કોલકતા, નવી દિલ્હીઃ ભારતના મહાન ક્રાંતિકારી અને ઇન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ)ના સ્થાપક સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ છેલ્લા સાત દસકાથી રહસ્ય બની રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળ સરકારે નેતાજી સાથે જોડાયેલી ૬૪ ગુપ્ત ફાઇલો સાર્વજનિક કરી છે.
આ ફાઇલોના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે, નેતાજીનું મૃત્યુ ૧૯૪૫માં તાઇવાનમાં પ્લેન-ક્રેશમાં થયું હોવાના કોઈ પુરાવા નથી. તે સમયે ભારત સરકારે નેતાજીના ભાઈ અમીય બોઝને લખેલા એક પત્રમાં પણ જણાવાયું હતું કે, ભારત સરકારને તાઇવાનમાં થયેલાં પ્લેન ક્રેશ અને તેમાં નેતાજીનાં મૃત્યુ અંગે કોઈ જાણકારી નથી. જ્યારે એક અન્ય ફાઇલમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે નેતાજી તો ૧૯૪૮માં ચીનના મંચુરિયામાં કોઇ સ્થળે હતા.
પશ્ચિમ બંગાળ સરકારે ૧૮ સપ્ટેમ્બરે જાહેર કરેલી સુભાષચંદ્ર બોઝ સંબંધિત ૬૪ કોન્ફિડેન્શિયલ ફાઈલોમાંથી મળતી જાણકારી અનુસાર નેતાજીના સહયોગીઓમાંના એક દેવનાથ દાસે એ સમયે દાવો કર્યો હતો કે નેતાજી જીવિત હતા અને તેઓ ૧૯૪૮માં ચીનના મંચુરિયામાં કોઈ સ્થળે હતા.
જાહેર કરાયેલી ફાઈલોમાંથી ફાઈલ નંબર ૨૨માં બંગાળ સરકાર દ્વારા નેતાજી સહિત દાસ અંગે એકત્ર કરાયેલી ગુપ્ત જાણકારી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફાઈલમાંની માહિતી અનુસાર, ૯ ઓગસ્ટ, ૧૯૪૮ની તારીખે જણાવાયું છેઃ ‘એક પૂર્વ આઈએનએ નેતા, દેવનાથ દાસ, સક્રિય રીતે કોંગ્રેસવિરોધી પ્રચારમાં સામેલ હતા અને તેમના રાજકીય અને પાર્ટી વર્તુળોમાં ચર્ચા છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જીવિત છે અને તેઓ હાલમાં ચીનના મંચુરિયામાં કોઈ સ્થળે છે.’
‘તમારા ભાઇ હજુ જીવિત છે’ સ્વિત્ઝર્લેન્ડના પત્રકાર
ડો. લીલી એબેગે નેતાજીના ભાઈ શરતચંદ્ર બોઝને ૯ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, 'મેં ૧૯૪૬માં મારા જાપાનીઝ સૂત્રો પાસેથી જાણ્યું હતું કે, તમારા ભાઈ હજુ જીવિત છે.'
તેમણે એમ પણ લખ્યું હતું કે, 'આ પ્રકારના એક ખુલ્લા પત્રમાં હું તમને બધી જ વાતો જણાવી શકું તેમ નથી.' ૧ નવેમ્બર, ૧૯૪૯માં તેમણે શરતચંદ્ર બોઝને લખેલા અન્ય એક પત્રમાં જણાવ્યું હતું કે, 'બોઝના કોઈ સમાચાર છે? યુનાઇટેડ પ્રેસ પાસેથી મળેલી જાણકારી મુજબ, તેઓ પેકિંગમાં છે.' ઉલ્લેખનીય છે કે લીલી સુભાષચંદ્ર બોઝનાં મૃત્યુ સમયે જાપાન અને ચીનના કોરસ્પોન્ડન્ટ હતા. લીલીના આ પત્રને એલ્ગિન રોડ પોસ્ટ ઓફિસમાંથી ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતો એ પુરવાર કરે છે કે, નેતાજી ૧૯૪૫માં પ્લેનક્રેશમાં માર્યા ગયા નહોતા.
એમિલી સાથે લગ્ન
૪ મે, ૧૯૪૬નાં રોજ કોલકતાના પોલીસ સિક્યુરિટી કંટ્રોલના સર્વેમાં જણાવ્યા પ્રમાણે નેતાજી અને એમિલીના લગ્ન જાન્યુઆરી ૧૯૪૨માં થયાં હતાં. ૨૯ નવેમ્બર, ૧૯૪૨માં તેમને એક પુત્રી જન્મી હતી, જેનું નામ અનિતા રખાયું હતું. આ પછી એમિલી પાછા વિયેના ચાલ્યા ગયાં હતાં. એમિલીએ દાવો કર્યો હતો કે તેમના લગ્ન હિંદુ રિવાજ મુજબ કરાયાં હતાં.
