નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં સૌથી જૂના રાજકીય પક્ષનું બહુમાન ધરાવતો પક્ષ કોંગ્રેસ સબળ નેતૃત્વથી માંડીને અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. હવે અહેવાલ છે કે કોંગ્રેસ આ વખતની લોકસભા ચૂંટણીમાં પહેલી વખત સૌથી ઓછી - 300 આસપાસ - બેઠકો પર જ ચૂંટણી લડશે. 1951થી અત્યાર સુધીની લોકસભા ચૂંટણીઓના ઈતિહાસમાં પહેલીવાર આવું જોવા મળશે. આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઘણા પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કર્યા હોવાથી તે પોતે ચૂંટણી લડી રહી હોય તેવી બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
કોંગ્રેસે અત્યાર સુધીમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 236 ઉમેદવાર જાહેર કર્યા છે પરંતુ પંજાબ, હરિયાણા, દિલ્હી, ગોવા, હિમાચલ પ્રદેશ, દાદરા-નગર હવેલી, ચંડીગઢ અને લદાખમાં એક પણ ઉમેદવાર જાહેર કર્યા નથી. ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશામાં પણ કોંગ્રેસના કુલ 70-80 જેટલા ઉમેદવારો જાહેર થવાના બાકી છે. 2024ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ પ્રમાણમાં ઓછી બેઠકો પર લડી રહી હોવાનો પહેલવહેલો સંકેત ગત ચોથી જાન્યુઆરીએ મળેલી પક્ષની વર્કિંગ કમિટીની બેઠકમાં મળ્યો હતો.
પક્ષનું ફોકસ 255 બેઠક પર
આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પક્ષનું ફોકસ મુખ્યત્વે 255 બેઠકો પર રહેશે. તેમનું આ નિવેદન કોંગ્રેસની જીતની ઊંચી શક્યતા હોય તેવી બેઠકોના પક્ષના આંતરિક સર્વે આધારિત હતું. કોંગ્રેસ ચૂંટણી લડી રહી હોય તેવી બેઠકો ઘટવાનું કારણ એ છે કે ઘણા રાજ્યોમાં તેણે ગઠબંધન કર્યું છે. જેમ કે રાજસ્થાનમાં આરએલપી અને સીપીએમને, મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને અને હરિયાણામાં આમ આદમી પાર્ટી (‘આપ’)ને. આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં પણ કોંગ્રેસ ડાબેરી સાથી પક્ષોને બેઠકો ફાળવી શકે છે.
2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં 67 બેઠકો પરથી ઉમેદવારો ઉતાર્યા હતા જ્યારે આ વખતે માત્ર 17 બેઠકો ઉપર જ કોંગ્રેસના ઉમેદવાર હશે. રાજસ્થાનમાં ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે કોઈ પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવાનું ટાળ્યા બાદ હવે લોકસભા ચૂંટણીમાં તેણે બે બેઠક સાથી પક્ષોને ફાળવી છે. ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે ‘આપ’ સાથે હાથ મિલાવ્યા છે. આથી તેણે બે બેઠકો ‘આપ’ને ફાળવવી પડી છે.
ગણતરીપૂર્વકનો નિર્ણય?
કોંગ્રેસના એક સિનિયર સ્ટ્રેટેજિસ્ટના જણાવ્યા અનુસાર મજબૂત બેઠકો પર ધ્યાન કેન્દ્રીત થઇ શકે અને અને મર્યાદિત સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકવાના હેતુથી સભાનપણે અને ગણતરીપૂર્વક આ નિર્ણય લેવાયો છે. તમે કેટલી બેઠકો પરથી ચૂંટણી લડો છો તે અગત્યનું નથી પણ કેટલી બેઠકો જીતો છો તે અગત્યનું છે. વળી, જ્યાં અમારું સંગઠન નબળું હોય તેવી બેઠકો પ્રાદેશિક સાથી પક્ષને ફાળવવાના બદલે અમે ત્યાંથી ચૂંટણી લડીએ તેનો કોઇ અર્થ નથી.
જોકે કોંગ્રેસના બીજા વર્ગનો મત છે કે અમારો પક્ષ સહયોગી પક્ષોના દબાણ સામે વધારે પડતો ઝૂકી રહ્યો છે. કર્ણાટક અને તેલંગણની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ ભાજપના નહીં, પણ પ્રાદેશિક પક્ષોના વોટ શેરમાં ગાબડું પાડીને જ જીતી હતી. આથી લોકસભાની ચૂંટણીમાં પણ પક્ષે તેવી જ આક્રમકતા સાથે આગળ વધવાની જરૂર હતી.
ચૂંટણી ઢંઢેરામાં પાંચ ન્યાય 25 ગેરંટી
કોંગ્રેસે શુક્રવારે 48 પાનાનું ઘોષણાપત્ર જારી કર્યું છે. કોંગ્રેસ વડામથકે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે અને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પી. ચિદમ્બરમે પાંચ ન્યાય અને 25 ગેરંટીની જાહેરાત કરી હતી. ઘોષણાપત્રમાં પાંચ પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે. તેમાં દૈનિક લઘુતમ મજૂરી રૂ. 400 કરવાની, 40 લાખ સરકારી નોકરી, ગરીબ પરિવારની મહિલાને વાર્ષિક રૂ. 1 લાખની રોકડ, તાલીમ માટે રૂ. 1 લાખની મદદ અને શહેરી રોજગાર ગેરંટી સ્કીમનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં યુવાનો, મહિલા, શ્રમિકો અને ખેડૂતો પર ખાસ ધ્યાન આપ્યું છે. તે તમામ વર્ગ માટે અલગ અલગ યોજનાઓની જાહેરાત કરી છે. પક્ષનું ઘોષણાપત્ર વર્ક (રોજગાર), વેલ્થ (આવક) અને વેલફેર(સરકારી યોજનાના લાભ) પર આધારિત છે. એમએસપી મુદ્દે કાયદો ઘડવાની તેમ જ જાતિગત વસતી ગણતરીનો પણ ઉલ્લેખ છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે અમલી કરેલી ચિરંજીવી યોજનાની જેમ જ રૂપિયા 25 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર માટે કેશલેસ વીમા યોજનાને અમલી કરવા પણ વચન અપાયું છે.