કાઠમંડુ: ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં નેપાળ ચીનની ઉશ્કેરણી હેઠળ એક પછી એક વિવાદાસ્પદ નિર્ણયો લઇ રહ્યું છે. ભારત વિરુદ્ધ ઝેર ઓકતા નેપાળના ડાબેરી વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ પહેલાં ભારતના ત્રણ સ્થળોને પોતાના નક્શામાં દર્શાવીને વિવાદ ઉભો કર્યો. હવે તેમણે ભારત - નેપાળ સરહદે સૈન્ય ગોઠવવાનો નિર્ણય કર્યો છે.
વડા પ્રધાન ઓલીએ નેપાળમાં પ્રવેશ કરવા માટે ખુલ્લી સરહદોને બંધ કરી દેવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયના ભાગરૂપે નેપાળ સરકાર નિશ્ચિત સરહદીય ક્ષેત્રમાંથી જ લોકોને નેપાળમાં પ્રવેશ આપશે. સાથોસાથ ભારત સાથેના તણાવને ધ્યાનમાં રાખતાં નેપાળે તેના સરહદીય વિસ્તારોમાં સૈન્ય ગોઠવવાને પણ મંજૂરી આપી દીધી છે. આમ બન્ને દેશને અલગ કરતી સરહદ પર પ્રથમ વખત નેપાળ સૈન્ય ગોઠવશે.
નેપાળ અને ભારત વચ્ચે અત્યાર સુધી અંદાજે ૧૭૦૦ કિ.મી. ખુલ્લી સરહદો છે. નેપાળ અને ભારતના નાગરિકો કોઇ પણ રોકટોક વિના એકબીજાની સરહદો ઓળંગી શકતા હતા. જોકે નેપાળ સરકારના તાજા નિર્ણયથી હવે માત્ર ચોક્કસ સરહદો પરથી જ લોકોને નેપાળમાં પ્રવેશવાની મંજૂરી મળશે. નેપાળ સરહદ વિવાદમાં ભારત સાથે સંઘર્ષના મૂડમાં છે.
વડા પ્રધાન ઓલના પ્રધાનમંડળે સરહદ વ્યવસ્થાપન અને સલામતીના નામે કડકાઇ દર્શાવતા સરહદી ક્ષેત્રમાં સૈન્ય ગોઠવવાને પણ મંજૂરી આપી દીધી છે. આમ પહેલી વખત નેપાળ-ભારત સરહદે સૈન્ય ગોઠવાઇ રહ્યું છે.
મૈત્રી સંધિનો ભંગ
જોકે નેપાળ-ભારત વચ્ચે સરહદને નિયંત્રિત કરવી, બંધ કરવી અને સૈન્ય ગોઠવવું એ બન્ને દેશો વચ્ચે ૧૯૫૦માં થયેલી મૈત્રી સંધિ વિરુદ્ધ છે. નેપાળની ડાબેરી કોમ્યુનિસ્ટ પાર્ટી હંમેશા આ સંધિની વિરુદ્ધ રહી છે. ચીનના છૂપા સમર્થનથી નેપાળમાં ઊભા થયેલા ડાબેરી નેતાઓનો મોટો એજન્ડા ભારત સાથે સાંસ્કૃતિક, ધાર્મિક, પારિવારિક અને રાજકીય સંબંધો ખતમ કરવાનો છે.
નક્શામાં સુધારાનો સંસદમાં પ્રસ્તાવ
બીજી તરફ, નેપાળ સરકારે ભારત સાથે સરહદ વિવાદમાં વાટાઘાટોના સૂચનનો ઇનકાર કરી દીધો છે. ઓલીની સરકારે સંસદમાં બંધારણીય સુધારાનું એક બિલ રજૂ કર્યું છે, જેમાં ભારતના વિસ્તારો પોતાના ગણાવતા નકશાને મંજૂરીની દરખાસ્ત છે. ભારતના ૩૭૦ કિલોમીટરના વિસ્તારને પોતાનો ગણાવતા રાજકીય નકશા અને રાષ્ટ્રીય પ્રતીકમાં સુધારા માટેનો બંધારણીય સુધારા ખરડો રવિવારે સંસદમાં રજૂ કરાયો છે. કાયદા પ્રધાન શિવમાયા તુમ્બાહામ્ફેએ રજૂ કરેલો બંધારણીય સુધારા ખરડો નેપાળ, ભારત અને ચીનના તાબા હેઠળના તિબેટના ત્રિભેટે આવેલા ભારતના ૩૭૦ ચોરસ કિલોમીટર વિસ્તારને પોતાનો ગણાવતા નેપાળ સરકારે જારી કરેલા રાજકીય નકશા પર મહોર મારશે.