પુત્રી સાથે છેલ્લી મુલાકાત
પુત્રી ચાર મહિનાની હતી ત્યારે નેતાજી છેલ્લે તેને મળ્યા હતા. નેતાજીએ તેની પુત્રીને છેલ્લે જોઈ ત્યારે તે ચાર મહિનાની હતી. નેતાજી ૧૯૪૩માં ફરી વિયેના જવા માગતા હતા, પણ તે પહેલાં જ તેઓ ગાયબ થયા હતા. બીજી તરફ નેતાજી ગુમ થયા તે પહેલાં તેમણે તેમના ભાઈ શરતચંદ્રના નામે એક પત્ર લખ્યો હતો. એમિલીને સંબોધીને તેમણે કહ્યું હતું કે જો મને કંઈ થઈ જાય તો આ ફોટો અને પત્ર મારા ભાઈને પહોંચાડવા.
પરિવાર પત્નીના સંપર્કમાં હતો
નેતાજી સુભાષચંદ્ર બોઝની ૬૪ ફાઈલો જાહેર કરાતાં તેમના લગ્નજીવનનાં રહસ્યો પરથી પડદો ઊંચકાયો છે. આ ફાઈલો પરથી જાણવા મળે છે કે નેતાજી ગાયબ થયા પછી પણ તેનાં પત્ની એમિલી શેંકલ સાથે નેતાજીના પરિવારનો સંપર્ક સ્થપાયેલો હતો. પત્રો દ્વારા તેની પરિવાર સાથે વાતચીત થતી રહેતી હતી. વાતચીતમાં નેતાજીની પુત્રી અનિતાનો પણ ઉલ્લેખ કરાયો છે.
‘અસલી વિલન ખુલ્લા પડ્યા’
નેતાજીના પ્રપૌત્ર ચંદ્ર બોઝે જણાવ્યું હતું કે, 'ફાઇલો સાર્વજનિક થવાથી આઝાદ ભારતના અસલી વિલન ખુલ્લા પડી ગયા છે. કોંગ્રેસ શાસનમાં બોઝ પરિવારની જાસૂસી થઈ રહી હતી. તેમણે મારા પિતાજી અમિયનાથ બોઝની જાસૂસી કેમ કરાવી? તેઓ દાઉદ ઇબ્રાહિમ નહોતા.’
૬૪ ફાઇલ, ૧૨૭૪૪ પાન
અત્યાર સુધી આ ફાઈલો રાજ્ય સરકારના લોકરમાં હતી, જેને નેતાજીના પરિવારજનોની હાજરીમાં જ અલગ પાડીને જાહેર કરવામાં આવી છે. આ ૬૪ ફાઈલોમાં કુલ ૧૨,૭૪૪ પાનાં છે. નેતાજીના પરિવારજનો જ આ ફાઈલો જાહેર કરવાની વર્ષોથી માગ કરી રહ્યા હતા કારણ કે, નેતાજીના મૃત્યુ પછી ઘણાં વર્ષો સુધી લોકો નેતાજીને જીવિત હોવાનું માનતા હતા.
આ ફાઈલો કોલકતા પોલીસ મ્યુઝિયમમાં કાચના શો-કેસમાં પ્રદર્શિત કરાશે, એમ શહેર પોલીસ સુરજિત કાર પુરાકાયસ્થાએ જણાવ્યું હતું. જોકે, ૬૪ ફાઈલોમાંથી ૫૫ કોલકાતા પોલીસને સોંપાઇ છે, જ્યારે નવ ફાઈલો રાજ્ય પોલીસ હસ્તક રહેશે. આ તમામ ફાઈલો નેતાજીના પરિવારજનોને પણ ડીવીડી ફોર્મેટમાં સોંપાઇ છે.
હવે મોદી ફાઇલો જાહેર કરશે?
મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું છે કે, અમે નેતાજીની મહત્ત્વની ફાઈલો જાહેર કરી છે કારણ કે અમારી સરકાર કાયદાકાનૂનમાં માને છે. આ જ રીતે, કેન્દ્ર સરકારે પણ આવી મહત્ત્વની ફાઈલો જાહેર કરી દેવી જોઈએ.
બહુ લાંબા સમયથી નેતાજીના જીવન સાથે સંકળાયેલા મહત્ત્વના દસ્તાવેજો ધરાવતી ફાઈલો જાહેર કરવાની માગ થઈ રહી હતી. આ વાતનો ઉલ્લેખ કરતા બેનરજીએ કહ્યું હતું કે એક રાષ્ટ્રીય નેતા મુદ્દે લોકોને સત્ય જાણવાનો અધિકાર છે. ભારત સરકાર પાસે પણ આવી ૧૩૦ ફાઈલો છે, જેમાંથી તેમણે દેશની આંતરિક સ્થિતિ જોખમાય એમ ના હોય તેવી તમામ ફાઈલો જાહેર કરી દેવી જોઈએ.
મોદી બોઝના પરિવારને મળશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રાષ્ટ્રજોગ રેડિયો સંબોધનના કાર્યક્રમ 'મન કી બાત'માં જણાવ્યું હતું કે તેઓ નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ૫૦ પરિવારજનોને આવતા મહિને પોતાના નિવાસસ્થાને મળશે. જોકે, તેમણે પશ્ચિમ બંગાળ સરકારે જે પ્રકારે નેતાજી અંગેની ગોપનીય ફાઇલો જાહેર કરી તે પ્રમાણે ભારત સરકાર નેતાજીની ગોપનીય ફાઇલો જાહેર કરશે કે કેમ તે અંગે કંઇ કહેવાનું ટાળ્યું હતું.
સ્વામીની સરકારને ચીમકી
ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્મયમ્ સ્વામીએ ૧૮ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, જો આ વર્ષના અંત સુધીમાં ભારત સરકાર સુભાષ ચંદ્ર બોઝ સાથે જોડાયેલી ગુપ્ત ફાઇલોને સાર્વજનિક નહીં કરે તો તેઓ કોર્ટમાં જશે. બીજી તરફ, આ મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા એમ. જે. અકબરે જણાવ્યું હતું કે, બંગાળ સરકાર આ મુદ્દે રાજકારણ ન રમે. ભારત સરકાર આ ગૂંચવણ ઉકેલવા ગંભીર છે.
નેતાજી ક્યાં? ૧૯૪૫માં ખબર ન હતી, ૨૦૧૫માં પણ નથી!
પશ્ચિમ બંગાળ સરકારે સુભાષ ચંદ્ર બોઝ સાથે સંકળાયેલી ૬૪ ફાઈલો જાહેર કરી છે, એટલે ફરી એક વખત સવાલ સપાટી પર આવ્યો છે કે તેમના મોતનું રહસ્ય ઊજાગર થશે? ક્યારેય થશે ખરું?
સત્તાવાર નોંધ પ્રમાણે, ૧૯૪૫ની ૧૮ ઓગસ્ટે નેતાજી જાપાનમાં વિમાનમાં સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે વિમાન તૂટી પડ્યું હતું. એ અકસ્માતમાં નેતાજીનું મોત થયું હતું. પાછળથી જાહેર થયેલા વિવિધ દસ્તાવેજો પ્રમાણે એ દિવસે તાઈવાન એરપોર્ટ પર કોઈ વિમાન અકસ્માત થયો ન હતો! અકસ્માતના કહેવાતા સ્થળેથી કોઈ મૃતદેહ પણ મળ્યો નહોતો. તો પછી નેતાજી ગયા ક્યાં? એ સવાલ ૧૯૪૫માં પૂછાતો હતો એટલી જ ઉત્સુક્તાથી ૨૦૧૫માં પણ પૂછાય છે. સરકારે નેતાજીના મોત અંગે તપાસ કરવા એકથી વધારે સમિતિઓ બનાવી હતી, પરંતુ એ તમામ સમિતિઓની કામગીરી શંકાના દાયરામાં છે. ૧૮૯૭માં જન્મેલા નેતાજી આજે હોય તો પણ જીવંત ન હોય, પરંતુ તેમની મોત સાથે સંકળાયેલો વિવાદ તેમને મરવા દેતો નથી.
• ભણવામાં તેજસ્વી સુભાષબાબુએ ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી અને પછી આઝાદીની લડત માટે આઈસીએસની નોકરીને ઠોકર પણ મારી હતી. ગર્વનરને મળવા છત્રી લઈને ન જઈ શકાય તેવા નિયમનું પાલન કરવાની તેમણે ના પાડી દીધી હતી.
• સંપૂર્ણ આઝાદીના તેમના આગ્રહને કારણે ૧૯૨૧થી ૧૯૪૧ વચ્ચે તેમને ૧૧ વખત કારાવાસ ભોગવવો પડ્યો હતો.
• ભારતમાં રહીને તેમણે અંગ્રેજો સામે સમાંતર સરકાર તૈયાર કરી હતી. ભારતમાં બેઠાં બેઠાં જ તેમણે જાપાન અને જર્મની સાથે સંબંધો વિક્સાવ્યા હતાં. જાપાનમાં પણ તેમનું નામ આદર સાથે લેવાય છે.
• ભારતમાં તેમણે આઝાદ હિન્દ ફોજ રચી હતી અને જર્મનીમાં જઈ અનુયાયીઓને સંબોધવા હિન્દી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું.
• ગાંધીજીની માફક બોઝને પણ લડતની પ્રેરણા ભગવદ્ત ગીતામાંથી મળી હતી.
• ૧૯૩૮ અને ૧૯૩૯માં બે વખત ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા હતા. ગાંધીજીની અનિચ્છા છતાં કોંગ્રેસનું એક અધિવેશન ગુજરાતના હરિપુરામાં ભરાયું હતું, જ્યાં પ્રમુખ તરીકે આવ્યા હતા.