વિશ્વભરમાં ક્રિસમસ અને નવા વર્ષનાં આગમનને ઉમંગ-ઉલ્લાસભેર વધાવવામાં આવ્યું છે. ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળે છે. નવું વર્ષ નવી શરૂઆતનું પ્રતીક છે ત્યારે મોટા ભાગના લોકો પાર્ટીનું આયોજન કરે છે અથવા બહાર હરવા-ફરવા માટે જતાં હોય છે. જોકે ઘણાં સ્થળો એવા છે જ્યાં નવા વર્ષના સ્વાગત માટે વિચિત્ર પરંપરા નિભાવવામાં આવે છે. જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. તો આવો જાણીએ આવી જ કેટલીક પરંપરા વિશે...
ડેન્માર્કમાં લોકો ઘરની બહાર કાચના વાસણ ફોડે છે
નોર્ધર્ન યુરોપમાં આવેલા ડેનમાર્કમાં નવા વર્ષે જે પરંપરાનું પાલન કરાય છે તેના વિશે ભાગ્યે જ તમે વિશ્વાસ નહીં કરો. આ દેશમાં 31મી ડિસેમ્બરની રોજ સાંજે પડોશીઓ અને મિત્રોએ ઘરની બહાર જૂની પ્લેટ અને ચમચી ફેંકીને નવા વર્ષને આવકાર્યું હતું. સાથે સાથે જ તેમણે વાસણો પણ તોડ્યા હતા. આમ કરવા પાછળનું કારણ એ છે કે જેટલાં વધુ તૂટેલાં વાસણો જોવા મળશે તેટલું વર્ષ પણ સારું જશે.
ઇક્વાડોરમાં પૂતળાં સળગાવવાની પરંપરા
દક્ષિણ અમેરિકામાં આવેલા લોકશાહી પ્રજાસત્તાક દેશ ઇક્વાડોરમાં લોકો નવા વર્ષના દિવસે રાજકારણીઓ અને વિવિધ હસ્તીઓનાં પૂતળાં બનાવે છે, જેને સ્થાનિક ભાષામાં ‘આનો વિએજો’ કહેવામાં આવે છે. આ પૂતળાંઓ જૂનાં કપડાં અને અખબારો અને કોટનથી ભરીને જાહેરમાં સળગાવવામાં આવે છે.
બ્રાઝિલમાં લોકો સફેદ ફૂલ દરિયામાં ફેંકે છે
બ્રાઝિલમાં નવા વર્ષની ઉજવણી સમુદ્રમાં સફેદ ફૂલો ફેંકીને કરવામાં આવે છે. આટલું જ નહીં, કેટલાક લોકો આ પ્રસંગે તેમનાં પરફ્યૂમ, જવેલરી, કાંસકો અને લિપસ્ટિક પણ દરિયામાં ફેંકી દે છે.
આ પરંપરાનું પાલન કરનારા લોકોનું માનવું છે કે તેઓ આ બધું નવા વર્ષે સમુદ્રદેવી થેમાન્જાને અર્પણ કરે છે. બાદમાં તેઓ સમુદ્રની પૂજા કરીને વર્ષ સારું જાય તેવા આશીર્વાદ માગે છે.
ઇટાલીમાં લોકો ઘરની બહાર જૂની વસ્તુઓ ફેંકે છે
ઈટાલીમાં 31 ડિસેમ્બરની સાંજે જૂની ચીજવસ્તુઓને ઘર બહાર કાઢવાની પરંપરા નિભાવવામાં આવે છે. આ દેશના નેપલ્સ જેવા શહેરોમાં લોકો ઘરની બારી અને બાલ્કનીમાંથી જૂનું ફર્નિચર ફેંકી દે છે. એક રીતે તો આ એક નવી શરૂઆતનું પ્રતીક છે. જોકે હવે આ પરંપરા પ્રતીકાત્મક રીતે નિભાવવામાં આવે છે.
આ પરંપરા નિભાવતી વખતે અન્યોને કોઈ પ્રકારે નુકસાન ન થાય તે માટે નાની અને નરમ વસ્તુઓને ઘરની બહાર ફેંકવામાં આવે છે.