નૂતન વર્ષની નવલી ભેટ - લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ નવેમ્બરથી

સમાજપરસ્ત અખબારોના નેતૃત્વમાં ચાલેલી ઝુંબેશને જ્વલંત સફળતા

- કોકિલા પટેલ Wednesday 14th October 2015 05:59 EDT
 
 

લંડનઃ ૧૪ વર્ષના લાંબા વનવાસ પછી વતન પરત ફરી રહેલા ભગવાન શ્રીરામને વધાવવા દિપોત્સવી પર્વ ઉજવવામાં આવે છે. અને આ જ સપરમા પર્વે આપણને ૧૪ વર્ષના લાંબા સંઘર્ષ પછી લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ ફરી મળી રહી હોવાના શુભ સંકેત મળી રહ્યા છે. દિલ્હીસ્થિત વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એર ઇંડિયા દ્વારા નવેમ્બરના અંત સુધીમાં લંડન-અમદાવાદને જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ જશે. લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિને લંડનની મુલાકાત દરમિયાન આ ફ્લાઇટના પ્રારંભની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયા દ્વારા લંડન-અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફલાઇટનો રૂટ નક્કી થઇ ગયો છે. એર ઇન્ડિયા શરૂઆતમાં અઠવાડિયાની ચાર ફલાઇટથી ઉડ્ડયન કરશે એમ મનાય છે. લંડન - હિથ્રોથી લગભગ સવારે ૯.૦૦ વાગ્યે ફલાઇટ ઉપડશે અને અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે ૧૦-૩૦ વાગ્યે લેન્ડીંગ કરશે. જ્યારે અમદાવાદથી વહેલી પરોઢિયે લગભગ ૨.૦૦ વાગ્યે ફલાઇટ ઉપડશે અને લંડન - હિથ્રો પર વહેલી સવારે ૬.૦૦ વાગ્યે લેન્ડીંગ કરશે એમ જાણવા મળે છે.
બ્રિટનવાસી ગુજરાતીઓની પડખે રહી એમના હક્કો માટે વિવેકશીલ, પદ્ધતિસર, ન્યાયપૂર્ણ માગણી કરનાર ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના માધ્યમ દ્વારા લગભગ ૧૪ વર્ષથી લંડન-અમદાવાદ વચ્ચેની ડાયરેક્ટ ફલાઇટ માટે સતત ઝુંબેશ ચાલતી રહી છે. અગાઉ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન (NCGO)ના સહયોગ સાથે આ સાપ્તાહિકોના પાના ભરીને વાચકોએ પિટીશનો પર હસ્તાક્ષર કરીને ડાયરેકટ ફલાઇટ માટે જોરદાર રજૂઆત કરી હતી.
આપ સૌ વાંચકો, ગુજરાતના સર્વપક્ષીય ધારાસભ્યો, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને એર ઇન્ડિયાના લંડન અને ભારતસ્થિત સર્વોપરી, અગ્રણી સુત્રધારો, ધારાસભ્યો, વિપક્ષી નેતાઓ, ઉદ્યોગપતિઓ, સાંસદોનો આ સાપ્તાહિકો ખૂબ આભાર વ્યક્ત કરતાં આ લાંબા સમયની ઝુંબેશની કેટલીક સચોટ, જાણવા જેવી કેટલીક માહિતી અત્રે રજૂ કરવા માંગે છે.
અમદાવાદ વાયા મુંબઇ કે દિલ્હી થઇને લંડન સુધી હવાઇ સફર કરનાર વડીલો, વિકલાંગો અને પ્રેગનન્ટ બહેનોને પડતી મુશ્કેલીઓગ્રસ્ત સૌ પ્રવાસીઓએ વારંવાર પ્રકાશક-તંત્રી સી. બી. પટેલને ડાયરેક્ટ ફલાઇટ માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો. અખબારી વ્યવસાય માત્ર ધનોપાર્જનનું જ સાધન નહિ બનાવનાર સી. બી. પટેલે સમાજના જનહિતાર્થે ન્યાયપૂર્ણ માગણી કરતી પિટીશનો માટે પાના ભરીને ફોર્મ પ્રસિદ્ધ કર્યાં. એનો સર્વત્રથી સારો પ્રતિસાદ સાંપડ્યો.
