જોધપુરઃ રાજસ્થાનના મણાઇ આશ્રમમાં ગુરુકુળની સગીર શિષ્યા પર બળાત્કાર ગુજારવાના કેસમાં જોધપુરની એસસી-એસટી કોર્ટે જાતે બની બેઠેલા સંત આસારામ ઉર્ફે આસુમલ સિરુમલાણી (૭૭)ને દોષિત ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી છે. શાહજહાંપુરની વતની અને આસારામના છિંદવાડાનાં ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય કિશોરીએ ૨૦૧૩માં આરોપ મૂક્યો હતો કે, ૧૫ ઓગસ્ટની રાત્રે આસારામે જોધપુર નજીકના આશ્રમમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ફરિયાદ બાદ આસારામ ઉપરાંત તેના આ કુકૃત્યમાં સાથ આપનાર સંચિતા ઉર્ફે શિલ્પી, શરદચંદ્ર ઉર્ફે શરતચંદ્ર, પ્રકાશ અને શિવા ઉર્ફે સવારામ હેઠવાડિયાની ધરપકડ કરાઈ હતી.
લગભગ ૫૬ માસ કેસની સુનાવણી કર્યા બાદ કોર્ટે આસારામની સાથે સાથે શિલ્પી અને શરદચંદ્રને દોષિત ઠેરવ્યા છે. બન્નેને ૨૦-૨૦ વર્ષની કેદ અને એક-એક લાખ રૂપિયાનો દંડ કરાયો છે. જ્યારે પ્રકાશ અને શિવાને નિર્દોષ છોડી મૂક્યા છે. શિલ્પી ગર્લ્સ હોસ્ટેલની વોર્ડન હતી જ્યારે શરદચંદ્ર ગુરુકુળનો પ્રિન્સિપાલ હતો. આસારામને ‘પોક્સો’ તેમજ એસસી-એસટી એક્ટ સહિત ૧૪ કલમ અંતર્ગત કસૂરવાર ઠેરવતાં ૩ લાખ ૨ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જજે દંડની કુલ પાંચ લાખ રૂપિયાની રકમ પીડિતાને ચૂકવવાનો આદેશ આપ્યો છે. બુધવારે જોધપુરની સેન્ટ્રલ જેલમાં જ તૈયાર કરાયેલા કોર્ટરૂમમાં સ્પેશિયલ એસસી-એસટી જજ મધુસૂદન શર્માએ ૪૫૩ પાનનો ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો હતો.
જજે ચુકાદામાં જણાવ્યું હતું કે આસારામ સંત કહેવાય છે, પરંતુ તેણે જાપના બહાને પીડિતાને ઓરડામાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો. આસારામે પીડિતાનો વિશ્વાસ નથી તોડ્યો, પણ આમ જનતામાં સંતોની છબિને પણ નુકસાન પહોંચાડ્યું છે.
સુનાવણી પછી આસારામના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને હાઇ કોર્ટમાં પડકારશું. આસારામના વકીલોએ જણાવ્યું હતું કે, અમે ગુરુવારે રાજસ્થાન હાઇ કોર્ટમાં આસારામ માટે જામીનઅરજી દાખલ કરીશું. અગાઉ તેઓ કાચા કામના કેદી હોવાથી જામીન મેળવવા મુશ્કેલ હતા, હવે ચુકાદો આવી ગયો હોવાથી તેના જામીન માટે આકરા પ્રયાસો કરીશું.
અંતિમ શ્વાસ સુધી કેદ
સુપ્રીમ કોર્ટે ૨૦૧૨માં સ્પષ્ટતા કરી હતી કે, આજીવન કેદનો અર્થ છે ગુનેગારનું મોત થાય ત્યાં સુધીનો કારાવાસ. કોર્ટે જણાવ્યું હતું કે, એક એવી ગેરસમજ પ્રવર્તે છે કે, આજીવન કેદ એટલે ગુનેગારને ૧૪ કે ૨૦ વર્ષ કેદ પછી મુક્તિનો અધિકાર છે. કેદીને આ પ્રકારનો કોઈ અધિકાર હોતો નથી. જો સરકાર કેદીને છૂટછાટ આપે તો પણ તેણે ૧૪ વર્ષ તો કેદમાં રહેવું જ પડે છે. સશ્રમ કારાવાસ એટલે કેદીએ જેલમાં તેને સોંપાતાં દરેક કામ અમુક કલાક માટે કરવાનાં રહે છે.
કેદીનો ડ્રેસ - જેલનું ભોજન
જોધપુર જેલમાં કેદ આસારામને કેદી નંબર ૧૩૦ અપાયો છે. જેલ ડીઆઈજી વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, હાલમાં આસારામને બેરેક નં. બેમાં રખાશે. અત્યાર સુધી આસારામ કાચા કામનો કેદી હોવાથી તેને સેન્ટ્રલ જેલમાં આશ્રમનું જમવાનું મળતું હતું. હવે તેણે જેલનું ભોજન જમવું પડશે. આ ઉપરાંત અત્યાર સુધી તે પસંદગીના વસ્ત્રો પહેરી શકતો હતો પરંતુ હવે તે દોષિત ગુનેગાર હોવાથી જેલનાં કેદીઓ માટે નક્કી કરેલો ડ્રેસ પહેરવો પડશે.
જલ્દ હી તુમ્હારે બીચ...
