ત્રણ વિધાનસભા ચૂંટણીઓ અને બે રાષ્ટ્રીય ચૂંટણીઓમાં વિજય અને પણ અભૂતપૂર્વ બહુમતી સાથે હાંસલ કરવો તે મોટા ભાગના રાજકારણીઓ માટે સ્વપ્ન સમાન જ હોય. સતત ઘોંઘાટ કરતા વર્ગો અને વિરોધીઓ નામોનિશાન મિટાવવા કુપ્રચાર સાથે જેની પાછળ પડી ગયા હોય, જે વ્યક્તિને સરમુખત્યાર અને ફાસીવાદીનું લેબલ લગાવી દેવાયું હોય. આમ છતાં, આ ‘ફાસિસ્ટ’ ૯૦૦ મિલિયન જેવી ગણી ન શકાય તેવી વિશાળ સંખ્યામાં લોકશાહીની ચકાસણીમાં પોતાની જાતને સતત સુપરત કરતો હોય તેને શું કહેવાય!
એવું પણ નથી કે આ વ્યક્તિ કોઈ વિશિષ્ઠ ખાનદાન કે પ્રોફેશનલ રાજકીય પરિવારમાંથી આવે છે અથવા ઓક્સબ્રિજ કે સેન્ટ સ્ટિફન્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે. તે એક મૂર્તિભંજક છે અને આઝાદી પછીના ભારતના ઈતિહાસમાં તેમની સરખામણી કરી શકાય તેવી અન્ય વ્યક્તિ પણ નથી. તેમણે ભ્રષ્ટાચાર અને કૌભાંડો વિરુદ્ધ જંગ છેડ્યો છે, તેમણે ભારતને ધૂળ અને પ્રદુષણરહિત સ્વચ્છ દેશ બનાવવા લડાઈ આદરી છે. તેમણે ભારતને ગ્રીન એનર્જી આધારિત દેશ બનાવવાની યાત્રા આરંભી છે. ભારતની વિશાળ જનસંખ્યાની ગરીબી મીટાવી શકે, તેના ઉત્પાદન ક્ષેત્રનું નિર્માણ કરવા સાથે ઉદ્યોગસાહસિકતાને વેગ આપે તેમજ ભારતીય અર્થતંત્રના વિકાસને ઉર્ધ્વગતિમાં લઈ જવાય તે માટે નોકરીઓના સર્જન અને ટેકનોલોજી માટે વિદેશી ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવાની યોજના શરુ કરી છે. વંચિત લોકો માટે સામાજિક-આર્થિક બફરના નિર્માણની સાથોસાથ તેઓ એવી માનસિકતાનું નિર્માણ કરવા ઈચ્છે છે જેનાથી લોકો સબસિડીઓ પર જીવન ગુજારવાથી દૂર રહે અને સ્વરોજગાર કે ઉદ્યમને જીવન માટેનું સાધન બનાવે. જ્ઞાતિ અને જાતિના આધારે શિક્ષણ અથવા નોકરીઓમાં અનામત દૂર કરવા તરફ તેઓ આગળ વધી રહ્યા છે અને લોકોને તેમના ધર્મ કે પછાત જ્ઞાતિ માળખાના આધારે નહિ પરંતુ, નબળાં સામાજિક-આર્થિક ધોરણો અનુસાર વ્યવહાર કરવામાં આવવો જોઈએ તેને અગ્રક્રમ આપવા માગે છે.
આ બધાં કારણોસર નરેન્દ્ર મોદીને ‘ડિવાઈડર’, ‘પોલારાઈઝર’, ‘સરમુખત્યાર’ અને ‘સ્વતરંગી’ જેવાં વિશેષણોથી નવાજાય છે. ભારતનો ઘોંઘાટિયો વર્ગ લગભગ બે દાયકાથી આવી કાગારોળ મચાવતો રહ્યો છે અને વિશ્વસમાજને પણ આવું જ દર્શન કરાવે છે! જોકે, ભારતની પ્રજા તેને વારંવાર ફગાવતી રહી છે અને દર વખતે તેનો ઉત્સાહ વધતો રહ્યો છે. અસ્વચ્છ, અર્ધભૂખ્યા વંચિત સમૂહોના વર્ગને નરેન્દ્ર મોદીમાં મસિહા દેખાય છે જ્યારે, મહત્ત્વાકાંક્ષી યુવાવર્ગ અને ઉદ્યોગસાહસીઓ તેમને જીવનમાં પોતાની સ્વપ્નપૂર્તિ હાંસલ કરવામાં તક આપનાર દેખાય છે!
મને એ વાતનું ભારે ગૌરવ છે કે મારી જન્મભૂમિના લોકોએ આ માણસ વિરુદ્ધ મિથ્યા આરોપો અને નિંદાને નજરઅંદાજ કરી પુનઃ તેમને નેતા તરીકે પસંદ કર્યા છે, જે તેમના જીવનને વિકાસમાર્ગે લઈ જાય અને તેમના દેશને વિશ્વસ્તરે સ્થાન અપાવે. એ તો નિશ્ચિત છે કે આ હાંસલ કરવામાં વડા પ્રધાન તરીકે પાંચ વર્ષથી વધુનો કાર્યકાળ આવશ્યક રહેશે. આથી જ, આ પ્રક્રિયાને આગળ વધારવા તેમને બીજા પાંચ વર્ષ આપવામાં આવ્યાં છે. જે લોકોએ પોતાની કારકીર્દિ બનાવી લીધી છે તેમજ ધર્મ અને જ્ઞાતિના ભેદભાવોથી શોષણ તેમજ ગરીબીનિવારણના નામે ભ્રષ્ટાચારના પ્રસાર સાથે પોતાનો જ વિકાસ કરી રહ્યા છે, તેઓ આ ભવ્યાતિભવ્ય વિજય સાથે ધરાશાયી થઈ ગયા છે!