નવી દિલ્હી: બ્યુટી અને ફેશન રિટેલર ઇ-કોમર્સ કંપની નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયરે ઇતિહાસ રચ્યો છે. તેઓ જાતમહેનતથી આગળ વધેલાં ભારતના સૌથી અમીર મહિલા અબજોપતિ બન્યાં છે. નાયકાની પેરન્ટ કંપની એફએસએનનું મુંબઇ શેરબજારમાં લિસ્ટીંગ થયું તે સાથે જ ફાલ્ગુની નાયરની સંપત્તિનો આંકડો ૬.૫ બિલિયન ડોલરને આંબી ગયો હતો. એફએસએનનો આઇપીઓ રોકાણકારોના પ્રચંડ પ્રતિસાદના કારણે ૮૨ ગણો ઓવર સબસ્ક્રાઇબ થયો હતો, અને ધારણા પ્રમાણે જ તેના શેરોનું ૮૦ ટકા પ્રીમિયમ સાથે ધમાકેદાર લિસ્ટીંગ થયું હતું. દલાલ સ્ટ્રીટમાં એન્ટ્રી થયાની પાંચ જ મિનિટમાં કંપનીની માર્કેટ કેપ રૂ. એક લાખ કરોડના આંકડાને પાર કરી ગઇ હતી અને કલાકમાં તો તે દસકાઓ જૂના ઉદ્યોગસમૂહો બ્રિટાનિયા અને ગોદરેજ સાથે સ્પર્ધા કરવા લાગી હતી. કંપનીની આ સિદ્ધિનો જશ જાય છે બેન્કરમાંથી ઉદ્યોગસાહસિક બનેલાં ફાલ્ગુની નાયરને.
સાહસે વરે સિદ્ધિ
ગુજરાતી માતા-પિતાના દીકરી અને દક્ષિણ ભારતીય પરિવારના પૂત્રવધુ ફાલ્ગુની નાયરે વર્ષ ૨૦૧૨માં ભારતના એવા પહેલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ નાયકાની સ્થાપના કરી હતી, જે કોઇ મહિલા દ્વારા શરૂ કરાયું હોય. તેમની કંપનીએ મોબાઇલ એપ અને વેબસાઇટના માધ્યમથી બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કર્યું હતું. આજે ૮ વર્ષ બાદ ૫૮ વર્ષીય ફાલ્ગુની નાયર ભારતનાં સાતમા મહિલા બિલિયોનેર બન્યાં છે. નાયકાના શેરના લિસ્ટીંગ સમારોહમાં ફાલ્ગુની નાયરે જણાવ્યું હતું કે, આશા છે કે, નાયકાની સફર દરેકને પ્રેરણા આપી શકે છે. નાયકા ભારતમાં સ્થાપિત, ભારતીય માલિકીનું અને ભારતીય દ્વારા સાકાર કરાયેલું સ્વપ્ન છે.
મુંબઇના વતની ફાલ્ગુની નાયરના પતિ સંજય નાયર અમેરિકાની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ કેકેઆરના ભારત ખાતેના સીઇઓ તરીકે ફરજ બજાવે છે. ગુજરાતીમાં કહેવત છે કે સાહસે વરે સિદ્ધિ, ફાલ્ગુનીબહેનના કિસ્સામાં પણ આવું જ બન્યું છે. તેઓ કહે છે કે ૫૦ વર્ષની ઉંમરે કોઇ પણ અનુભવ વિના મેં નાયકાની શરૂઆત કરી હતી. મને આશા છે કે નાયકાની સફર તમને સૌને પણ પોતાના જીવનના નાયકાની શોધમાં મદદ કરશે.
કારકિર્દીનો પાયો અમદાવાદમાં
૧૯૮૩થી ૧૯૮૫નો સમયગાળો હશે. અમદાવાદસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)માં એક યુવતી એમબીએ કરી રહી હતી.
અમદાવાદની ગલીઓમાં ફરતી યુવતીને એ વખતે અંદાજ પણ નહીં હોય કે ૩૫ વર્ષ બાદ એ દેશની સૌથી અમીર મહિલા બની જશે. તેમણે નિવૃત્ત થવાની ઉંમરે તગડા પગારની નોકરી છોડી. ફૂલટાઇમ કોસ્મેટિક્સના બિઝનેસમાં ઝંપલાવ્યું. એ વખતે ઉંમર ૫૦ વર્ષની હતી.
કોઇ કેવી રીતે વિચારે કે બિઝનેસનું જોખમ લેવું છે અને એ પણ ઊંચા પગારની નોકરી છોડીને? તેમણે જોખમનો વિચાર પણ કર્યો અને અમલ પણ. મૂળે ગુજરાતી એટલે જોખમ અને વેપાર તો લોહીમાં. કોટક મહિન્દ્રા બેંકની મેનેજિંગ ડિરેક્ટર તરીકેની નોકરી એક ઝાટકે છોડી દીધી. આજે તેઓ ૧૬૦૦ લોકોની ટીમનું નેતૃત્વ કરે છે. બ્યુટી કેર સ્ટાર્ટ અપનાં નાયિકા ફાલ્ગુનીએ પોતાની નસીબની કહાની જાતે લખી છે.
ફાલ્ગુનીને અમદાવાદમાં પ્રેમ થયો
૧૯૬૩ની ૧૯ ફેબ્રુઆરીએ ફાલ્ગુની નાયરનો જન્મ થયો હતો. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે નોકરી કરતાં ફાલ્ગુની ૨૦૧૨માં નાયકાની શરૂઆત કરી હતી. મુંબઇનાં રહેવાસી ફાલ્ગુની મહેતાએ મુંબઇ યુનિવર્સિટીમાંથી બી.કોમ.ની ડિગ્રી મેળવ્યા બાદ અમદાવાદ આઇઆઇએમમાંથી એમબીએ કર્યું હતું. ૧૯૮૭ના મે મહિનામાં ફાલ્ગુનીએ સંજય નાયર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમને એક દીકરો અંકિત અને એક દીકરી અદ્વૈતા છે. ફાલ્ગુનીના પિતા બેરિંગ કંપની ચલાવતા હતા. પુત્રી અદ્વૈતાએ માતાને સીવી કવાફીની કવિતા ‘ઇથાકા’ સંભળાવી હતી. કવિતાની પંક્તિ ‘લક્ષ્ય કરતાં સફર વધુ મહત્ત્વની...’થી પ્રભાવિત થઈને ફાલ્ગુની નાયરે ૨૦૧૨માં સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.
નાયકાના નામ પાછળની કહાની
નાયકા નામ સંસ્કૃત શબ્દ નાયકા પરથી રાખવામાં આવ્યું છે. નાયકાનો અર્થ થાય છે કેન્દ્ર બિંદુમાં. યુ-ટ્યુબ પર ૨૦ ટકા જેટલું ભારતીય બ્યુટી કન્ટેન્ટ પણ નાયકા જનરેટ કરી રહ્યું છે.
૨૫૦૦થી વધુ બ્રાન્ડ્સ, મહિને ૧૫ લાખ ઓર્ડર
નાયકા આજે અઢી હજારથી પણ વધારે બ્રાન્ડ્સનું ઘર ગણાય છે. દર મહિને અંદાજે ૧૫ લાખથી વધારે ઓર્ડર ડિલિવર કરવામાં આવે છે. સામાન્ય રીતે બ્યુટી કેર અને ફેશનની વાત આવે તો માત્ર મહિલાઓને લગતી પ્રોડક્ટ્સ પર જ ધ્યાન આપવામાં આવે છે. જોકે ૨૦૧૮માં નાયકાએ આ જ સેગમેન્ટમાં પુરુષો પર પણ ધ્યાન આપી નવો ચીલો ચાતર્યો હતો.
નાયરની સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરને આંબી ગઈ
મુંબઇ સ્ટોક એક્સ્ચેન્જમાં બુધવારે - ૧૦ નવેમ્બરે કારોબારના પ્રારંભે જ નાયકાના નવા લિસ્ટ થયેલા શેરમાં ૭૯ ટકા સુધીનો ઉછાળો નોંધાતા નાયરની સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરને આંબી ગઈ હતી. નાયકાનો ૩ દિવસ ચાલેલો આઇપીઓ પહેલી નવેમ્બરે બંધ થયો હતો. નાયકાના શેરની ભારે ડિમાન્ડ રહેતાં ભરણું ૮૨ ગણું છલકાઈ ગયું હતું. આ આઇપીઓ દ્વારા કંપનીએ રૂપિયા ૫,૩૫૨ કરોડ હાંસલ કર્યા છે.
કંપનીના ૨.૬૪ કરોડ શેર માટે ૨૦૦ કરોડ કરતાં વધુ અરજીઓ મળી હતી. નાયકાના શેરોની ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ ઇન્વેસ્ટર્સમાં ભારે માગ રહી હતી. રિટેલ રોકાણકારો માટે રખાયેલું ભરણું પણ ૧૨ ગણું છલકાઈ ગયું હતું. નાયકાની પેરન્ટ કંપની એફએસએન ઇ-કોમર્સ વેન્ચર સ્ટોક એક્સ્ચેન્જમાં લિસ્ટ થયેલી ભારતીય મહિલાનું નેતૃત્વ ધરાવતી પહેલી યુનિકોર્ન કંપની છે. અગાઉ ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્કનું નેતૃત્વ કરનાર ફાલ્ગુની નાયરે ૫૦ વર્ષની ઉંમરે કંપનીની સ્થાપના કરી હતી.