અમદાવાદઃ ભાવનગર પાસે આવેલા ઐતિહાસિક બંદર ઘોઘાથી સામે છેડે આવેલા દહેજ વચ્ચેની ફેરી સર્વિસે ગુજરાતના જળમાર્ગ ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેર્યું છે. દરિયા સાથે ગુજરાતનો સહસ્ત્રાબ્દી જૂનો સબંધ છે. ૧૬૦૦ કિલોમીટર કરતાં વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત રાજ્ય અનેક દેશો સાથે દરિયાઈ વેપાર-વ્યવહાર ધરાવે છે. જોકે બે સ્થળો વચ્ચેનું અંતર ઓછું થાય એ પ્રકારના જળમાર્ગનો હવે પ્રથમ પ્રયોગ ઘોઘા-દહેજ વચ્ચે શરૂ થઈ રહ્યો છે.
બ્રિટિશરોએ પહેલેથી જ ઘોઘાનું મહત્ત્વ પારખીને બંદર તરીકે વિકસાવવાની શરૂઆત કરી હતી. ઘોઘાથી લઈને ખંભાત, સુરત અને છેક મુંબઈ સુધી આગબોટની સફર થતી હતી. આ આગબોટ સફર ૧૮૫૨થી ૧૮૬૫ સુધી એટલે કે દોઢસો વર્ષ પહેલા સુધી ચાલુ હતી. તે વેળા આગબોટનો જ યુગ હતો, માટે એ વાહનો ઘોઘાથી મહત્ત્વના બંદરો વચ્ચે ચાલતા હતા.
અંગ્રેજોએ ગુજરાતના નાના બંદરોનું મહત્ત્વ પારખીને બરાબર ૨૦૦ વર્ષ પહેલા ૧૮૧૭માં ઘોઘા અને ધોલેરા પર વિશેષ ધ્યાન આપ્યું હતું. જોવાની વાત એ છે કે બે સદી પછી પણ આ બન્ને બંદરો વિકસિત બની શક્યા નથી. તેમની ગણતરી પછાત બંદર તરીકે થાય છે. એ વખતે ૧૮૧૭માં આ બન્ને બંદરો પર વેપારવણજ ફૂલેફાલે એ માટે માલ પર લેવાતી જકાત કાઢી નાખવામાં આવી હતી.
ધોલેરા બંદરેથી કચ્છ અને ગુજરાતની ચીજવસ્તુઓની નિકાસ થતી હતી. તો ઘોઘા બંદરનો મુખ્ય ઉપયોગ અફીણની નિકાસ કરવા માટે થતો હતો. માળવામાં પેદા થતું અફીણ કપડવંજ-લુણાવાડા થઈને ઘોઘા પહોંચતુ હતું. અહીંથી જહાજોમાં ભરીને તેને ચીન મોકલવામાં આવતું હતું. ચીની પ્રજા સતત અફીણના ઘેનમાં મસ્ત રહે એટલા માટે અંગ્રેજો ત્યાં અફીણની ખેતી કરાવતા હતા અને પરદેશથી પણ સતત અફીણ ઠાલવી ચીનને ઘેનમાં રાખતા હતા. આજનું મદમસ્ત બનેલું ચીન ૧૯મી સદીના મધ્ય ભાગ સુધી બ્રિટિશરોના તાબામાં હતું અને ઘણીખરી પ્રજા અફીણને કારણે પાયમાલ થઈ હતી.
૧૮૩૧થી લઈને ૧૮૪૬ સુધીના પાંચ વર્ષમાં ઘોઘા બંદરેથી ૧૪ લાખ રૂપિયાના મૂલ્યની ૧૪૦૦ પેટી અફીણની નિકાસ પામી હતી. એ જમાના પ્રમાણે એ આંક ઘણો મોટો હતો. ઘોઘાથી નિકાસ પામતી બીજી મહત્ત્વની ચીજ કાશ્મીરી શાલ હતી. ૧૮૩૪થી લઈને ૧૮૪૬ સુધીના દસકા કરતાં પણ વધુ સમયગાળામાં ઘોઘાના કાંઠેથી ૧૦ લાખ રૂપિયાની મૂલ્યની શાલની નિકાસ કરવામાં આવી હતી.