નેપાળ હવે એવો દાવો કરી રહ્યો છે કે ભારતના રાજકીય નકશામાં સામેલ કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ નેપાળના પ્રદેશો છે. નેપાળની પ્રતિનિધિ સભામાં ખરડાને બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરી શકાશે તેવી ખાતરી થયા બાદ જ ઓલી સરકારે બંધારણીય સુધારા ખરડો રજૂ કર્યો હતો.
ભારતના મિત્ર પક્ષનું પણ સમર્થન
નેપાળમાં ભારતની મિત્ર ગણાતી નેપાળી કોંગ્રેસ પણ સંસદમાં રજૂ કરાયેલા વિવાદાસ્પદ ખરડાને સમર્થન આપી રહી છે. પાર્ટીએ સાંસદોને બંધારણીય સુધારા ખરડાની તરફેણમાં મતદાન કરવાનો વ્હિપ પણ જારી કર્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી, સમાજવાદી જનતા પાર્ટી નેપાળ અને રાષ્ટ્રીય જનતા પાર્ટી નેપાળે પણ ખરડાને સમર્થન જાહેર કર્યું છે.
દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ વધશે
નેપાળની ઓલી સરકારના આ પગલાંથી ભારત સાથેના નેપાળના સંબંધ વધુ વણસી જશે. નેપાળમાં સામાન્ય રીતે બંધારણીય સુધારા ખરડો પસાર થવામાં એક મહિના જેવો સમય લાગે છે પરંતુ જનલાગણીને જોતાં નેપાળી સંસદ કેટલીક પ્રક્રિયાઓની અવગણના કરી આગામી ૧૦ દિવસમાં ખરડો પસાર કરે તેવી સંભાવના છે. નેપાળે પહેલી વાર ભારત સાથેની સરહદ પર સેના તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. નેપાળ સરકારે નેપાળમાં પ્રવેશ માટેની ખુલ્લી સરહદો બંધ કરવા અને ભારતથી આવતા લોકોને ચોક્કસ સરહદી પોસ્ટ પરથી જ નેપાળમાં પ્રવેશ આપવા નિર્ણય કર્યો છે.
૩૭૦ ચોરસ કિમી પર નેપાળનો દાવોઃ ચીન માટે વ્યૂહાત્મક મહત્ત્વનો વિસ્તાર
નેપાળે કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખના ૩૭૦ ચોરસ કિમી વિસ્તાર પર દાવો કર્યો છે. આ વિસ્તારો હાલ ભારતના રાજકીય નકશામાં સામેલ છે. તિબેટ, નેપાળ અને ભારતના ત્રિભેટે આવેલા વિસ્તારો પર દાવો કરતા નેપાળ કહે છે કે બ્રિટિશ શાસનકાળમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલી સંધિ અંતર્ગત આ વિસ્તારો નેપાળના છે.
ભારતે માનસરોવરની યાત્રા સરળ બનાવવા માટે તેના રૂટ પર આવેલા ધારચુલાથી લિપુલેખ સુધીની સડકનું નિર્માણ કરતાં નેપાળની ઓલી સરકારે નવો રાજકીય નકશો તૈયાર કરી ભારતના ૩૭૦ ચોરસ કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો ઠોક્યો છે.
કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ ભારત માટે ચીન સાથે ૧૯૬૨માં યુદ્ધ થયા પછી અત્યંત મહત્ત્વના વ્યૂહાત્મક વિસ્તારો છે ભારતે ૮મેના રોજ માનસરોવર પહોંચવા માટે લિપુલેખ પાસને જોડતી નવી સડકનું ઉદ્ઘાટન કર્યાં પછી વિવાદ સર્જાયો હતો. ભારતનો દાવો છે નવી સડક ભારતીય વિસ્તારમાં જ તૈયાર કરવામાં આવી છે.