અયોધ્યા: અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તૈયારી ઉત્સાહપૂર્વક ચાલી રહી છે. મંગળવારથી પૂજાવિધિનો પ્રારંભ થયો છે, જે રવિવાર સુધી ચાલશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અને કાર્યક્રમની રુપરેખા આપતાં આ માહિતી જણાવી હતી. 20 અને 21 જાન્યુઆરીના રોજ રામલલાના દર્શન બંધ રહેશે. જોકે, હાલ તેના પર વિચારણા કરવામાં આવી રહી છે. રામમંદિરના આચાર્ય અને પુજારી જ અંદર ઉપસ્થિત રહેશે. આવું એટલા માટે, કારણ કે પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓને લઈને અસુવિધા થાય નહીં. 23 જાન્યુઆરીથી તમામ લોકો રામલલાના દર્શન કરી શકશે.
ચંપત રાયે જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાના સમયે ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ, ઉત્તર પ્રદેશનાં ગવર્નર આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે.
ભગવાન રામને નવા વસ્ત્રોની ભેટ
અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં રવિવારે ભગવાન રામનાં નવાં વસ્ત્રો મંદિરના પૂજારીને ભેટ અપાયા છે. રામ જન્મભૂમિ મંદિરનાં મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને ભગવાન રામનાં નવાં વસ્ત્રો, વાઘા અને ધ્વજ સોંપાયા હતા. પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયા પછી ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાને આ નવા વસ્ત્રો પહેરાવાશે. રામનાં આ નવા વસ્ત્રો રામદલ અયોધ્યાનાં અધ્યક્ષ કલ્કિ રામદાસ મહારાજ દ્વારા સમર્પિત કરાયા છે. તેમણે વખતોવખત ભગવાન રામને નવા વસ્ત્રો અર્પણ કર્યા છે. તેમણે આપેલો ધ્વજ પણ મંદિર પર ફરકાવાશે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરતા પહેલાં બાંકે બિહારી મંદિરનાં ભક્તોએ રામલલા માટે ચાંદીનો શંખ, એક વાંસળી અને કેટલાંક આભૂષણો પણ ભેટ મોકલ્યા છે.
65થી 75 મિનિટની પ્રાણપ્રતિષ્ઠા વિધિ
પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને 65થી 75 મિનિટનો સમય લાગશે. પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ બપોરે અઢી વાગ્યા પછી સંત, મહાપુરુષો અને આમંત્રિત મહેમાનો દર્શન કરવા મંદિરમાં પ્રવેશ કરશે. આમંત્રિતોએ સવારે 10 અને 10-30 કલાકે મંદિરમાં પ્રવેશ કરવો પડશે અને પરત જવામાં સાંજે પાંચથી છ કલાક પણ વાગી શકે છે. મંદિરમાં આવનાર આમંત્રિતો માટે અલ્પાહારની વ્યવસ્થા કરાઇ છે.
વારાણસીના પંડિતો કરાવે છે પૂજાવિધિ
ચંપત રાયે જણાવ્યું કે, પ્રાણપ્રતિષ્ઠાના પવિત્ર સમારોહ માટે કર્મકાંડ વિધિની આખી વિધિ વારાણસીના લક્ષ્મીકાંત દીક્ષિતના નેજા હેઠળ થશે. ગણેશશાસ્ત્રી દ્રવિડ અને લક્ષ્મીકાંત દીક્ષિત બંને પોતાના ક્ષેત્રમાં દિગ્ગજ છે. સત્તાવાર સૂત્રોના કહેવા પ્રમાણે મંદિર ટ્રસ્ટ દ્વારા 7000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી ઉપરાંત સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અબજોપિત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામેલ છે.
ભારતીય પરંપરાના તમામ વાદ્યોનું વાદન
ચંપતરાયે જણાવ્યું કે, પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન ભારતીય પરંપરાના તમામ પ્રકારના વાદ્યયંત્ર જેમ કે - ઉત્તરપ્રદેશનું પખાવજ અને વાંસળી અને ઢોલક, કર્ણાટકની વીણા, મહારાષ્ટ્રનું સુંદરી, પંજાબનું અલગોજા, ઓરિસ્સાનું મર્દલ, મધ્યપ્રદેશનું સંતૂર, મણિપુરનું પુંગ, અાસામનું નગાડા અને કાલી, છત્તીસગઢના તંબૂરા, બિહારની પખાવજ, દિલ્હીની શહેનાઇ, રાજસ્થાનનો રાવણહથ્થો, બંગાળનું શ્રીખોલ, આંધ્રપ્રદેશનુ ઘટમ, ઝારખંડની સીતાર, ગુજરાતનું સંતાર, તમિલનાડુનું નાદસ્વરમ અને મૃદંગ અને ઉતરાખંડના હુડકાનું વાદન થશે.
દેશવિદેશમાં અનેક ચેનલો પર પ્રસારણ
22 જાન્યુઆરીના રોજ બપોરે 12:20 વાગ્યાથી દૂરદર્શનની રાષ્ટ્રીય અને તમામ પ્રાદેશિક ચેનલો, ટ્રસ્ટની યુટ્યુબ ચેનલો, વિહિર અને સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને સોશિયલ મીડિયા સહિત દેશની તમામ ટીવી ચેનલો પરથી લાઇવ સ્ટ્રીમિંગ થશે. આ કાર્યક્રમ હેઠળ લગભગ 90 કરોડથી વધુ લોકો જોડાશે. જ્યારે આશરે 136 દેશોમાં રહેતા ભારતીયો સહિત વિદેશીઓ તેમજ રામ ભક્તો પણ તેને લાઈવ નિહાળશે.
150 પરંપરાના સંતો-મહંતોની ઉપસ્થિતિ
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મહામંડલેશ્વર, મંડલેશ્વર, શ્રીમહંત, મહંત, નાગા સહિત 150 પરંપરાના સંતો ઉપસ્થિત રહેશે. પ્રથમ વખત પર્વતો, જંગલો, દરિયાકાંઠાના વિસ્તારો, ટાપુઓ વગેરેના રહેવાસીઓ સમારોહમાં માટે એક જગ્યાએ એકઠા થશે. પ્રાણ-પ્રતિષ્ઠા દરમિયાન ભારતીય પરંપરાના તમામ પ્રકારના સંગીતનાં સાધનોના સૂર રેલાશે, જે પ્રથમ વખત હશે. 121 આચાર્યોની દેખરેખ હેઠળ અનુષ્ઠાન થશે.
પ્રાણપ્રતિષ્ઠા સામે ચાર શંકરાચાર્યોની નારાજગી
રામલલાની પ્રાણપ્રતિષ્ઠા વિધિનો એકતરફ પ્રારંભ થયો છે ત્યારે ચાર શંકરાચાર્યો મંદિરની શાસ્ત્રોક્ત સ્વીકૃતિ સામે સવાલ ઉઠાવ્યા છે. આમંત્રણ હોવા છતાં ઉત્તરાખંડ, ઉડીશા, કર્ણાટક અને ગુજરાત - એમ ચાર પીઠના શંકરાચાર્યોએ હાજરી નહીં આપવા જાહેરાત કરી છે. પૂરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા ગૌરવપૂર્ણ રીતે થવી જોઈએ. વડા પ્રધાન ગર્ભગૃહમાં હાજર રહેશે અને મૂર્તિને સ્પર્શ કરશે. આ રાજકીય રીતે બની રહેલી ઘટના હોવાનો એક મત છે. હું તેનો વિરોધ પણ નહી કરું અને હાજર પણ નહી રહું. બીજી તરફ, ઉત્તરાખંડની જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવીમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે પ્રાણપ્રતિષ્ઠાની વિધિ હિંદુ રિવાજોનું ઉલ્લંઘન કરી રહી છે. મંદિર હજી પૂર્ણ થયું નથી ત્યારે તેમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા હિંદુ સંસ્કૃતિથી વિરુદ્ધિ છે. દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે અમે માત્ર પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ વેદ અને રીતિ-રીવાજ અનુસાર થાય એવી જ માંગ કરી રહ્યા છીએ.