નવી દિલ્હીઃ સરકારની નીતિરીતિથી ત્રસ્ત જગતનો તાત હવે તેના વણઉકેલ પ્રશ્નો અંગે ખેતર છોડીને રસ્તા પર ઉતર્યો છે. દેશના અંતરિયાળ ભાગમાં રહીને ક્યારેય પોતાનો અવાજ સત્તાધિશોના કાને પહોંચાડી શકાશે નહીં તેવું લાગતા ખેડૂતોએ પાટનગરમાં વિરાટ રેલી યોજીને પોતાની લાગણી અને માગણીને વાચા આપી છે.
દેવામાફી અને ખેતપેદાશો માટે પોષણક્ષમ ભાવ સહિતની વિવિધ માગણીઓ સાથે ચારેક લાખ ખેડૂતો ગુરુવારે રામલીલા મેદાનમાં એકત્ર થયા હતા અને શુક્રવારે સંસદ સુધી કૂચ યોજીને શાસકોને કુંભકર્ણ નીંદ્રામાંથી જગાડવા પ્રયાસ કર્યો હતો. આંદોલનકારી ખેડૂતોની આ કૂચને જોકે પાર્લામેન્ટ સ્ટ્રીટ પહોંચતા પૂર્વે જ અટકાવી દેવામાં આવી હતી, પરંતુ આ રેલી થકી ખેડૂતો તેમના પ્રશ્નો તરફ સમગ્ર દેશનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા. આગલા દિવસે ખેડૂતોએ દિલ્હીના સીમાડા સાથે જોડાયેલા પાંચ સ્થળોએથી રામલીલા મેદાન તરફ મહાકાય રેલીઓ કાઢી હતી.
‘અબ હક કે બીના ભી ક્યા જીના, યે જીને કે સમાન નહીં' જેવા સૂત્રો લખેલાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે દેશભરમાંથી ઉમટી પડેલા ખેડૂતોએ દિલ્હીના રસ્તાઓ ચક્કાજામ કરી નાખ્યા હતા. મોદી સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી પછી પહેલી વખત સરકારવિરોધી ધરણાં-વિરોધ પ્રદર્શનમાં આટલા મોટાપાયે ખેડૂતો જોડાયા હતા તે નોંધનીય છે.
રાજકીય પક્ષો - સામાજિક સંગઠનોનું સમર્થન
રેલીમાં અનેકવિધ સંગઠનના સામાજિક કાર્યકરો અને ભાજપ સિવાયના રાજકીય પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. જોકે, સરકાર તરફથી આ મામલે કોઇ પ્રત્યાઘાત કે પ્રતિભાવ અપાયા નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના નેતા ધર્મેન્દ્ર યાદવ, સીપીઆઇ(એમ) નેતા સીતારામ યેચુરી, સીપીઆઇ નેતા એસ. સુધાકર રેડ્ડી સહિતના નેતાઓ ખેડૂત નેતાઓ અને ખેડૂતોને મળ્યા હતા અને તેમની માગને ટેકો આપ્યો હતો.
ગુજરાત, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ સહિત ૨૪ રાજ્યોમાંથી આવેલા અને વિવિધ ખેડૂત સંગઠનોના નેજામાં એકત્રિત થયેલા ખેડૂતોના સમર્થનમાં આ ઉપરાંત વકીલો, ડોક્ટરો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ પણ વિશાળ રેલીમાં જોડાયા હતા. તામિલનાડુના ખેડૂતો તો દેવું ન ચૂકવી શકવાથી જીવન ટૂંકાવનાર ખેડૂતોની ખોપરીઓ હાથમાં લઇને રેલીમાં જોડાયા હતા.
ચર્ચા માટે સંસદનું વિશેષ સત્ર યોજવાની માગણી
ખેડૂતોએ આત્મહત્યા કરનાર પરિવારજનોની તસવીરો સાથેના પ્લેકાર્ડ દર્શાવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, પાકની નિષ્ફળતા ખેડૂતોને દેવાદાર બનાવી રહી છે. તેમને બિયારણ, ખાતર અને પશુઆહારની ખરીદી માટે ઊંચા વ્યાજદરોએ નાણાં ઉછીનાં લેવાં પડે છે. અમે દેવામુક્ત ખેડૂત અને આત્મહત્યામુક્ત ભારત ઇચ્છીએ છીએ. ખેડૂતોએ તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે સંસદનાં ત્રણ સપ્તાહનું વિશેષ સંયુક્ત સત્ર યોજવાની પણ માગણી કરી છે.
અત્યાર સુધીની સૌથી વધુ ખેડૂતવિરોધી સરકાર છેઃ યાદવ
સ્વરાજ ઇન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે કિસાન મુક્તિ માર્ચ ખેડૂતોને આત્મહત્યા, સરકાર દ્વારા થતા વિવિધ પ્રકારનાં શોષણ અને સુનિયોજત લૂંટથી મુક્તિ અપાવવા માટે છે. આ સરકાર અત્યાર સુધીની સૌથી વધુ ખેડૂતવિરોધી સરકાર છે. યાદવે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષમાં પોતાની માગણીઓ લઈને ચોથી વાર ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે, પરંતુ સરકાર તરફથી તેમને કોઈ જવાબ મળ્યો નથી.
મેધા પાટકરે જણાવ્યું હતું કે કૃષિ પ્રધાન દેશ હોવા છતાં ૩ લાખથી વધુ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. આમ છતાં સરકાર કુદરતી સંસાધનોને કોર્પોરેટના હાથમાં સોંપી રહી છે. લઘુત્તમ ટેકાના ભાવનું દેશમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. સરકારે રૂપિયા ૮,૯૭૫ લઘુતમ વેચાણ ભાવ જાહેર કરી છે. પરંતુ સરકારની પોતાની જ વેબસાઈટ આ આંકડો ૪૨૦૦ રૂપિયા દર્શાવે છે. તે અંગે કોઈ વાત કરતું નથી.
‘દેશનો કિસાન ભાજપને જવાબ આપશે’
અખિલ ભારત ખેડૂતસભાના પ્રમુખ અશોક ધાવલેએ કહ્યું હતું કે, ભાજપ સરકારને ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં કોઈ રસ નથી. નોટબંધીને કારણે ખેડૂતોને ગંભીર ફટકો પડયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આશ્વાસનો આપ્યાં હોવા છતાં ખેડૂતોની સમસ્યાઓ યથાવત્ છે. આ દગાબાજી માટે ખેડૂતો ૨૦૧૯માં મોદી સરકાર અને ભાજપને જડબાતોડ જવાબ આપશે.