શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ‘મિની સ્વિત્ઝર્લેન્ડ’ તરીકે જાણીતા પહલગામમાં મંગળવારે બપોરે થયેલા ભીષણ આતંકી હુમલામાં 26 નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 12ને ગંભીર ઇજા થઇ છે. મૃતકોમાંથી મોટા ભાગના સહેલાણી છે. આતંકીઓએ લોકોને ધર્મ પૂછીને ગોળી મારી હતી. આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ લીધી છે. રાજ્યમાંથી કલમ 370 હટાવ્યા બાદ પહેલો સૌથી મોટો હુમલો છે.
મૃતકોમાં સુરતના શૈલેષ હિંમતભાઇ કળથિયા ઉપરાંત બે વિદેશી પર્યટકો, બે સ્થાનિક નાગરિકો અને એક યુવા નેવી ઓફિસરનો સમાવેશ થાય છે. શૈલેષભાઇના માતા-પિતા સહિતનો પરિવાર હજુ લાપતા છે. ભાવનગરથી કુલ 20 ગુજરાતી મોરારિબાપુની કથા સાંભળવા પહલગામ ગયા હતા. આ ઘટના પછી મોરારિબાપુએ રામકથા ટૂંકાવી દીધી છે અને વિરામ આપ્યો છે. આતંકીઓ અનંતનાગ જિલ્લામાં આવેલા પહેલગામની બૈસરન ખીણમાં આવેલા રિસોર્ટ પર ત્રાટક્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકી હુમલાની જાણ થતાં જ સુરક્ષા દળોનો કાફલો દોડી ગયો હતો, અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
વડાપ્રધાને વિદેશ પ્રવાસ ટૂંકાવ્યો
આતંકી હુમલાની ઘટનાના પગલે વડાપ્રધાન મોદી તેમનો બે દિવસનો સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે જ રદ કરીને ભારત પરત ફર્યા છે. તેમણે કહ્યું હતું કે આ ઘટનાના જવાબદારો સામે આકરી કાર્યવાહી કરાશે. વડાપ્રધાન મોદી આજે મંગળવારે સવારે જ બે દિવસના પ્રવાસે સાઉદી અરેબિયાની રાજધાની જેદાહ પહોંચ્યા હતા. (વિશેષ અહેવાલ - પાન 17)