ઘોઘાની બંદર સમૃદ્ધિનો ઉલ્લેખ કરતી કહેવત 'લંકાની લાડીને ઘોઘાનો વર' પણ ગુજરાતી સાહિત્યમાં અમર સ્થાન ધરાવે છે. આ કહેવતનો મતલબ એવો કરી શકાય કે એક સમયે ઘોઘાથી છેક લંકા એટલે કે શ્રીલંકા સુધી જહાજી વ્યવહાર ચાલતો હશે. ૭૦૦ વર્ષ પહેલા ૧૩૪૨માં આરબ પ્રવાસી ઈબ્ન બતુતા પણ ઘોઘા આવ્યા હતા અને તેનું વર્ણન પોતાની પ્રવાસ-નોંધમાં કર્યું હતુ.
૧૮૮૦માં ભાવનગર રાજ્યે રેલવે લાઈન શરૂ કરી અને ભાવગર સુધી પાટા નંખાયા પછી ઘોઘાનું મહત્ત્વ ઘટતું ગયું. એ પહેલા તો ઘોઘાના કાંઠે ૫૦થી માંડીને ૨૫૦ ટન સુધીના જહાજો પણ બંધાતા હતા. હવે ફેરી સર્વિસ શરૂ થઇ છે અને કાયમી ચાલુ રહેશે તો સવા સદી કરતાં વધુ સમય પછી ફરીથી આ બંદરની રોનક આવશે.
અમેરિકી ગૃહયુદ્ધથી ઘોઘાનો વેપાર વધ્યો
એક સમયે બ્રિટન અને યુરોપના અન્ય દેશો કપાસની આયાત અમેરિકાથી કરતાં હતા. પણ ૧૮૬૨થી ૧૮૬૫ સુધી ચાલેલા અમેરિકી ગૃહયુદ્ધને કારણે અમેરિકામાં કપાસનું ઉત્પાદન ખાડે ગયું હતું. એ વખતે ભારતના કપાસની ડિમાન્ડ વધી હતી. આ કપાસની મોટેપાયે નિકાસ ઘોઘા બંદરેથી થતી હતી. એ યુદ્ધ સમાપ્ત થયા પછી ફરીથી ઘોઘા ખાતેથી થતી કપાસની નિકાસમાં મંદી આવી હતી. જોકે તો પણ ઘોઘાથી એ વખતે ૧,૭૬૦ ટન કપાસ પરદેશ પહોંચ્યુ હતું.
એક સમયે ગોહિલોની રાજધાની
ઘોઘા એક સમયે ગોહિલોની રાજધાની પણ હતું. ભાવનગર રાજ્ય સ્થિર થયું એ પહેલા ગોહિલ રાજવીઓએ વિવિધ સ્થળોએ રાજધાની બદલાવી હતી. ગંભીરસિંહ ગોહિલે પોતાના ગ્રંથ ‘પ્રજાવત્સલ રાજવી’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ઘોઘા ખરેખર પછાત રહી ગયું તેની ચાડી તેની વસતી પણ ખાય છે.
૧૮૭૨માં થયેલી ગણતરી પ્રમાણે ઘોઘાની વસતી ૯૫૭૧ હતી. સવા સદી કરતા વધુ સમય પછી ૨૦૧૧ની છેલ્લી ગણતરી પ્રમાણે ઘોઘાની વસતી માત્ર ૧૨,૨૦૮ જ છે. ગુજરાતના અનેક શહેરોની વસતી પાંચથી પંદર ગણી વધી ગઈ છે, જ્યારે સતત ઉપેક્ષાનો ભોગ બનેલા ઘોઘાની વસતીમાં વીસેક ટકા જેવો નામનો જ વધારો
થયો છે.
પાંચ દાયકા અગાઉ પેસેન્જર ફેરી સર્વિસ હતી
પાંચ દાયકા અગાઉ ભરૂચમાં રહેતા ધનાઢ્ય ધનસુખભાઈ શેઠ દ્વારા જીરાવાલા ટ્રાન્સપોર્ટના નામથી ઘોઘા-દહેજ વચ્ચે ફેરી સર્વિસ ચલાવવામાં આવતી હતી. સમય જતા ઘોઘા સાથેનો વ્યાપાર ઓછો થઈ જતા પૂરતા પેસેન્જર મળતા બંધ થઈ ગયા અને ફેરી સર્વિસ બંધ કરવામાં આવી હતી.