અમદાવાદ: માત્ર અયોધ્યા જ નહીં, સમગ્ર ભારતવર્ષ ભગવાન શ્રીરામને વધાવવા માટે થનગની રહ્યું છે. દેશવિદેશમાં વસતાં ભારતીયોમાં મંદિર કેવું હશે તે મુદ્દે ઉત્સુકતા પ્રવર્તે છે. શ્રીરામની મૂર્તિ કેવી હશે? મંદિર કેવું બનશે? તેની ખાસિયત શું હશે? વગેરે જેવા અનેક સવાલના જવાબ મંદિરના સ્થપતિ અને શિલ્પશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ધરાવતા ચંદ્રકાંત સોમપુરાએ આપ્યા છે. પેઢી - દર પેઢી આ કાર્ય સાથે સંકળાયેલા ચંદ્રકાન્તભાઇના શબ્દોમાં જ જાણીએ મંદિર કેવું ભવ્ય છે...
ચંદ્રકાન્તભાઇ કહે છે કે જીવનમાં મંદિર તો ઘણા બનાવ્યા પણ આ સૌથી સંતોષ આપનારો સુખદ અનુભવ છે. હવે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. ગર્ભગૃહમાં જ્યાં રામલલ્લા બિરાજશે એ આસન પણ તૈયાર થઈ ગયુ છે. ભગવાન રામની 5.5 ફીટ ઊંચી અમે ત્રણ મૂર્તિ તૈયાર કરી છે. એક મૂર્તિ શ્યામ રંગની છે, બીજી કાળા શાલીગ્રામની છે જ્યારે ત્રીજી મૂર્તિ સફેદ છે.
મંદિર ટ્રસ્ટ ત્રણમાંથી જે મૂર્તિ ફાઈનલ કરશે એ મૂર્તિ મંદિરમાં નક્કી કરેલા બીજા માળે પ્રતિષ્ઠા પામશે. એ ઉપરાંત રામ દરબારનું પણ આયોજન કરાયું છે. રામ દરબારમાં ભગવાન રામ ઉપરાંત માતા જાનકી, લક્ષ્મણજી, વગેરેની મૂર્તિઓ બિરાજશે. ગર્ભગૃહની બહાર હનુમાનજી જ્યારે મંદિરની સામે ગરુડ ભગવાનની મૂર્તિ સ્થાપિત થશે.
ભારતમાં મંદિર નિર્માણની 16 શૈલી
ભારતમાં મંદિરો ડિઝાઈન કરવાની મુખ્યત્વે 16 શૈલી છે અને એમાંથી 3 શૈલી સૌથી વધારે વપરાય છે. ઉત્તર ભારતમાં નાગર શૈલી, દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી અને મધ્ય-પૂર્વ ભારતમાં પેગોડા શૈલી. અવધપુરીનું આ મંદિર નાગર શૈલીનું છે. સોમનાથ, અક્ષરધામ, અંબાજી વગેરે મંદિરો પણ નાગર શૈલીના જાણીતા ઉદાહરણો છે. આઠ દિશા, આઠ ભુજા અને ભગવાન વિષ્ણુના આઠ સ્વરૂપને ધ્યાનમાં રાખીને મંદિરનું ગર્ભગૃહ અષ્ટકોણીય બનાવાયું છે. મંદિરના ગુડ મંડપ, નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ વગેરે પણ નાગર શૈલીમાં જ છે.
25 ફૂટ દૂરથી જ ભગવાનના દર્શન
ભગવાન શ્રી રામ તેમના 16 ગુણોને કારણે મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. એ સોળેય ગુણો મંદિરની શિલ્પકળામાં જોવા મળશે. મંદિર એ રીતે ડિઝાઈન કરાયુ છેકે 25 ફીટ દૂરથી જ ભક્તોને ભગવાનના દર્શન થશે. એક સમયે એક સાથે 500 ભક્તો દર્શન કરી શકશે. જોકે હજુ મંદિરનું ઘણું કામ બાકી છે, જે પુરું થતાં એકાદ વર્ષ લાગી જશે. મંદિર ઉપરાંત અયોધ્યા કેરિડોર પણ બને છે, જે લગભગ 2 વર્ષે પુર્ણ થશે.
કુલ 250 સ્તંભ, દરેકમાં 16-16 મૂર્તિ
મંદિરમાં ભગવાન રામ ઉપરાંત વિષ્ણુના દસેય અવતારો, 64 યોગીની, 52 શક્તિપીઠ અને ભગવાન સૂર્યના 12 સ્વરૂપો પણ જોવા મળશે. મંદિરમાં કુલ 250 પિલ્લર છે અને દરેક પિલ્લરમાં 16-16 મૂર્તિ કોતરવામાં આવી છે.
1989થી નિર્માણકાર્ય ચાલુ
રામમંદિર તો અત્યારે ચર્ચામાં આવ્યું પણ તેનું નિર્માણ અયોધ્યા આંદોલન વખતે 1989માં જ શરૂ કરી દેવાયુ હતું. એ વખતના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અશોક સિંઘલે ચંદ્રકાન્તભાઇને ત્યારે મંદિરની ડિઝાઈન બનાવવાનું કહ્યું હતું.
ચંદ્રકાન્તભાઇ કહે છે કે ડીડી બિરલાએ મને કહ્યું હતું કે તમે અશોકજી સાથે અયોધ્યા જાવ અને મંદિર બનવાનું છે એ સ્થળનું માપ લઈ રાખો, જોકે અમે ત્યાં પહોંચ્યા ત્યારે મામલો કોર્ટમાં હતો. સુરક્ષા કારણોસર અમને માપપટ્ટીથી માપ લેવા દેવામાં ન આવ્યું. એટલે અમે પગલાં દ્વારા માપ લીધું હતું. 82 પગલાં જેટલી જગ્યા મંદિર માટે નક્કી કરી હતી. કેટલાક વર્ષો પછી મંદિરનો નકશો તૈયાર થયો ત્યારે અમે એ માપનો જ ઉપયોગ કર્યો હતો.
મંદિરના કુલ 3 પ્લાન હતા
ચંદ્રકાન્તભાઇ કહે છે કે મંદિરના પણ કુલ ૩ પ્લાન બનાવાયા હતા, જેમાંથી અશોક સિંઘલે એક પ્લાન ફાઈનલ કર્યો. હતો. એ પછી પ્લાન પ્રયાગરાજમાં કુંભમેળા વખતે સાધુ-સંતો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સંતોની મંજૂરી પછી એ પ્લાન પ્રમાણે લાકડાનું નાનું મોડેલ તૈયાર કર્યું. એ મોડેલ વર્ષો સુધી રામ મંદિરનું પ્રતીક બની રહ્યું. જોકે નવેમ્બર 2019માં સુપ્રીમના ચૂકાદા પછી ડિઝાઈનમાં થોડો ફેરફાર થયો. ઊંચાઈ 128 ફીટથી વધારીને 161 કરી દેવાઈ. કોર્ટની મંજૂરી પછી મંદિરનું બાંધકામ શરૂ થયુ અને ત્યારે નક્કી થયેલું બજેટ 400 કરોડ હતું. પરંતુ હવે પ્લાન જોતાં 2 હજાર કરોડ સુધી આંકડો પહોંચી જશે.
18 પેઢીથી મંદિર ડિઝાઈન કરતો સોમપુરા પરિવાર
ગુજરાતનો સોમપુરા પરિવાર મંદિરની ડિઝાઈન, શિલ્પશાસ્ત્ર માટે જગવિખ્યાત છે. સોમપુરા પરિવાર 18 પેઢીથી આ કામ કરે છે. ચંદ્રકાંત સોમપુરા, તેમના દીકરા આશિષ દેશ-પરદેશમાં 31 મોટા મંદિરની ડિઝાઈન બનાવી ચૂક્યા છે. સોમનાથ, અંબાજી મંદિર વગેરેની ડિઝાઈન તો ચંદ્રકાંત સોમપુરાના પિતા પ્રભાશંકરે તૈયાર કરી હતી. તો વળી પાલિતાણાના મંદિરની ડિઝાઈન ચંદ્રકાંત સોમપુરાના દાદા રામજીભાઈએ બનાવી હતી. માટે એ મંદિરનું દ્વાર તેમના નામે ઓળખાય છે.