રતિષ્ઠા પર્વે દેશભરના મંદિરોમાં સામૂહિક રૂપથી હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવાની તથા શ્રીરામ જય રામ, જય જય રામનો જાપ કરવાની પણ અપીલ કરી છે. આ દિવસે સંધ્યા સમયે ઘર પાસે દીવો પ્રગટાવવા તથા રોશની કરવા પણ અપીલ કરવામાં આવી છે.
30 ડિસેમ્બરે એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરનાં રોજ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરશે. આ જ દિવસે પ્રથમ ફ્લાઇટ પણ શરૂ થઈ રહી છે. અયોધ્યાના ધારાસભ્ય વેદપ્રકાશે જણાવ્યું હતું કે, એરપોર્ટનાં ઉદઘાટનની સાથે સાથે વડાપ્રધાન નવનિર્મિત અયોધ્યા રેલવે સ્ટેશનનું પણ ઉદઘાટન કરશે. રેલવે સ્ટેશન રામમંદિર મોડલની તર્જ પર બનાવવામાં આવ્યું છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રૂ. 350 કરોડનાં ખર્ચે એરપોર્ટને વિકસાવવાની મંજૂરી આપી છે. નાગરિક ઉડ્ડયન નિયમનકારે પણ મંજૂરી આપી દીધી છે. પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સમાં 500 પ્રવાસીને સમાવી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. ઇન્ડિગો એરલાઇન્સે 30 ડિસેમ્બરથી દિલ્હી-અયોધ્યા રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. નવનિર્મિત
એરપોર્ટ પરથી ઉડાન ભરનારી આ પ્રથમ ફ્લાઇટ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter