ન્યૂ યોર્કઃ મહાનગર નજીકના મેલવિલેમાં આવેલા સુપ્રસિદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર તેમજ બહારના રસ્તા પર કેટલાક તોફાની તત્વોએ મોદીવિરોધી સૂત્રો લખતાં ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાના ફૂટેજ વાઇરલ થયા છે. ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી આ ચિતરામણ પાછળ ખાલિસ્તાની સમર્થક તત્વોનો હાથ હોવાનું મનાય છે.
ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ ઘટના અંગે ઉચ્ચ સત્તાધિશોનું ધ્યાન દોરીને ધિક્કાર અને નફરત પ્રેરતા આ કૃત્ય સામે નારાજગી અને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. સાથે સાથે જ આ ઘટનામાં સંડોવાયેલા જવાબદાર તત્વોને ઝબ્બે કરી આકરાં પગલાં લેવા માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે શનિવાર - 21 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ‘ક્વાડ’ બેઠકમાં હાજરી આપવા ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે આવી રહ્યા છે. અમેરિકા પ્રવાસ દરમિયાન બીજા દિવસ - રવિવારે તેઓ મેલવિલે નજીક આવેલા નસાઉમાં ભારતીય સમુદાયના કાર્યક્રમને સંબોધવાના છે.
મેલવિલે લોંગ આઇલેન્ડના સફોક કાઉન્ટીમાં આવેલું છે અને ભારતીય સમુદાયનો કાર્યક્રમ ‘મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ જ્યાં યોજાવાનો છે તે નસાઉ વેટરન્સ મેમોરિયલ કોલેઝિયમથી આશરે 28 કિલોમીટરના અંતરે આવેલું છે. આવતા રવિવારે આ સ્થળે જ વડાપ્રધાન મોદી ભારતીયોને સંબોધવાના છે. આમ કાર્યક્રમ સ્થળથી થોડાક અંતરે જ આ ઘટના બની હોવાથી ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓથી લઇને ભારતીય સંગઠનોના પદાધિકારીઓ ચિંતિત છે.
નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને લઈને ભારતીયોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે. આ વાતનો અંદાજ એના પરથી મળે છે કે મોદીને સાંભળવા માટે અત્યાર સુધીમાં 24 હજારથી વધુ ભારતીયોએ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે, જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 15 હજાર છે.
ન્યૂ યોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટે કહ્યું હતું કે અમે અમેરિકન લો એન્ફોર્સમેન્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને આ કૃત્યમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ભારતીય કોન્સ્યુલેટે X પર ટ્વિટ કર્યું હતું, ‘ન્યૂ યોર્કના મેલવિલ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાને સાંખી નહીં લેવાય.’
બીજી તરફ, આ ઘટના સંદર્ભે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને માગ કરી છે કે હોમલેન્ડ સિક્યોરિટીએ આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને (એચએએફ)એ જણાવ્યું હતું જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે આ હુમલાની તપાસ કરવી જોઈએ, કારણ કે હાલમાં જ હિન્દુ સંસ્થાઓને ધમકીઓ મળી છે અને આ સપ્તાહના અંતમાં નજીકની નસાઉ કાઉન્ટીમાં ઇંડિયન કોમ્યુનિટી દ્વારા એક મોટા કાર્યક્રમનું આયોજન થયું છે.
એચએએફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુહાગ શુક્લાએ X પર લખ્યું હતું કે કોઇ વ્યક્તિ એટલી હદે કાયર કઇ રીતે હોઈ શકે કે જે ચૂંટાયેલા નેતા સામે ધિક્કાર વ્યક્ત કરવા માટે હિન્દુ મંદિર પર હુમલો કરવા જેવું કૃત્ય આચરે. હિન્દુ સમુદાય અને ભારતીય સંસ્થાઓને તાજેતરમાં જ ધમકીઓ આપવામાં આવી છે ત્યારે આ હુમલાને પણ એ જ સંદર્ભમાં જોવો જોઈએ.
નોંધનીય છે કે વર્ષના પ્રારંભે ગયા જાન્યુઆરીમાં કેલિફોર્નિયામાં પણ એક મંદિરની દિવાલો પર પણ આવું જ ચિતરામણ કરાયું હતું. તે વેળા ખાલિસ્તાન સમર્થક તોફાની તત્વોએ હેવર્ડના વિજય શેરાવલી મંદિરમાં ભારતવિરોધી સુત્રો લખ્યા હતા. ખાલિસ્તાનીઓએ તે સમયે પણ મંદિરની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દો લખ્યા હતા તો ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ જેવા નારા પણ લખેલા જોવા મળ્યા હતા. આ પૂર્વે 23 ડિસેમ્બર 2023ના રોજ નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના બની હતી. આ અંગે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે મેં આ સમાચાર જોયા છે. અમે આ અંગે ચિંતિત છીએ. ભારત બહારના ઉગ્રવાદીઓ અને અલગતાવાદી તાકાતોને સ્થાન ન મળવું જોઈએ. અમે યુએસ સત્તાધિશો સમક્ષ ફરિયાદ નોંધાવી છે. અમને આશા છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.