૨૦૦૩માં જયારે શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે હતા ત્યારે સી. બી. પટેલે અત્રેના અગ્રણી યુવા કાર્યકર અને સોલિસીટર શ્રી મનોજ લાડવાને ડાયરેક્ટ ફલાઇટ વિષે રજૂઆત કરવા જણાવ્યું. એ વખતે યુકે, આયર્લેન્ડના રિજનલ ડાયરેક્ટર કેપ્ટન અશ્વિન શર્મા હતા. એ અરસામાં એર ઇન્ડિયા દ્વારા લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટ શરૂ થઇ હતી. એ પછી ૨૦૦૪માં ભારતમાં યુપીએ સરકાર આવી. એ વખતે પણ ફલાઇટ ચાલતી હતી, પણ થોડા સમય બાદ કોઇ પણ પબ્લિક નોટિસ વગર એકાએક એર ઇન્ડિયાની અમદાવાદ-લંડનની ફલાઇટો બંધ થઇ ગઇ. એ સમયે NCGO અને ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’એ એર ઇન્ડિયાના તત્કાલીન રિજનલ ડાયરેકટર કે. ડી. રાવ પાસે રજૂઆત કરતા તેમણે ફલાઇટ બંધ થવાનું એવું કારણ જણાવ્યું હતું કે, અમદાવાદની ડાયરેકટ ફલાઇટ માટે પૂરતા પેસેન્જરો નથી!
ગુજરાતીઓને થતા અન્યાય અને લોકમાંગને ધ્યાનમાં લઇ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ સાપ્તાહિકોએ લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટ માટે ઝુંબેશ શરૂ કરી. દર સપ્તાહે બન્ને અખબારોમાં પાના ભરીને પિટીશન ફોર્મ ભરવા સૌને અપીલ કરી. જેને જાગ્રત સંસ્થાઓ અને વાંચકોનો ભારે સહકાર સાંપડ્યો.
પ્રથમ તબક્કે ૨૨ હજાર પિટીશન થઇ અને બીજા તબક્કામાં ૧૬ હજાર સહીઓ સાથેની પિટીશન મળી. આ પિટીશન નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશનના અગ્રણીઓ સાથે મળીને ‘ગુજરાત સમાચાર'ના ન્યુઝ એડિટર કમલ રાવ અને ‘એશિયન વોઇસ’ના એસોસિએટ એડિટર રૂપાંજના દત્તાએ એર ઇન્ડિયાની મુખ્ય ઓફિસમાં જઇ સુપ્રત કરી હતી.
૧૦મી માર્ચ, ૨૦૧૦માં નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશનના એ વેળાના ચેરમેન સી. બી. પટેલ અને સેક્રેટરી કુ. અનીતા રૂપારેલીયાએ ગુજરાતના એ વેળાના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, પ્રધાન હરીન પાઠક સહિત અન્ય વિધાનસભ્યો અને સાંસદોને લંડન અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટ માટે અપીલ કરતા પત્રો પાઠવ્યા હતા. સાથે સાથે મુંબઇસ્થિત એર ઇન્ડિયાના એ વખતના ચેરમેન અને મેનજિંગ ડાયરેકટર અરવિંદ જાદવને પણ અપીલ કરતો પત્ર પાઠવ્યો હતો. ૧૧ માર્ચ, ૨૦૧૦ના રોજ એર ઇન્ડિયાના માર્કેટિંગ મેનેજર અને યુકેના માર્કેટિંગ મેનેજર શૈલેન્દ્ર તોમરને પણ એ વખતના NCGOના ચેરમેન સી.બી. પટેલે પત્ર પાઠવ્યો હતો.
૧૦ મે, ૨૦૧૦ના રોજ મિનિસ્ટર ઓફ એવિએશન પ્રફુલ પટેલને પત્ર પાઠવીને સી.બી. પટેલે અપીલ કરી હતી કે, 'લંડન-અમદાવાદ-લંડન વચ્ચે અઠવાડિયે હજારો પેસેન્જર પ્રવાસ કરે છે. એમાં ઘણા અશક્ત વડીલો વ્હીલચેરમાં હોય છે. વાયા મુંબઇ-દિલ્હી જતી આ ફલાઇટો દરમિયાન લાંબા સમયના વેઇટીંગ ટાઇમમાં સગર્ભા બહેનો, નવજાત બાળકો સાથે માતાઓ અને વિકલાંગોને ભારે વિટંબણા વેઠવી પડે છે.’
૨૦૧૨માં NCGO, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના સહયોગ સાથે લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટ માટે ફરી પિટીશનો શરૂ કરી. એ વખતે પણ એકમાત્ર ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’એ જ પાના ભરી ભરીને પિટીશન ફોર્મ પ્રસિદ્ધ કરીને વાચકોને અપીલ કરી હતી. એ વખતે હજારોની સંખ્યામાં થયેલી પિટીશનોની ફાઇલ લઇને મનોજ લાડવા ઇન્ડિયા ગયા હતા. મનોજ લાડવા અને ગુજરાતી ફિલ્મ વિખ્યાત અભિનેતા અને સંસદસભ્ય પરેશ રાવલે એ પિટીશનો એ વખતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કરી હતી.
પિટીશનમાં સહભાગી બનનાર NCGOના સભ્યોએ પણ ૩૦૦૦ જેટલી પિટીશનો ભેગી કરી હતી. એ વખતે અમે શરતચૂકથી NCGOઓના સહયોગનો અહેવાલમાં ઉલ્લેખ કરવાનું ચૂકી ગયા હતા. તે વેળા NCGOના પ્રમુખ શરદભાઇ પરીખ અને સેક્રેટરી મહેન્દ્રસિંહ જાડેજા અને સક્રિય સભ્ય શ્રીમતી કૃષ્ણાબેન પૂજારાએ NCGOના પેટ્રન, તંત્રી સી. બી. પટેલને અપમાનજનક શબ્દો સાથે ધમકીભર્યા પત્રો પાઠવ્યા હતા. પાછળથી આ ત્રણેયે લેખિત માફી માગી હતી. આવા વખતે તકની રાહ જોઇ બેઠેલા તકસાધુ જેવા બીજા એક સલાહકારે સી.બી.ને પેટ્રનપદેથી કાઢવા માટે ખૂબ ઉધામા મચાવ્યા હતા.
૨૦૧૨માં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ ટુનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો તેમાં ભારત સરકારના સિવિલ એવિએશન પ્રધાન પ્રફુલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ભારતમાં લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ ઝુંબેશનું સુકાન સંભાળતા અમદાવાદના વરિષ્ઠ પત્રકાર ભૂપતરાય પારેખ અને એડવાઇઝરી કમિટીના ચેરમેન સંસદસભ્ય હરીનભાઇ પાઠકે ફ્લાઇટ ફરી શરૂ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. એટલું જ નહીં, સમારોહમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓએ કેન્દ્રની યુપીએ સરકારને લંડન-અમદાવાદની ડાયરેકટ ફલાઇટ માટે ઘટતું કરવા ન્યાયપૂર્ણ માગણી કરી હતી. એ વખતે પ્રફુલભાઇ પટેલે મોટા ઉપાડે જાહેરાત તો કરી હતી કે આવતા શિયાળુ સમયપત્રકમાં આ ફ્લાઇટનો સમાવેશ થશે, પરંતુ આવું કંઇ થયું નહોતું. તે યુપીએ સરકાર સમક્ષની રજૂઆતો બહેરા કાને અથડાતી હતી.
૨૦૧૪માં કેન્દ્રમાં પૂર્ણ બહુમત સાથેની એનડીએ સરકાર આવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતીઓની ન્યાયી, વ્યાજબી માંગ પરિપૂર્ણ થાય એ માટે આ સાપ્તાહિકો સતત પ્રયત્નશીલ રહ્યા છે. લંડનસ્થિત યુવા કાર્યકર મનોજ લાડવા આ બાબત અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સતત સંપર્કમાં જ રહેતા.
૨૦૧૩ની શરૂઆતમાં ૭ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી દરમિયાન સી. બી. પટેલે આઠ દિવસ સુધી લંડન- અમદાવાદની ડાયરેકટ ફલાઇટ માટે ગાંધીનગર-અમદાવાદ ખાતે રાજકીય ઝૂંબેશ આદરી હતી. તેમણે ડાયરેકટ ફલાઇટ શરૂ થાય એ માટે યુકે અને ભારતના અગ્રગણ્ય સાંસદ સભ્યો, રાજકીય નેતાઓ તથા ઉદ્યોગપતિઓની એક કમિટીની રચના કરી હતી. કેટલાક લોર્ડઝે પણ આ ઝુંબેશને સમર્થન
આપ્યું હતું.
ડાયરેક્ટ ફલાઇટ ટાસ્ક ફોર્સ કમિટીના યુકે ખાતેના કો-ઓર્ડિનેટર તરીકે સી. બી. પટેલે અને ભારત ખાતેના કો-ઓર્ડિનેટર તરીકે વરિષ્ઠ પત્રકાર ભૂપતરાય પારેખે જવાબદારી સંભાળી હતી. ૧૩ જાન્યુઆરીએ ગાંધીનગરની ફોર્ચ્યુન-ઇન હોટેલમાં કમિટીના સભ્યો, પ્રધાનો વિપક્ષી નેતાઓ અને સંસદ સભ્યો જેઓ આ ડાયરેક્ટ ફલાઇટની ઝુંબેશમાં જોડાયા હતા એમની સાથે સી. બી. પટેલે ભોજન સમારંભ યોજીને આ અંગે ચર્ચા કરી હતી. માર્ચ ૨૦૧૫માં ભારત સરકારના નાણા પ્રધાન અરુણ જેટલી લંડન આવ્યા હતા ત્યારે પણ ડાયરેક્ટ ફલાઇટ વિષે સી. બી. પટેલે પ્રશ્ન કર્યો હતો.
ત્રણેક મહિના પહેલાં અમને દિલ્હીથી વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા સમાચાર સાંપડ્યા હતા કે ભારત સરકાર અને એર ઇન્ડિયા લંડનસ્થિત ગુજરાતીઓની ન્યાયપૂર્ણ માગણીને લક્ષ્યમાં રાખી એ દિશામાં હકારાત્મક પગલાં લઇ રહ્યા છે. નવેમ્બરમાં બ્રિટન પ્રવાસે આવનાર વડા પ્રધાન મોદી લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટની જાહેરાત કરી સૌને આનંદવિભોર બનાવશે.
દરિમયાન ૨૧ સપ્ટેમ્બરે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટની જાહેરાત થવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. ભારતીય અખબાર તેમ જ ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’માં આ સમાચારો પ્રસિદ્ધ થયા પછી શરદભાઇ પરીખે ઘણાને લાગલું (તરત) જ નિવેદન મોકલી આપ્યું કે ભારતસ્થિત એમના સલાહકારે આ કાર્ય કર્યું છે!! આપ સૌ વિદિત છો કે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ અખબારો અને એના પ્રકાશક-તંત્રીએ યુકેસ્થિત ગુજરાતીઓને વાયા મુંબઇ કે દિલ્હી જતી ફલાઇટોમાં પડતી મુશ્કેલીઓ, વિટંબણાઓને નજરે નિહાળી, જાતે અનુભવી આ ન્યાયી માંગણીની ૧૯૯૯થી સતત ઝૂંબેશ આદરી છે. આ સાપ્તાહિકો સાથે ૩૧ વર્ષથી હું પત્રકારત્વની ફરજ અદા કરી રહી છું ત્યારે હું તટસ્થપણે કહી શકું છું કે ભારત કે ભારત બહાર ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ સિવાય કોઇ પણ અખબારે દર અઠવાડિયે આવી પાના ભરી ભરીને પિટીશન ફોર્મ છાપીને ડાયરેક્ટ ફલાઇટ માટે અપીલ નહિ કરી હોય. આજે ગુજરાતીઓનું હિત જેના રુદયે વસે છે એવા આપણા વડા પ્રધાન મોદીજી નવેમ્બરમાં યુકેવાસી ગુજરાતીઓ માટે આનંદદાયક સમાચાર લઇ નવલું નજરાણું આપવા આવી રહ્યા છે ત્યારે ‘તૈયાર ભાણે જમનારા તકસાધુઓ જશનો લાડુ ખાવા તૈયાર થયા છે! આવું કેમ ચાલે?!
ચાલો, કાંઇ નહિ, આ અખબારોમાં છપાયેલા પિટીશન ફોર્મની કોપીઓ લઇ સહીઓ કરાવવા અવિરત પ્રયાસ કરનારા વાંચકો, શુભેચ્છકો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ, ગુજરાતના પ્રધાનો, સાંસદો, વિપક્ષના નેતાઓ અને ઉદ્યોગપતિઓ સૌ અમારા આ અભિયાન વિષે જાણે છે, અમે એ સૌના ખૂબ ઋણી છીએ. આપણે સૌએ ડાયરેક્ટ ફલાઇટ માટે વર્ષો પરસેવો પાડ્યો એનો યશ ખાટી જવા બીજા છાપાવાળા કે તકસાધુઓ ફોટા પડાવીને વટ પાડે એથી શું? સાચું શું છે એ તો આપ સૌ જાણો જ છો. સત્યમેવ જયતે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter