નર્મદા ડેમના દરવાજા બંધ થયા, ગુજરાતના ઉજ્જવળ ભાવિના દરવાજા ખૂલ્યા

Wednesday 21st June 2017 09:25 EDT
 
 

ગાંધીનગર: ગુજરાત સરકાર જેની લાંબા સમયથી રાહ જોઇ રહી હતી તે સરદાર સરોવર નર્મદા ડેમના ૩૦ દરવાજા બંધ કરવાની પરમિશન મળી જતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્વીચ પાડીને દરવાજા બંધ કર્યા હતા. ૧૬ જૂને સાંજે નવી દિલ્હીમાં યોજાયેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટી (એનસીએ)ની ૮૯મી ઈમરજન્સી મિટિંગમાં ગુજરાતને આ મંજૂરી અપાઈ હતી. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને આ અવસરને ‘ગુજરાત માટે ઐતિહાસિક અને સુવર્ણ’ ગણાવ્યો છે. ચોમાસા અગાઉ જ ડેમના દરવાજા બંધ થઈ શકતા હવે નર્મદાનું પાણી દરિયામાં વહી જતું અટકાવી શકાશે. આ સાથે જ ૧૯૬૧માં ડેમનું ખાતમૂહુર્ત થયાના ૫૬ વર્ષ પછી ઐતિહાસિક ડેમની કામગીરી પૂર્ણ થઇ છે.
દરવાજા બંધ કરવાની મંજૂરી મળતા જ મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, ચીફ સેક્રેટરી જે. એન. સિંહ વગેરે ૧૭ જૂને સવારે કેવડિયા પહોંચ્યા હતા અને નર્મદા જળ વધામણાં સાથે દરવાજા બંધ કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આગામી ૧૫ દિવસમાં રાજ્યભરમાં લોક સહયોગથી નર્મદા ઉત્સવ ઉજવવાની જાહેરાત મુખ્ય પ્રધાને કરી છે.
દરવાજા બંધ થવાથી ડેમની ઊંચાઈ ૧૨૧.૯૨ મીટરથી વધીને ૧૩૮.૬૮ મીટર થશે જ્યારે ડેમમાં કુલ ૭.૭૦ મિલિયન એકર ફૂટ પાણીનો સંગ્રહ થઇ શકશે. પરિણામે વીજ ઉત્પાદન ૪૦ ટકાના વધારા સાથે ૧૪૫૦ મેગાવોટને આંબી જશે. હાલ ડેમમાં સંગ્રહ થયેલા પાણીથી ૩ કરોડ લોકોને લાભ મળે છે.
નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપતા ગુજરાતની જળસમસ્યાને તિલાંજલિ મળશે અને રાજ્યના ઉજ્જવળ ભાવિના દરવાજા ખુલશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું કે, લોહપુરુષ સરદાર પટેલે ૧૯૪૬માં સેવેલું સપનું વિકાસ પુરુષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં સાકાર થયું છે.

વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ

નર્મદા બંધ પૂર્ણ ઊંચાઈએ પહોંચી જતાં રાજ્ય સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગશે. તેમના હસ્તે બંધના લોકાર્પણ સાથે નર્મદા ઉત્સવ યોજાશે. જેમાં ધાર્મિક-સામાજિક અગ્રણીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સામેલ થશે. સમગ્ર રાજ્યમાં નર્મદા ઉત્સવની ઉજવણીનો માહોલ રચાશે.
ગુજરાતને શું ફાયદો?
ડેમના દરવાજા બંધ થતાં સિંચાઈમાં કોઈ વધારાનો ફાયદો નહીં થાય, પણ ચોમાસા દરમિયાન જે પુરના પાણી દરિયામાં વહી જતાં હતાં તે ઘણાં અંશે ડેમમાં ભરાશે. દુષ્કાળના સમયમાં વધુ સંગ્રહને કારણે પાણીની ચિંતા નહીં રહે, તેથી વધુ સંગ્રહ દુષ્કાળના સમય માટે ખૂબ ઉપયોગી. વધુ સંગ્રહને લીધે વધુ વીજ ઉત્પાદન થશે. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ થતાં પોણા ચાર ગણું પાણી સ્ટોરેજ થશે. જેના કારણે નર્મદા ડેમના વીજ મથકોને વર્ષના ૨૦૦ દિવસ કરતા પણ વધુ દિવસો સુધી ચલાવી શકાશે. હાલમાં દર વર્ષે એવરેજ ૭૦૦ કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થાય છે. જેમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુના વીજ ઉત્પાદનનો ઉમેરો થશે.

હવે કોઇ મંજૂરી નહીં!

દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ એમ ચાર રાજ્યોને સાંકળતી નર્મદા પરિયોજનાનો પાયો પહેલી એપ્રિલ ૧૯૬૧ના રોજ નાખ્યો હતો. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી એના ૧૭મા દિવસે ડેમ ઉપર દરવાજા લગાડવાની ગુજરાતને મંજૂરી અપાઈ હતી. હવે એનસીએ દ્વારા આ દરવાજા બંધ કરવાની જે મંજૂરી મળી છે તે આખરી મંજૂરી છે. ગુજરાતને હવે નર્મદા યોજના સંબંધમાં કોઈ ઓથોરિટી પાસેથી કે ભારત સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની રહેતી નથી. મુખ્ય પ્રધાને નર્મદા યોજના સાકાર કરવા બદલ વડા પ્રધાનનો રાજ્યની પ્રજા વતી ખાસ આભાર માન્યો છે.

કુલ ૧૩ હજાર ટનના દરવાજા

ગુજરાત સરકારે છેલ્લા આઠ મહિનામાં ડેમના દરવાજા મૂકવા માટે ૧૪૬ મીટરની ઊંચાઈ સુધી ર૯ પીઅર્સની કામગીરી પૂર્ણ કરી છે. બ્રિજના તમામ ૩૦ ગાળાનું કામ પૂર્ણ કર્યું છે. આ સાથે ૧.૧૦ લાખ ઘનમીટર કોંક્રીટનું કામ કર્યું છે. કુલ ૩૦ દરવાજા ફીટ કરવામાં આવ્યા છે. જેમાં ૬૦ બાય પપ ફૂટના ર૩ દરવાજા અને ૬૦ બાય ૬૦ ફૂટના સાત દરવાજા છે. પ્રત્યેક દરવાજાનું સરેરાશ વજન ૪પ૦ ટન અને કુલ વજન ૧૩,૦૦૦ ટન થવા જાય છે. આ કામગીરી આઠ મહિના પહેલાં પૂર્ણ કરી દેવાઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમના મુખ્ય ઇજનેર પી. સી. વ્યાસે જણાવ્યું હતું કે, ૧૨ જૂન ૨૦૧૪ ના રોજ નર્મદા ડેમના દરવાજા લગાડવાની મંજૂરી આપણને મળી હતી. જે કામ તાત્કાલિક શરૂ થયા બાદ ૨૭ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ નર્મદા ડેમના પિચ્ચરને ૧૪૪.૫ મીટર સુધી લઇ જવાયા હતા. સ્લેબના કોંક્રિટનું કામ ૧૯ જૂન ૨૦૧૫ના શરૂ કરાયું હતું જે કામ ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ પુરું થયું હતું.

હવે ડેમ ઓવરફ્લો નહીં થાય

સરદાર સરોવર નર્મદા ડેમ પર ૩૦ દરવાજા બંધ કરી દેવાયા છે. તો શું હવે નર્મદા ડેમ હવે ઓવરફ્લો નહીં થાય? ના. ઇજનેરો પાસેથી મળેલી માહિતી અનુસાર ગયા વર્ષે નર્મદા ડેમના દરવાજા ખુલ્લા હોવાથી ડેમના તમામ દરવાજામાંથી પાણી ચોમાસામાં ઓવરફ્લો થતું જોવા મળતું હતું. સહેલાણીઓ હજારોની સંખ્યામાં આ નજારો જોવા ઉમટતા હતા. હવે આ વર્ષે ચોમાસા પહેલા જ દરવાજા બંધ કરી દેવાયા છે, જેથી હવે ચોમાસામાં ભરપુર પાણી આવશે તો દરવાજા ખોલવા પડશે. પાણી ૧૩૯ મીટરના લેવલ સુધી ભરી શકાશે. આમ ૧૨૧.૯૨ મીટરની ઉપર જળસપાટી જતા નર્મદા ડેમ ઓવરફ્લો થતો હતો, જે હવે નહીં થાય. આના બદલે પાણીનો સંગ્રહ વધશે તો દરવાજા ખોલાશે.

મધ્ય પ્રદેશે ઝડપ કરવી પડશે

ગાંધીનગરઃ નર્મદા ડેમના દરવાજા બંધ કરવાથી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં અસરગ્રસતો યાને પ્રોજેક્ટ અફેકટેડ ફેમિલી (પીએએફ)ને સલામત સ્થળે ખસી જવા ૩૧ જુલાઈ ૨૦૧૭ સુધીની મહેતલ અપાઇ છે. સુપ્રીમ કોર્ટના આ અલ્ટિમેટમના ૧ મહિના અને ૧૩ દિવસ પહેલાં જ ગુજરાતને ડેમ ઉપર મૂકાયેલા દરવાજા બંધ કરવાની પરિમિશન મળી જતાં દરવાજા બંધ થઈ ગયા છે. જોકે દરવાજા બંધ થયા એટલે તૂર્ત જ પાણી ભરાઈ જવાનું નથી. એ તો ઉપરવાસમાં વરસાદ થશે અને મધ્ય પ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી આવશે તેમ ડેમમાં પાણી ભરાશે એટલે આમાં તો વાર થશે. પણ મધ્ય પ્રદેશે ૩૧ જુલાઈ પહેલા પુનર્વસન પૂરું કરવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter