નવી દિલ્હીઃ ભારતના ૭૪મા સ્વતંત્રતા પર્વે રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ધ્વજવંદન બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને ચીનને આકરો સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે, ભારતના સાર્વભૌમત્વનું સન્માન સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
દેશની સીમાઓ પરનાં અડપલાંનો આપણા જવાનોએ યોગ્ય જવાબ આપ્યો છે એમ જણાવી જવાનોને નમન કરવા સાથે ચીન-પાકિસ્તાનનું નામ લીધા વગર વડા પ્રધાને કહ્યું હતું કે એલઓસી (લાઇન ઓફ કન્ટ્રોલ) હોય કે એલએસી (લાઇન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ) દેશના જવાનો જવાબ આપી શકે છે. ભારતનું સામર્થ્ય શું છે તે દુનિયાએ લદ્દાખમાં જોયું છે. જેમણે પણ ભારતના સાર્વભૌમત્વ પર આંખ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે તેમને ભારતના જવાનોએ તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો છે.
કોરોના કાળમાં મર્યાદિત આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ વડા પ્રધાન મોદીએ સતત સાતમા વર્ષે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જે બિનકોંગ્રેસી વડા પ્રધાન તરીકે એક વિક્રમ છે. ભારતમાં કોરોનાની ત્રણ વેક્સીનનું સંશોધન પ્રગતિના તબક્કામાં દેશવાસીઓને હૈયાધારણ આપી હતી તો સાથોસાથ તેમણે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની પણ જાહેરાત કરી હતી. જે અંતર્ગત નાગરિકોને વિવિધ હેલ્થકેર સેવાઓની સરળ ઉપલબ્ધિ માટે હેલ્થ આઇડી અપાશે. વડા પ્રધાનનો કાફલો સૌપ્રથમ મહાત્મા ગાંધીજીની સમાધિ રાજઘાટ ખાતે પહોંચ્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ લાલ કિલ્લા ખાતે આવી પહોંચ્યો હતો.
દિલથી જોડાયેલાં પણ પાડોશી
વડા પ્રધાને આતંકવાદને પોષતા પાકિસ્તાન અને વિસ્તારવાદ માટે સક્રિય ચીનના નામોલ્લેખ વગર કહ્યું હતું કે ભારત આતંકવાદ અને વિસ્તારવાદનો મજબૂત મુકાબલો કરી રહ્યું છે. સમગ્ર વિશ્વે જોયું છે કે, સરહદો પર ભારતની અખંડતાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ભારત શું કરી શકે છે. આ પ્રતિબદ્ધતા માટે ભારતના જવાનો અને નાગરિકો શું કરી શકે છે તે વિશ્વે લદ્દાખમાં જોયું છે.
વડા પ્રધાને એ પડોશી દેશોના વખાણ કર્યા કે જેમની સાથે ભારતના સંબંધો સતત બહેતર બની રહ્યા છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, પડોશી માત્ર એ નથી કે જેમની સાથે દેશની ભૌગોલિક સરહદો જોડાયેલી હોય. પરંતુ જેમની સાથે આપણા હૃદયો જોડાયેલાં છે અને જેમની સાથે સંબંધોમાં ભાઇચારો છે તે પણ પાડોશી છે.
ડિજિટલ હેલ્થ મિશન
આ રાષ્ટ્રીય પર્વે વડા પ્રધાને દેશવાસીઓ માટે યુનિક આઇડી ધરાવતા ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી હતી તો આત્મનિર્ભરતાનો મંત્ર પણ આપ્યો હતો. ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત દેશના દરેક નાગરિકને વિશેષ આરોગ્ય ઓળખ નંબર અપાશે. ટેક્નોલોજી આધારિત આ મિશન આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી સુધારા લાવશે. દરેક નાગરિકને અપાનારા આઇડી કાર્ડમાં તેના આરોગ્ય અંગેની તમામ જાણકારીનો સમાવેશ કરાશે. યુનિક હેલ્થ આઇડીના કારણે દર્દી અથવા ડોક્ટર દ્વારા આરોગ્ય અંગેની વિવિધ સરકારી યોજનાનો દુરુપયોગ અટકાવી શકાશે.
સાકાર થઇ રહ્યું છે સ્વપ્ન
વડા પ્રધાને જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન હવે એક સંકલ્પમાં પરિવર્તિત થઈ રહ્યું છે. આ માટે પ્રકૃતિના સ્રોત તથા માનવ સંપદાના મૂલ્યમાં વૃદ્ધિ કરવી જોઈએ. આત્મનિર્ભર બનવા સરકારે કૃષિ, અવકાશ, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોને નિયંત્રણમુક્ત કર્યાં છે.
આત્મતનિર્ભરતા એટલે આયાત ઓછી કરવી તે નહીં, પણ ઘરઆંગણે લોકોની સ્કિલ (આવડત) વિકસાવવી એમ કહેતાં વડા પ્રધાને લોકોને વધુ એક વખત વોકલ ફોર લોકલ બનવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું આપણે મેક ઈન ઈન્ડિયા સાથે હવે મેક ફોર વર્લ્ડના મંત્ર તરીકે આગળ વધવાનું છે.
કોરોના મહામારી આવતાં આરોગ્ય ક્ષેત્રે આપેલી આત્મનિર્ભરતાનો ખ્યાલ આપતાં તેમણે કહ્યું હતું કે હવે દેશમાં જ વેન્ટિલેટર, વિવિધ માસ્ક જેવી હેલ્થકેરની સાધન સામગ્રી બનવા માંડી છે અને આયાત પરની નિર્ભરતા ઘટી છે.
કોવિડ વેક્સિનના સંશોધનમાં પ્રગતિ
કોવિડ મહામારીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કોવિડની ટેસ્ટિંગ ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે. ભારતમાં કોરોનાની રસીનું સંશોધન કરતા વિજ્ઞાનીઓની નિષ્ઠા તથા પરિશ્રમને બિરદાવતા વડા પ્રધાને નાગરિકોમાં આશા જગાવતી બાંયધરી આપી હતી કે દેશમાં કોવિડ-૧૯ની ત્રણ રસીનું ટેસ્ટિંગ વિવિધ તબક્કામાં છે. તેના વ્યાપક ઉત્પાદનનું માળખું પણ તૈયાર છે. બસ, વિજ્ઞાનીઓ દ્વારા લીલી ઝંડી મળતાં જ વિશાળ સ્તરે તેનું ઉત્પાદન શરૂ થઇ જશે.
આર્થિક વિકાસનું આયોજન
મોદીએ દેશની અર્થવ્યવસ્થા, વિદેશી સંબંધોની નીતિ, ઉદ્યોગ-લઘુ તથા ગ્રામીણ ઉદ્યોગો, આરોગ્ય, કૃષિ, બેન્કિંગ, રમતગમત, સંરક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા વિકાસ અને સશક્તિકરણ, શિક્ષણ, સંરક્ષણ, ઉર્જા, અવકાશ જેવા વિવિધ ક્ષેત્રો વિશે વિગતો ઉલ્લેખ કર્યો હતો. સાથે સરકારની વિવિધ નીતિઓનો સંકેત આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે સરકારે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકટરના વિકાસ માટે રૂા. એક લાખ કરોડ ફાળવ્યા છે. કૃષિક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા ખેડૂતોને તમામ બંધનોથી મુક્ત કરાયા છે. ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ માટે રૂ. ૧૧૦ લાખ કરોડ ખર્ચાશે.
સેનેટરી નેપકિનની પણ વાત કરી
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ૬૦૦૦ જનઔષધિ કેન્દ્રો દ્વારા ૫ કરોડથી વધુ સેનેટરી નેપકિન મહિલાઓને અપાયા. સરકાર ગરીબ બહેન-દીકરીઓને બહેતર સ્વાસ્થ્ય સેવા આપવા માગે છે. આ અંગે શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યું હતુંઃ ખુશી છે કે પીએમ મોદીજીએ માસિકધર્મ સ્વચ્છતા અંગે ચર્ચાને મુખ્ય પ્રવાહમાં સામેલ કરી. અભિનેતા અક્ષય કુમારે ટ્વીટ કર્યુંઃ વડા પ્રધાને ભાષણમાં સેનેટરી પેડ્સ અંગે વાત કરી. તેનાથી પીરિયડ્સ મેઇનસ્ટ્રીમ ટોપિક બની ગયો છે. અભિનંદન.’
વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી કરેલી ઘોષણાઓ
• દેશમાં સાઇબર ક્રાઇમ અટકાવવા માટે નવી સાઇબર સુરક્ષા નીતિનો અમલ કરાશે • દેશના ૧૭૩ સરહદી ક્ષેત્રમાં નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)નું વિસ્તરણ, ૧ લાખ નવા કેડેટને સેના દ્વારા તાલીમ અપાશે • આગામી ૧૦૦૦ દિવસમાં લક્ષદ્વીપને સબમરિન ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડી દેવાશે • દેશના દરેક ગામને ઓપ્ટિકલ ફાઇબર કેબલ નેટવર્કથી જોડી દેવાશે • સમગ્ર દેશને રૂપિયા ૧૦૦ લાખ કરોડના ખર્ચે મોડેલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જોડાશે • મોડેલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અલગ અલગ સેક્ટરમાં ૭૦૦૦ પ્રોજેક્ટ ક્રાંતિ લાવશે • જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી ચૂંટણીઓનું આયોજન કરાશે • વન્યસૃષ્ટિનાં સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન એન્ડ ડોલ્ફિનની જાહેરાત