સિંગાપોરઃ વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા ટોચના ૧૦૦ ધનાઢય ભારતીયોની યાદી જાહેર થઇ છે, જેમાં રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી સતત નવમા વર્ષે ટોચના ક્રમે રહ્યા છે. તેમની સંપત્તિ આ વર્ષે ૨૬ હજાર કરોડ રૂપિયા વધીને ૨૨.૭ બિલિયન ડોલર થઈ છે. સન ફાર્માના દિલીપ સંઘવીએ ૧૬.૯ બિલિયન ડોલરની નેટ સંપત્તિ સાથે યાદીમાં બીજા સ્થાને છે. જ્યારે હિન્દુજા પરિવાર વિપ્રોના અઝીમ પ્રેમજીને પાછળ રાખીને ૧૫.૨ બિલિયલ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. યાદીમાં ૧૫ બિલિયન ડોલરની સંપત્તિ સાથે અઝીમ પ્રેમજી એક ક્રમ ઉતરીને ચોથા ક્રમે રહ્યા છે. આ યાદીમાં સૌથી આશ્ચર્યજનક નામ આચાર્ય બાલકૃષ્ણનું છે. યોગગુરૂ રામદેવના નિકટવર્તી આચાર્ય બાલક્રિશ્ન ૨.૫ બિલિયનની સંપત્તિ સાથે યાદીમાં ૪૮મા ક્રમે છે. આચાર્ય બાલક્રિશ્ન પતંજલિ આયુર્વેદમાં ૯૭ ટકા શેરહોલ્ડિંગ ધરાવે છે.
પતંજલિ કંપની દર વર્ષે ૭૮ કરોડ ડોલરની આવક રળે છે. બાબા રામદેવ કંપનીમાં શેરહિસ્સો નથી ધરાવતા, પરંતુ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. કંપની બાલક્રિશ્ન જ ઓપરેટ કરે છે. કંપની વિદેશોમાં પાંચ હજાર આયુર્વેદિક ક્લિનિક ધરાવે છે. કંપની પતંજલિ યુનિવર્સિટી અને આયુર્વેદિક રિસર્ચ ઈન્સ્ટિટ્યુટનું સંચાલન પણ કરે છે.
‘ફોર્બ્સ’ લિસ્ટમાં અનિલ અંબાણી ૩.૪ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ૩૨મા ક્રમે રહ્યા છે. ગયા વર્ષે તેઓ યાદીમાં ૨૯મા ક્રમે હતા. આ વર્ષે યાદીમાં સ્થાન મેળવવા માટે લઘુત્તમ ૧.૨૫ બિલિયન ડોલરની સંપત્તિ આવશ્યક હોવાથી સચિન તેંડુલકર અને બિન્ની બંસલ યાદીમાં સ્થાન પામી શક્યા નથી.
ગુજ્જુ ધનકુબેરની કુલ નેટવર્થ ૧૪૬ બિલિયન ડોલર
‘ફોર્બ્સ’ની યાદીમાં ગુજ્જુ સાહસિકોનો દબદબો બરકરાર છે. ગુજરાતી મૂળના ધનકુબેરોની સંખ્યા ૧૮ની છે. અઝીમ પ્રેમજી, પાલોનજી મિસ્ત્રી, ગોદરેજ ફેમિલી, સાયપ્રસ પૂનાવાલા, યુસુફ હમીદ તેમજ દેવેન્દ્ર જૈન જેવા નામોના ગુજરાત કનેક્શનને ધ્યાનમાં લઈ તો આ આંકડો ૨૪નો થવા જાય છે. ૧૦૦ ધનકુબેરની નેટવર્થ ૩૮૧ બિલિયન કે રૂ. ૨૫.૫ લાખ કરોડ થવા જાય છે જેમાં ૧૮ ગુજ્જુ ધનપતિઓનો હિસ્સો ૯૨.૬ બિલિયન ડોલર કે ૨૪.૩ ટકા બેસે છે. ગુજ્જુ કનેક્શનવાળા બાકીના છ ને ગણતરીમાં લઈ તો ૨૪ ગુજ્જુ ધનકુબેરની નેટવર્થ ૧૪૬.૬૪ બિલિયન ડોલર કે ૯.૮૧ લાખ કરોડ રૂપિયા આવે છે.