આસારામને દોષિત ઠરાવીને કોર્ટે સજા ફરમાવી છે, પરંતુ તેને આનો કોઇ શરમ સંકોચ નથી. સજાના બીજા જ દિવસે એટલે કે ૨૭ એપ્રિલે રાત્રે ફેસબુક પેજ - મોબાઇલ એપ પર અનુયાયીઓ માટે સુચના મૂકાઇ હતી કે જેલમાંથી આસારામનો લાઇવ ઓડિયો પ્રસારિત થવા સંભાવના છે. આ પ્રવચનને મંગલમય પર જરૂર સાંભળો. (આસારામની મોબાઇલ એપનું નામ મંગલમય છે). પછી આસારામે કેદીઓ માટે ફોન કરવાની સુવિધાનો દુરુપયોગ કરીને અનુયાયીઓને સંબોધન કર્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે પહલે શરદ ઔર શિલ્પી કો નિકલવાયેંગે બાદ મેં હમ આ જાયેંગે તુમ્હારે બીચ. તેણે દાવો કરતાં કહ્યું હતું કે જલ્દ હી તુમ્હારે બીચ આઉંગા. અચ્છે દિન આયેંગે... આ અંગે જેલ તંત્રે તપાસના આદેશ આપ્યા છે.
આઝાદી પર્વની ઉજવણી...
આસારામે સારવારનાં નામે ૧૪ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ પીડિતા અને તેનાં માતા-પિતાને આશ્રમ ખાતે બોલાવ્યાં હતાં. આસારામે કિશોરીના મા-બાપના મનમાં ઠસાવ્યું હતું કે કિશોરીના શરીરમાં ભૂત વસે છે, તે કાઢવું પડશે. આ પછી બીજા દિવસે ૧૫ ઓગસ્ટે તેણે મંત્રતંત્રના નામે સારવારના બહાને પીડિતાને પોતાની કુટિયામાં બોલાવી હતી. તેણે પીડિતાનાં માતા-પિતાને બહાર બેસાડી રાખ્યા હતા અને તેમને ધ્યાન ધરવા કહ્યું હતું. પોતાની કુટિયામાં બોલાવેલી કિશોરી પર તેણે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત તેણે ઓરલ સેક્સ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પછી તેણે સગીર બાળાને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી રવાના કરી દીધી. આમ એક તરફ દેશ આઝાદી પર્વને ઊજવતો હતો ત્યાં બીજી તરફ આસારામ બળાત્કાર ગુજારતો હતો.
પીડિતાની મક્કમતા
આસારામે જે સગીરા ઉપર દુષ્કર્મ કર્યું હતું તે ઉત્તર પ્રદેશનાં શાહજહાંપુરની રહેવાસી છે. તેના પિતા આસારામના જ સેવક હતા અને તે આસારામ આશ્રમના ગુરુકુળમાં રહેતી હતી. બળાત્કાર કેસમાં ફરિયાદ બાદ આસારામના સેવકો દ્વારા તેને અને તેના પરિવારને ધમકાવાયો હતો અને નિવેદન બદલવા દબાણ કરાયું. જોકે તેઓ મક્કમ રહ્યા અને કેસ લડતા રહ્યા. પરિસ્થિતિ એવી આવી ગઈ કે, વારંવાર ઉત્તર પ્રદેશથી કેસ લડવા જોધપુર આવવું પડતું હતું અને તેથી પીડિતાના પિતાને તેની ટ્રક પણ વેચી દેવી પડી. આસારામ કેસમાં નવ સાક્ષી ઉપર હુમલા થયા અને તેમાંથી ત્રણની હત્યા કરાઈ છે. આસારામના વકીલોએ વારંવાર ખોટેખોટા સવાલો કરીને સમય પસાર કર્યો. એક સાક્ષીને ૧૦૪ વખત કોર્ટમાં બોલાવાયો. કોર્ટમાં કહેવાયું કે, સગીરા માનસિક રીતે બીમાર છે અને તેને એકલામાં પુરુષો સાથે મુલાકાત કરવી પસંદ છે. સગીરાને પુખ્ત સાબિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો થયા. જોકે પીડિતા આરોપો ઉપર મક્કમ હતી અને તેણે ૯૪ પાનાનું નિવેદન કોર્ટમાં નોંધાવ્યું. આ ઉપરાંત તપાસ અધિકારીએ પણ યોગ્ય તપાસ કરીને ૬૦ દિવસમાં કુલ ૨૦૪ પાનાનું નિવેદન નોંધાવ્યું હતું.
કુછ તો બોલો...
ચુકાદાના દિવસે સવારે આસારામ કોર્ટમાં સમયસર પહોંચ્યો નહોતો. જજે આસારામને બોલાવવા કહ્યું ત્યારે તેમને જણાવાયું હતું કે તે પૂજા કરે છે. ૧૫ મિનિટ પછી તે જજ સામે પહોંચ્યો. ચુકાદો આવતાં આસારામે તબિયત ખરાબ થવાની નૌટંકી શરૂ કરી. આથી જેલમાં એમ્બ્યુલન્સ બોલાવાઈ. બાદમાં સજા સંભળાવાઇ ત્યારે તે રડી પડ્યો હતો અને થોડીક વાર પછી હરી ઓમ હરી ઓમ બોલવા લાગ્યો હતો. આ પછી થોડાક સ્વસ્થ થઇને તેણે વકીલને કહ્યું હતું કે ‘કુછ તો બોલો...’ છેલ્લે વકીલોએ કહ્યું હતું કે, આસારામ વૃદ્ધ છે, રીઢા ગુનેગાર નથી તેથી ઓછી સજા આપવામાં આવે. જોકે કોર્ટે દલીલ નકારી હતી.