મુંબઈ: મહાનગરની ગગનચૂંબી ઇમારતો વચ્ચે વસેલી એશિયાની સૌથી મોટી અને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીની હવે કાયાપલટ થશે. તેની જવાબદારી અદાણી ઈન્ફ્રાને મળી છે. અદાણી ઇન્ફ્રાએ 5069 કરોડ રૂપિયાની હાઇએસ્ટ બિડ કરીને ધારાવી રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ મેળવ્યો છે. આમ તો રિડેવલપમેન્ટ પ્લાન 2004થી હાથ ધરાયો હતો, પણ હવે છેક ટેન્ડર મંજૂર થયું છે.
લોકોનું સપનું સાકાર થશે?
દેશની આર્થિક રાજધાનીના કેન્દ્રમાં આવેલાં ધારાવીના એક-એક રૂમમાં પરિવારની દુનિયા વસેલી છે. અહીં બે દીવાલો વચ્ચે ઝાઝું અંતર નથી હોતું અને આવી જ રીતે ચાર દીવાલોથી ઘેરાયલાં લોકોનાં ઘર છે. બહારની દુનિયા આને ઝૂંપડી કહે છે અને આવાં હજારો ઝૂંપડાંથી બનેલું છે ધારાવી.
40 વર્ષીય અર્ચના પવાર ધારાવીમાં દસ-બાર ફૂટના ઘરમાં રહે છે. તેમનો જન્મ ધારાવીમાં થયો ને લગ્ન પછી પણ તેઓ ધારાવીમાં જ રહે છે. અર્ચના કહે છે, ‘હું નાનપણથી સાંભળું છું કે ધારાવીમાં ઘર બનવાનાં છે, પણ આ વાતો જ ચાલે છે. આ દરમિયાન હું મોટી થઈ, મારાં લગ્ન થયાં અને હવે તો મારી પુત્રી પણ 16 વર્ષની થઈ ગઈ છે. પરંતુ ધારાવીનું રીડેવલપમેન્ટ ક્યાંય દેખાતું નથી. હવે ફરી કહે છે કે ઘર મળશે પણ ત્યાં સુધી અમારાં બાળકો અમારી ઉંમરનાં થઈ જશે. અમારાં સપનાં, સપનાં જ રહેશે.’
અર્ચનાનાં માતાપિતા ને સાસુનો પરિવાર પણ વર્ષોથી ધારાવીમાં વસે છે. અર્ચના ધારાવીમાં ભણ્યાં છે, અને તેમની પુત્રી પણ અહીં જ ભણે છે. અર્ચના કહે છે, ‘જ્યારે અમે કહીએ કે ધારાવીમાં રહીએ છીએ તો લોકો અમને જુદી નજરે જુએ છે. અમે ફક્ત તેમનું વલણ બદલવા માગીએ છીએ. અમને અન્ય લોકોની જેમ સારી, સ્વચ્છ જગ્યા જોઈએ. અમારાં બાળકો માટે સારી સ્કૂલ હોવી જોઈએ. રમવા માટે મેદાન હોવું જોઈએ. આરોગ્ય સુવિધાઓ હોવી જોઈએ. અમે અહીં જ રહેવા માગીએ છીએ.’ અર્ચના અને તેમનો પરિવાર જ નહીં, પણ તેમના જેવા દસ લાખથી વધુ લોકો 18 વર્ષથી ધારાવીના રીડેવલપમેન્ટની રાહ જોઈ રહ્યા છે. 18 વર્ષમાં ચાર વખત પ્રક્રિયા નિષ્ફળ થયા પછી આ વર્ષે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓથોરિટીએ ટેન્ડર ખોલ્યું અને અદાણી જૂથે હરાજી જીતી છે.
600 એકરમાં 60 હજાર પરિવારનો વસવાટ
ધારાવીની વસતી દસેક લાખની છે. મોટા ભાગની વસતી શ્રમિકો, ફેરિયા અને નાના વેપારીઓની છે. અંદાજે 58 હજાર પરિવાર અને 13 હજાર કોમર્શિયલ કોમ્પલેક્સ છે. 1882-83માં અંગ્રેજોએ વસાવેલા ધારાવીને ‘મુંબઈનું દિલ’ પણ કહે છે. આશરે 600 એકરમાં ફેલાયેલા ધારાવીમાં સરેરાશ એક ચોરસ કિલોમીટરમાં બે લાખથી વધુ લોકો રહે છે. 100 ચોરસ ફૂટના નાના ઝૂંપડામાં 8-10 લોકો રહે છે. કેટલીક જગ્યાએ તો ઝૂંપડામાં જ ઘર અને કારખાના બંને છે. 80 ટકા વસ્તી જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે. 2008માં આવેલી ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’નું શૂટિંગ ધારાવીમાં થયું હતું.
રૂ. 80 અબજનું ટર્નઓવર, 2.5 લાખથી વધુને રોજીરોટી
ધારાવીની રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રી 2.5 લાખથી વધુને રોજગારી આપે છે. ધારાવીમાં વર્ષેદહાડે 80 બિલિયન રૂપિયાનો વેપાર-ધંધો થાય છે. ગીચ વસ્તીને કારણે 1896માં દુનિયાભરમાં ફેલાયેલા પ્લેગ, 1986માં કોલેરા અને 2020માં કોરોના મહામારીની સમગ્ર મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર ધારાવીમાં જોવા મળી હતી.
લોકોને મળશે પાકા મકાનો
મહારાષ્ટ્ર સરકાર ઇચ્છે છે કે ધારાવીની સૌથી સારી વસ્તી તરીકે ઓળખ બને. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ 20 હજાર કરોડ રૂપિયાનો છે. જે અંતર્ગત અહીં રહેતા લોકોને 7 વર્ષ વર્ષમાં પાકા મકાનોમાં વસાવવાનું લક્ષ્ય છે. 1 જાન્યુઆરી 2000 પહેલાંથી ધારાવીમાં રહેતા હશે તેવા લોકોને વિનામૂલ્યે પાકા મકાન અપાશે, જ્યારે 2000થી 2011 દરમિયાન અહીં આવીને વસેલા લોકોએ પૈસા ચૂકવીને મકાન ખરીદવું પડશે.
ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ શું છે?
ધારાવી મુંબઈ મધ્યે 600 એકરમાં ફેલાયેલો વિસ્તાર છે. જેમાં દસ લાખથી વધુ લોકો રહે છે અને 13 હજારથી વધુ લઘુ ઉદ્યોગ ધમધમે છે. અહીં ચામડાનું મોટું બજાર છે. તો માટીનાં વાસણો બનાવનારા કુંભારો પણ વસે છે. અહીં કુંભારોનાં લગભગ અઢી હજાર ઘર છે. કપડાં તૈયાર કરવાનું અને સિવણ-એમ્બ્રોઇડરીનું કામ પણ થાય છે. ધારાવીમાં લાખો હાથ દિવસ-રાત કામ કરે છે. ઝરીકામથી લઈને સુશોભનનો સામાન તૈયાર કરવો, પ્લાસ્ટિકના સામાનથી કબાડ જેવા સેંકડો નાના-મોટા ધંધા અહીં ચાલે છે. ધારાવીનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હવે શરૂ થઈ રહ્યો છે.
ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીનિવાસ કહે છે, ‘સરકાર અમને મંજૂરી આપશે પછી માસ્ટર પ્લાન તૈયાર થશે, જેમાં કેટલા લોકોને સમાવી શકાશે, કેટલાં મકાનો હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હશે, કેટલા કોમર્શિયલ એકમો હશે - બધું જોવાશે. અમે રોકાણ માટે પણ પ્રયત્ન કરીશું. પ્રોજેક્ટને સાકાર કરવા રોકાણ જરૂરી છે.’ શ્રીનિવાસે એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટમાં 80 ટકા ખાનગી અને 20 ટકા સરકારી ભાગીદારી હશે.
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે ત્રણ ગ્રૂપ બીડ કરી હતી, જેમાંથી નમન ગ્રૂપ પહેલા જ તબક્કામાં નીકળી ગયું હતું. આ પછી સ્પર્ધામાં રહેલા અદાણી ગ્રૂપે DLFની બીડથી બે ગણી વધુ બોલી લગાવી હતી. અદાણીએ 5,069 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી જ્યારે DLFની બોલી 2,025 કરોડ હતી. સરકારે 17 વર્ષમાં ધારાવી સ્લમનું રીડેવલપમેન્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કમેન્સમેન્ટ સર્ટિફિકેટ જારી થયાનાં 7 વર્ષમાં પહેલા તબક્કાનું કામ પૂરું થવા આશા છે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે રૂ. 28,000 કરોડથી વધુ છે. આ પ્રોજેક્ટથી ધારાવીમાં રહેતા લોકોના જીવનમાં ધરમૂળથી બદલાવ આવશે.