નવી દિલ્હીઃ પહેલગામ આતંકી હુમલાના પગલે વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવીને મંગળવારે જ મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. આ પૂર્વે વડાપ્રધાને એક્સ પર ટ્વીટ કરતાં દોષિતોને બક્ષવામાં નહીં આવે તેવો દૃઢ નિર્ધા વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. દોષિતોને બક્ષવામાં નહિ આવે. આતંકવાદીઓના એજન્ડા સફળ નહીં થાય. આતંકવાદ સાથે લડવાનો અમારે સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.’
• નિર્દોષ લોકો પરનો હુમલો બર્બર ને અમાનવીય હતો અને તેની સખત નિંદા થવી જોઈએ. નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓ પર હુમલો શરમજનક, આઘાતપૂર્ણ ને અક્ષમ્ય છે. - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
• કાશ્મીરથી ભારે વિચલિત કરનારા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન મોદી, અને ભારતના લોકોને મજબૂત સાથ અને ઊંડી સહાનુભૂતિ છે. ત્રાસવાદ મુદ્દે યુનાઈટેડ સ્ટેટ્સ મજબૂતાઈ સાથે ભારતની પડખે છે. જાન ગુમાવનારાઓના આત્મા માટે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. અમારું હૃદય તમારી સાથે છે. - યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
• ઉષા અને હું ભારતના પહેલગામમાં કરાયેલા વિનાશક આતંકી હુમલાના પીડિતોને અમારી દિલસોજી પાઠવીએ છીએ. ગત થોડા દિવસોમાં આ દેશ અને તેના લોકોની અભૂતપૂર્વ સુંદરતાથી અમે જીતાઈ ગયા છીએ. લોકો આ ઘૃણાસ્પદ હુમલાથી શોકાકુલ છે ત્યારે અમારા વિચાર અને પ્રાર્થના તેમની સાથે છે. - યુએસ વાઈસ પ્રેસિડેન્ટ વેન્સ
• આ ઘૃણાસ્પદ અપરાધને કોઈ પણ રીતે વાજબી ઠરાવી શકાય નહિ. પહેલગામમાં આતંકવાદી હુમલાના કરુણ પરિણામો અંગે અમારી દિલસોજી સ્વીકારશો. હુમલાના કાવતરાખોરો અને અંજામ આપનારાને યોગ્ય સજાનો સામનો કરવો પડે તેવી આશા છે. આતંકવાદના તમામ પ્રકાર ને સ્વરૂપમાં સામનો કરવા ભારતીય પાર્ટનર્સ સાથે સહકાર વધારવાની અમારી પ્રતિબદ્ધતાનો હું પુનરુચ્ચાર કરું છું. - રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન
• પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુઃખ થયું. નિર્દોષ નાગરિકો પરનો આ ક્રૂર હુમલો કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય કૃત્ય છે. - સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
• હું પહેલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલાની નિંદા કરું છું. પીડિતોના પરિવારો સાથે અમારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા પ્રાર્થના કરું છું. - વિદેશમંત્રી એસ. જયશંકર
• આ આતંકવાદી હુમલો તેની ક્રૂર અને અત્યંત ગંભીર છે. આ ઘટના તાજેતરના વર્ષોમાં નાગરિકો પર મોટો હુમલો છે. - જમ્મુકાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા
• જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના પહેલગામ વિસ્તારમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુઃખી છું. આ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે, અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું. - પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી
• જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા નાપાક આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના મોત અને ઘણા ઘાયલ થવાના સમાચાર અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી આશા રાખું છું. આતંકવાદ સામે આખો દેશ એક છે. જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે જવાબદારી લેવી જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓ ન બને અને નિર્દોષ ભારતીયો આ રીતે પોતાનો જીવ ન ગુમાવે. - સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી