નરેન્દ્ર મોદી પ્રધાનમંડળની પુનર્રચનાઃ નિર્મલા સીતારમન્ સંરક્ષણ પ્રધાન

Wednesday 06th September 2017 06:46 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વેની સંભવતઃ અંતિમ કેબિનેટ પુર્નરચનામાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા પર ફોકસ કર્યું છે. તો સાથે સાથે જ આગામી મહિનાઓમાં વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી જ્ઞાતિ-જાતિ સમીકરણમાં સમતુલા પણ જાળવી છે. ૨૦૧૪માં શાસનધૂરા સંભાળનાર વડા પ્રધાને રવિવારે પ્રધાનમંડળનું ત્રીજી વખત વિસ્તરણ કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં ૧૩ પ્રધાનોએ શપથ લીધા હતા. જેમાં નવા જોડાયેલાં ૯ પ્રધાન ઉપરાંત કેબિનેટ દરજ્જો મેળવનારા ૪ સભ્યનો સમાવેશ થતો હતો. ઉલ્લેખનીય કામગીરીને નિર્મલા સીતારમનને સંરક્ષણ મંત્રાલયની મહત્ત્વની જવાબદારી સોંપાઇ છે તો ધ્યાનમાં રાખીને પિયૂષ ગોયલને રેલવે મંત્રાલયની. આ સાથે જ નિર્મલા ભારતના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન બન્યા છે.
રાજ્યકક્ષાના પ્રધાનો મુખ્તાર અબ્બાસ નકવી, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમન્ અને ગોયલે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધાં હતાં. તેમની સાથે ૯ નવા પ્રધાનો વીરેન્દ્ર કુમાર, અનંત કુમાર હેગડે, ગજેન્દ્ર સિંહ શેખાવત, આલ્ફોન્સ કન્નથનમ્, આર. કે. સિંહ, હરદીપ સિંહ પુરી, શિવપ્રતાપ શુકલા અને અશ્વિનીકુમાર ચૌબેએ પણ શપથ ગ્રહણ કર્યાં હતાં.

આ પ્રધાનોમાં આલ્ફોન્સ અને હરદીપ પુરી સાંસદ નથી. તેમને ૬ મહિનામાં સંસદમાં ચૂંટાઇ આવવું પડશે. આ સાથે જ કેન્દ્રની મોદી સરકારમાં પ્રધાનોની સંખ્યા વધીને ૭૬ થઇ છે. શુક્રવાર અને શનિવારે મોદી સરકારના ૬ પ્રધાનોના રાજીનામાં લઇ લેવાયાં હતાં.

અનુભવ-આવડતને પ્રાધાન્ય

વડા પ્રધાને આ વખતે પૂર્વ અનુભવી અમલદારોને વિશેષ સ્થાન આપ્યું છે તે દર્શાવે છે કે નવી ટીમ મારફત તેઓ પોતાના ચૂંટણી વચનો પૂરા કરવા માગે છે. ૨૦૧૯ની ચૂંટણીમાં તેઓ આ વચનોને એક સફળતા તરીકે રજૂ કરવા માગે છે.
વડા પ્રધાનના ત્રણ મોટા ચૂંટણી વાયદા હતા. તેમાં સ્માર્ટ સિટી, બુલેટ ટ્રેન, સૌને વીજળી આપવાની યોજનાનો સમાવેશ થાય છે. સ્માર્ટ સિટી યોજનાને ગતિ આપવા માટે તેમણે કોઈ નેતાની કાર્યક્ષમતા પર વિશ્વાસ મૂકવાના બદલે પૂર્વ રાજદ્વારી હરદેવ પુરીને પસંદ કર્યા છે. તેઓ અમેરિકા, જર્મની અને બ્રાઝિલમાં નિમણૂક દરમિયાન ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે શહેરી વિકાસના મામલે જોડાયેલા રહ્યા છે. તેમનો આ અનુભવ ભારતમાં કામે લાગી શકે છે. આ જ પ્રકારે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ વડા પ્રધાનનું મોટું સ્વપ્ન છે. તેમાં જાપાનની સાથે મળીને કામ કરવાનું છે. અહીં પિયુષ ગોયલને જવાબદારી સોંપાઇ છે. ઊર્જા, કોલસા, ખાણ પ્રધાન તરીકે તેમણે કરેલી કામગીરી મોદીને બહુ પસંદ પડી છે. આથી તેમને રેલવે મંત્રાલય અપાયું છે.
આઇઆઇટી ગ્રેજ્યુએટ સુરેશ પ્રભુને તેમની ઇચ્છા અનુસાર, રેલવે મંત્રાલયમાંથી હટાવી દેવાયા છે, પણ તેમને તેના કરતા પણ વધુ મહત્ત્વપૂર્ણ કોમર્સ મંત્રાલય અપાયું છે. વડા પ્રધાને આ પગલું પોતાના ડ્રીમ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયાને વેગવંતો બનાવવા માટે ભર્યું છે. સુરેશ પ્રભુ રેલવેમાં ભલે અકસ્માતોને અટકાવી ન શક્યા હોય, પણ તેમણે જે પ્રકારે રેલવે તંત્રમાં આધુનિકીકરણ હાથ ધર્યું હતું તેનાથી વડા પ્રધાન સંતુષ્ટ હતા.

ધર્મ-જાતિનું પણ સંતુલન

મોદીએ વિસ્તરણમાં શાસકીય કુશળતાની સાથે ધર્મ અને જાતિના ફેક્ટરને પણ ધ્યાનમાં રાખી મિશન ૨૦૧૯ની તૈયારી કરી છે. મુખ્તાર અબ્બાસ નકવી કેબિનેટના એકમાત્ર મુસ્લિમ પ્રધાન છે. આલ્ફોન્સને પ્રધાન બનાવીને કેરળની ખ્રિસ્તી મતબેંક અંકે કરવાની ગણતરી છે. તો હરદીપ સિંહ પુરી શીખ સમુદાયના મત ખેંચી લાવશે. આ ઉપરાંત મોદીએ સત્યપાલ, આલ્ફોન્સ, આર. પી. સિંહ અને પુરી જેવા સનદી અધિકારીઓને પ્રધાનમંડળમાં સમાવીને શાસકીય કુશળતા વધારવાનો પણ પ્રયાસ કર્યો છે. ગુજરાતના કોઇ સાંસદને પ્રધાનમંડળમાં સ્થાન અપાયું નથી. અગાઉ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળનું નામ ચર્ચામાં હતું.

મોદીની ચાય પે ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શપથગ્રહણ સમારોહ પહેલાં ૯ નવા પસંદ કરાયેલા પ્રધાનોને ચા-નાસ્તા પર બોલાવ્યાં હતાં. નવા પ્રધાનો સાથેની ચાય પે ચર્ચામાં મોદીએ ભાવિ વ્યૂહરચના પર ચર્ચા કરી હતી. બેઠકમાં નવા નિયુક્ત થયેલા પ્રધાનો સત્યપાલ સિંહ, આલ્ફોન્સ કન્નથનમ્, હરદીપ પુરી, અશ્વિની ચૌબે, શિવપ્રતાપ શુકલા, અનંતકુમાર હેગડે, ગજેન્દ્ર સિંહ શેખાવત અને વીરેન્દ્ર કુમાર સામેલ થયાં હતાં. વડા પ્રધાને તેમને જણાવ્યું હતું કે, આપણે સાથે મળીને ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરીશું. મોદીએ નવા પ્રધાનોને જણાવ્યું હતું કે, તમને લાંબી વિચારણા બાદ કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન અપાયું છે. મને આશા છે કે તમે સોંપાયેલી જવાબદારીનું સારી રીતે વહન કરશો. તમારી કામગીરી અસરકારક હશે.

હવે ટીમ અમિત શાહમાં બદલાવ

નવા નિયુક્ત થયેલા પ્રધાનોને અભિનંદન આપતાં અમિત શાહે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, નવા પ્રધાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં કોઇ કસર બાકી નહીં રાખે. મોદી સરકારના વિસ્તરણ બાદ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી પોતાની ટીમમાં નવા ચહેરા સામેલ કરી શકે છે. સંભવતઃ તેઓ કેટલાક નેતાઓની હકાલપટ્ટી કરે તેવી સંભાવના છે. ટીમ નરેન્દ્ર મોદીમાં નવા પ્રધાનોને સામેલ કરવા ૬ પ્રધાનોના રાજીનામાં લઇ લેવાયાં છે. હવે સંગઠનમાં રાજીનામાં પડે તેવી ચર્ચા ભાજપમાં ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter