નશીલા પદાર્થોના સેવન અને ખરીદી માટે ઘણી સેલિબ્રિટીઝે જેલની હવા ખાધી છે

Tuesday 05th October 2021 10:24 EDT
 
 

મુંબઈઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ મુંબઇથી ગોવા જતી ક્રૂઝ શિપ પર રેડ કરીને સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત આઠ જણાની ધરપકડ કરી છે. ક્રુઝ પર રેવ પાર્ટી ચાલી રહી હતી ત્યારે મુસાફરોના સ્વાંગમાં રહેલા એનસીબી અધિકારીઓએ મધદરિયે આ રેડ કરવામાં આવી હતી જેમાં ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. બોલિવૂડમાં મોટા પાયે ડ્રગ્સનું ચલણ ઉત્તરોત્તર વધી રહ્યું છે અને આ પહેલી વખત નથી જ્યારે કોઇ બોલિવૂડ સેલિબ્રિટીનું નામ ડ્રગ્સ કેસમાં સંડોવાયું હોય અને ડ્રગ્સ રાખવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હોય. આ પહેલા પણ ઘણા સેલિબ્રિટીઝના નામ ડ્રગ્સ કેસમાં સામે આવી ચૂક્યા છે.

• સંજય દત્તઃ બોલિવૂડના મુન્નાભાઇ સંજય દત્તને એક સમયે ડ્રગ્સની ભારે લત લાગી ગઇ હતી. ડ્રગ્સ એડિક્ટ એવા સંજયની ડ્રગ્સ રાખવાના કેસમાં ૧૯૮૨માં ધરપકડ કરવામાં આવી હતી. સંજય દત્તને કોર્ટે પાંચ મહિનાની સજા પણ સંભળાવી હતી. ત્યારબાદ સુનીલ દત્તે સંજયને પાંચ મહિના માટે યુએસમાં રિહેબ સેન્ટરમાં મોકલી દીધો હતો.

• ફરદીન ખાનઃ બોલિવૂડના પ્રખ્યાત એકટર ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાન તેમની ફિલ્મોના કારણે ક્યારેય ચર્ચામાં રહ્યો નથી, પરંતુ ડ્રગ્સ કેસમાં નામ આવતા તે માધ્યમોમાં છવાયેલો રહ્યો હતો. ફરદીન ખાન પાસેથી કોકેન મળી આવ્યું હતું ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ફરદીને રિહેબ સેન્ટરમાં જઇને આ કુટેવથી છુટકારો મેળવ્યો હતો.

• અરમાન કોહલીઃ બિગ બોસથી જાણીતા થયેલા બોલિવૂડ એકટર અરમાન કોહલીના ઘરેથી એનસીબીને રેડ દરમિયાન હાઇ ક્વોલિટીનું ડ્રગ્સ મળી આવ્યું હતું. નશાની હાલતમાં જ એનસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેને જેલમાં મોકલી દીધો હતો. તે ક્યારથી ડ્રગ્સનું સેવન કરતો હતો અને તેની સાથે કોણ કોણ સંકળાયેલા છે તેની વિગતો હજી સામે આવી નથી.

• વિજય રાજઃ બોલિવૂડમાં હાસ્ય કલાકારના રોલ કરતાં અભિનેતા વિજય રાજ ૨૦૦૫માં તેમની ફિલ્મ ‘દિવાને હુએ પાગલ’ના શૂટિંગમાં દુબઇ ગયો હતો. પરત આવતા સમયે તેમની બેગમાંથી પાંચ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરીને તેના બ્લડ અને યુરિનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે ટેસ્ટ નેગેટિવ આવતા એક દિવસ પછી તેને છોડી દેવામાં આવ્યો હતો.

• ભારતી સિંહઃ મશહૂર કોમેડિયન ભારતી સિંહ અને તેનો પ્રોડયુસર પતિ હર્ષ લિંબાચિયા પણ નશાના કેસમાં ઝડપાયા હતા. તેમની પાસેથી ૬૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબીની પૂછપરછ દરમિયાન પણ બંનેએ તેઓ ગાંજાનું સેવન કરતાં હોવાની વાત સ્વીકારી હતી. ત્યારબાદ કોર્ટે તેમને જામીન ઉપર મુક્ત કર્યા હતા.

• એઝાઝ ખાનઃ બિગબોસમાંથી જાણીતા થયેલા એકટર એઝાઝ ખાનના ફ્લેટમાં રેડ દરમિયાન ડ્રગ્સ મળી આવ્યું હતું. લાંબી પૂછપરછ બાદ એનસીબીએ એઝાઝ ખાનની ધરપકડ કરી લીધી હતી અને તેને જેલમાં ધકેલી દીધો હતો. ડ્રગ્સની લેવડદેવડ અંગેના તેના તાર ગુજરાતના ગામડાઓ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.

• ગૌરવ દીક્ષિતઃ ટીવી એકટર ગૌરવ દીક્ષિતના ઘરે એપ્રિલમાં રેડ દરમિયાન એનસીબીને ચરસ મળી આવ્યું હતું. ત્યારબાદથી ભાગેડુ એવા ગૌરવની એનસીબીએ ૨૮ ઓગસ્ટે ધરપકડ કરી હતી. કોર્ટે ૨૪ સપ્ટેમ્બરના રોજ ૫૦ હજારના બોન્ડ પર તેને જામીન આપ્યા હતા. હજી આ કેસમાં તેની સામે તપાસ કરવામાં આવી રહી છે.

• ફિરોઝ નડિયાદવાલાઃ બોલિવૂડના મશહૂર પ્રોડયુસર ફિરોઝ નડિયાદવાલાની પત્ની શબાના સઇદ પાસેથી ૧૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબીએ નડિયાદવાલાના ઘરે ૮ નવેમ્બર ૨૦૨૦ના રોજ રેડ કરી હતી અને શબાનાની ધરપકડ કરી હતી. બે દિવસ બાદ કોર્ટે શબાનાને જામીન પર મુક્ત કરી દીધી હતી.

 રિયા ચક્રવર્તી - શૌવિક ચક્રવર્તીઃ સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસની તપાસ દરમિયાન ડ્રગ્સનો એંગલ સામે આવ્યો હતો. તપાસમાં અભિનેત્રી-મોડેલ રિયા ચક્રવર્તી અને તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી સુશાંત માટે ડ્રગ્સ ખરીદતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે રિયાએ એક મહિના માટે મુંબઇની ભાયખલા જેલમાં રહેવું પડયું હતું. આ ઉપરાંત ‘મા વૈષ્ણોદેવી’ અને ‘સાવધાન ઇન્ડિયા’ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળેલી એકટ્રેસ પ્રીતિકા ચૌહાણને એનસીબીએ ડ્રગ્સ ખરીદતા રંગે હાથ પકડી હતી. બાદમાં પ્રીતિકા ચૌહાણને કોર્ટે જામીન પર મુક્ત કરી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter