નવી દિલ્હીઃ અમેરિકાની ગ્લોબલ લીડર અપ્રૂવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા જાહેર કરાયેલી વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદીમાં નરેન્દ્ર મોદી ટોચના ક્રમે છે. મોદીને સૌથી વધારે 77 ટકા અપ્રૂવલ રેટિંગ મળ્યું છે. 13 દેશના નેતાઓના જાહેર કરાયેલા રેટિંગમાં મોદી સૌથી ટોચ પર છે. તેમણે અમેરિકાના જો બાઈડેન અને બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પણ પાછળ છોડી દીધા છે. આમ ફરી એક વાર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય અને કદાવર નેતા જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના જેવી વૈશ્વિક મહામારીને ડામવામાં મોદી દ્વારા જે મહેનત કરાઈ અને રશિયા અને યૂક્રેન વચ્ચેના વિશ્વ યુદ્ધ જેવા મામલે વિશ્વના નેતાઓ હાંફી ગયા છે ત્યાં વડા પ્રધાન મોદીના પ્રયત્નોને વિશ્વ બિરદાવી રહ્યું છે.
મોદીની લોકપ્રિયતા ચરમસીમાએ
રિસર્ચ કંપનીએ વિશ્વના ટોચના 13 નેતાઓની લોકપ્રિયતાનો સર્વે કર્યો હતો જેમાં 77 ટકા અપ્રૂવલ રેટિંગ સાથે મોદી સૌથી મોખરે હતા. મોદીની લોકપ્રિયતા દુનિયામાં ચરમસીમાએ પહોંચી છે. મેક્સિકોના એન્ડ્રેસ એન્યુલ લોપેઝ ઓબ્રેડોર 63 ટકા સાથે રેટિંગમાં બીજા નંબરે છે. ઇટાલીના મારિયા દ્રાધી 54 ટકા સાથે ત્રીજા ક્રમે અને જાપાનના ફૂમિયો કિશિદા 45 ટકા સાથે ચોથા ક્રમે છે. મોદીની ડીસએપ્રૂવલ રેટિંગ સૌથી ઓછી એટલે કે 17 ટકા જ છે. મોદી જાન્યુઆરી 2020થી માર્ચ 2022 સુધી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા રહ્યા છે. તાજેતરનું રેટિગ 9થી 15 માર્ચ 2022 સુધીના સુધીના આંકડાઓને આધારે નક્કી કરાયું છે.
પ્રમુખ બાઇડેનની લોકપ્રિયતા ઘટી
અમેરિકામાં કોરોનાના કહેર અને સૌથી વધારે મૃત્યુ પછી તેમજ અફઘાનિસ્તાનમાંથી યુએસની સેનાને પાછી બોલાવી લીધા પછી યુએસ પ્રેસિડન્ટ જો બાઈડેનનું રેટિંગ ઘટ્યું હતું. તેની લોકપ્રિયતામાં ઘટાડો નોંધાયો છે.
બે વર્ષમાં મોદીનું રેટિંગ ઉચ્ચ સ્તરે
છેલ્લા બે વર્ષમાં મોદીનું અપ્રૂવલ રેટિંગ 84 ટકાના ઉચ્ચ સ્તરે હતું. દેશમાં કોરોનાની બીજી લહેરમાં તેમનું અપ્રૂવલ રેટિંગ 7મી મે 2021ના રોજ ઓછામાં ઓછું હતું. જે અન્ય નેતાઓની સરખામણીમાં વધુમાં વધુ હતું. કેનેડામાં પીએમ જસ્ટિન ટ્રુડોનું રેટિંગ 42 ટકા અને અમેરિકામાં પ્રેસિડન્ટ બાઇડેનનું રેટિંગ 41 ટકા હતું. આમ તેઓ ક્રમશઃ છઠ્ઠા અને સાતમા ક્રમે હતા. 33 ટકા સાથે બ્રિટનના જ્હોન્સન સૌથી નીચલા ક્રમે હતા.