લખનઉ: ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)એ ધર્માંતરણ કરાવતી એક ગેંગને ઝડપી લઇને હિન્દુઓને મુસ્લિમ બનાવવાના વિશાળ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી ધર્માંતરણનો ભોગ બનેલાઓની યાદી પણ મળી છે, જેના પરથી ખ્યાલ આવે છે કે તેમણે ૧૦૦૦થી વધુ લોકોને શિકાર બનાવ્યા છે, અને ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ તેમનું નેટવર્ક ફેલાયેલું હતું. આ ગેંગ ખાસ તો ગરીબ, મૂકબધિર, મહિલાઓ અને બાળકોને નિશાન બનાવીને તેમને મુસલમાન બનાવવાની ઝુંબેશ વર્ષોથી ચલાવી રહી હતી. મોટાભાગનાને લગ્ન, નોકરી અને પૈસાની લાલચ આપીને ધર્માંતરણ કરાવતાં હતા. આ ગેંગને વિદેશમાંથી આર્થિક સહાય પણ મળતી હતી, જેમાં પાકિસ્તાન સ્થિત ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ દ્વારા મળતા ભંડોળનો પણ સમાવેશ થાય છે.
પોલીસે આ કેસમાં મૌલાના જહાંગીર અને મૌલાના મોહમ્મદ ઉમર ગૌતમની ધરપકડ કરી છે. આ લોકો ઇસ્લામ ધર્મ અપનાવ્યા પછી તથા નિકાહ વગેરેનું પ્રમાણપત્ર દિલ્હીના મુફ્તી દ્વારા અપાતું હતું. મોહમ્મદ ઉમર ગૌતમ પણ પહેલા હિંદુ હતો. બાદમાં તેણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. દિલ્હીના ડાસના મંદિરના પૂજારી પર હુમલો કરવાના ષડયંત્રમાં ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. તેમની પૂછપરછમાં ધર્માંતરણ કરાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો.
વર્ષે ૨૫૦થી ૩૦૦નું ધર્માંતરણ
એટીએસના જણાવ્યા મુજબ આ ગેંગ એક વર્ષમાં ૨૫૦થી ૩૦૦ લોકોનું ધર્માંતરણ કરાવીને મુસ્લિમ બનાવતી હતી. મૌલાના જહાંગીર અને ઉમર પાસેથી ધર્માંતરણના શિકાર થયેલા ૧૦૦૦ મહિલા અને બાળકોની યાદી પણ મળી છે. આરોપીઓ પાસેથી મળેલી આ યાદી ઉપરાંત અન્ય પુરાવાઓ દર્શાવે છે કે તેમનું નેટવર્ક ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હતું.
આ રેકેટ છેલ્લા બે વર્ષથી નોઇડા, કાનપુર, મથુરા, વારાણસી વગેરે જિલ્લાઓમાં ચાલી રહ્યું હતું. અત્યાર સુધીમાં આ બંનેએ ૧૦૦૦ હિન્દુઓનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. એક મૂક-બધિર બાળકે પોતાના વડીલોને વીડિયો કોલ કરીને ધર્મપરિવર્તનની માહિતી આપતાં ભાંડો ફૂટયો હતો.
મોહમ્મદ ઉમર ગૌતમે ધર્મપરિવર્તન કર્યું છે
મોહમ્મદ ઉમર ગૌતમ પોતે પણ ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ બન્યો છે. તે ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના રહેવાસી હતો. તેનું નામ શ્યામપ્રતાપસિંહ ગૌતમ હતું. એના ગામમાં કોઈ મુસ્લિમનું ઘર નથી. તે બીએસસી એગ્રીકલ્ચરની ડીગ્રી લેવા નૈનિતાલની કોલેજમાં જોડાયો અને હોસ્ટેલમાં રહી ભણતો હતો ત્યારે એક વખત તેના પગમાં વાગી ગયું. એ વખતે તેની બાજુના રૂમમાં રહેતા નાસિરખાને તેની ખૂબ મદદ કરી. તેને રોજ પોતાની સાઈકલ ઉપર દવાખાને લઈ ગયો હતો. બંનેની દોસ્તી ગાઢ બનતાં ગૌતમે કુરાનનો અને ઈસ્લામનો અભ્યાસ કર્યો અને પછી ધર્મપરિવર્તન કરી લીધું.
ધર્મપરિવર્તન કર્યા પછી શ્યામપ્રતાપે મોહમ્મદ ઉમર ગૌતમ નામ ધારણ કરી દિલ્હીના જામિયા મિલિયા ઈસ્લામિયામાં ઈસ્લામિક સ્ટડી વિષયમાં એમ.એ. કર્યું હતું. પછી તે આખા જગતમાં ઠેર ઠેર ઈસ્લામ ઉપર પ્રવચનો આપવા લાગ્યો હતો. તેમને ધર્મપરિવર્તન કરાવવા બદલ વિદેશી ફંડ મળતું હતું.
આઇએસઆઇ ફંડ આપતી હતી
આ રેકેટમાં એટીએસને વિદેશી ફન્ડિંગના પણ પુરાવા મળ્યા છે. આરોપીઓને ધર્માંતરણ કરાવવા પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇ અને વિદેશોમાંથી મોટું ફંડ મળતું હતું. ધર્મપરિવર્તન માટે ઉમરે તેના સાથીદારો સાથે મળીને ઈસ્લામિક દાવા સેન્ટર નામની સંસ્થા પણ ઊભી કરી હતી. આ સંસ્થાના ઓઠા તળે બધા ગોરખધંધા ચાલતા હતા.
મહિલાઓ - બાળકો મુખ્ય નિશાન
એટીએસને પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે મોહમ્મદ ઉંમર પણ પહેલાં હિન્દુ હતો. તેના પિતાનું નામ ધનરાજસિંહ ગૌતમ છે. પોલીસને શંકા છે કે દેશમાં તેના અનેક સાથીદારો છે, જે ધર્મપરિવર્તનનું રાષ્ટ્રવ્યાપી રેકેટ ચલાવી રહ્યા છે. એટીએસના મતે તેઓ મહિલાઓ અને બાળકોને ટાર્ગેટ કરતાં. નોઈડાના સેક્ટર ૧૧૭માં નોઈડા ડેફ સોસાયટી સહિત અનેક મૂકબધિર બાળકોનું તેમણે ધર્મપરિવર્તન કરાવ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે તેમણે ૧૮ બાળકને ઈસ્લામ અંગીકાર કરાવ્યો છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર, આરોપીઓ શિકારને પોતાની જાળમાં ફસાવ્યા પછી નોકરી અને પૈસાની લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવતા હતા. જો કોઈ ના માને તો ડરાવતા, ધમકાવતા. આ સાથે તેઓ સંમેલનો યોજીને સામૂહિક ધર્મપરિવર્તન પણ કરાવતા હતા.
મુસ્લિમો સાથે પરણાવી દેતા
ફરિયાદમાં એમ પણ જણાવાયું છે કે આરોપીઓ અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ હિન્દુને મુસ્લિમ બનાવી ચૂક્યા છે. ધર્માંતરણ પછી તેમનાં લગ્ન મુસ્લિમો સાથે કરાવી દેતા હતા. આ મોડસ ઓપરેન્ડી એવી રહેતી કે પહેલાં ગરીબ વર્ગના લોકો, મહિલાઓને અલગ તારવતા હતા. બાદમાં મોહમ્મદ ઉમર અને તેના સાથીદારો સુનિયોજિત રીતે બિનમુસ્લિમોમાં તેમના ધર્મ પ્રત્યે દુર્ભાવના અને નફરત પેદા કરતા હતા. સાથે સાથે તેઓ ઈસ્લામનાં વખાણ કરીને તેના ફાયદા બતાવીને લોકોને ધર્મપરિવર્તન માટે માનસિક રીતે તૈયાર કરતા હતા. આરોપીઓ ધર્માંતરણ કરાવીને તેમનાં લગ્ન કરાવતાં હતા. બાદમાં ધર્માંતરણ અને લગ્નના દસ્તાવેજો તૈયાર કરીને ધર્મપરિવર્તનને કાયદેસરની માન્યતા અપાવતા હતા.