નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 અત્યાર સુધીની ચૂંટણીઓમાં 1951-52 પછીની બીજા નંબરની સૌથી લાંબી ચૂંટણી હશે. આ વખતની ચૂંટણી 44 દિવસ ચાલશે. જ્યારે 1951-52ની ચૂંટણી ચાર મહિનાથી વધારે ચાલી હતી. જ્યારે દેશમાં સૌથી ટૂંકી ચૂંટણી 1980માં યોજાઇ હતી. આ ચૂંટણી ફક્ત ચાર જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. તે વખતે ઇન્દિરા ગાંધીએ સત્તા પર પુનરાગમન કર્યું હતું. આ વખતે ચૂંટણી જાહેર થઈ ત્યારથી ચૂંટણી પૂરી થવાના દિવસો ગણીએ તો કુલ 82 દિવસ થાય છે. લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને 19મી એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે અને પહેલી જુને સાતમા તથા અંતિમ તબક્કાનું મતદાન થશે. ચોથી જૂને પરિણામ જાહેર થશે.
દેશની સૌપ્રથમ સામાન્ય ચૂંટણી 25 ઓક્ટોબર 1951થી ફેબ્રુઆરી 1952 વચ્ચે યોજાઈ હતી. આમ દેશની પ્રથમ ચૂંટણી તે દેશની સૌથી લાંબી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં દેશના કુલ 25 રાજ્યોમાં 401 મતવિસ્તારોમાં 489 બેઠક માટે મતદાન થયું હતું. પરિવહનની તકલીફના લીધે આ ચૂંટણી 68 તબક્કામાં યોજાઈ હતી. મોટાભાગનું મતદાન 1952ના પ્રારંભમાં થયું હતું. હિમાચલમાં 1951માં મતદાન થયું હતું, કારણ કે ત્યાં ફેબ્રુઆરી અને માર્ચમાં હવામાન વિપરીત હતું. જમ્મુ-કાશ્મીર સિવાય બાકીના રાજ્યોએ 1951-52માં મતદાન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં 1967 સુધી લોકસભા ચૂંટણી જ યોજાઈ ન હતી.
1962થી 1989 દરમિયાન લોકસભા ચૂંટણીનો સમયગાળો ચારથી દસ દિવસનો હતો. સૌથી ટૂંકી ચૂંટણી ત્રીજી જાન્યુઆરી 1980થી છઠ્ઠી જાન્યુઆરી 1980 દરમિયાન યોજાઈ હતી. તે વખતે સમગ્ર ભારતમાં ચાર જ દિવસમાં ચૂંટણી પૂરી થઈ ગઈ હતી. ઇન્દિરા ગાંધી આ જ ચૂંટણી જીતીને સત્તા પર પરત ફર્યા હતાં.
વર્ષ 2004માં લોકસભા ચૂંટણી ચાર તબક્કામાં યોજાઈ હતી અને 21 દિવસમાં પૂરી થઈ હતી. 2009માં લોકસભા ચૂંટણી પાંચ તબક્કામાં યોજાઈ હતી અને આ પ્રક્રિયા મહિનો ચાલી હતી. વર્ષ 2009માં ચૂંટણી નવ તબક્કામાં યોજાઈ હતી અને 36 દિવસ ચાલી હતી.