વોશિંગ્ટન: અમેરિકામાં ૧૯૨૫થી આયોજિત થઈ રહેલી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા કોરોના મહામારીને કારણે ગયા વર્ષે યોજી શકાઇ નહોતી. બીજા વિશ્વયુદ્ધ બાદ આ પહેલીવાર એવું બન્યું હતું કે સ્પર્ધા યોજાઈ નહોતી. દુનિયાભરના વિદ્યાર્થીઓમાં લોકપ્રિયતા ધરાવતી આ સ્પર્ધામાં દર વર્ષે સવા કરોડ બાળકો ભાગ લે છે અને આવી આ સ્પર્ધામાં છેલ્લાં ૨૦ વર્ષથી ભારતવંશી બાળકોનો દબદબો છે એ સહુ કોઇ માટે ગૌરવની બાબત છે.
અમેરિકામાં સ્કૂલે જનારાં બાળકોમાં ભારતીય મૂળનાં બાળકોની સંખ્યા એક ટકાથી પણ ઓછી છે તેમ છતાં આ વર્ષે ૮ જુલાઇ - ગુરુવારે યોજાનારી ફાઈનલમાં ૧૧માંથી ૯ બાળકો ભારતીય મૂળનાં છે.
નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય મૂળના દબદબા પાછળ અંગ્રેજીના ૫,૦૦,૦૦૦ શબ્દો યાદ કરવા પૂરતું નથી, પણ તેની પાછળ તેમની સારી યાદશક્તિ, કોચિંગ, ખેલભાવના, સ્પર્ધા પ્રત્યે ગર્વનો ભાવ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. નિષ્ણાતો કહે છે કે સ્પેલિંગ બી, ગણિત અને વિજ્ઞાનની સ્પર્ધાઓમાં પણ ભારતીય મૂળનાં બાળકો શાનદાર પ્રદર્શન કરતાં રહે છે.
નેશનલ સ્પેલિંગ બીમાં ભારતવંશી બાળકોની જીતથી આ સ્પર્ધા પ્રત્યે એક ક્રેઝ બની ગયો છે. ભારતીય સમાજમાં એકેડેમિક સિદ્ધિઓને ખૂબ જ વધારે સન્માન અપાય છે તો સાથે સાથે જ ઉમદા યાદશક્તિ અને ઉચ્ચ સ્તરની જાણકારી રાખવી એ પણ એક પ્રતિષ્ઠાની વાત હોય છે, આ જ કારણ છે કે ભારતવંશી બાળકો સ્પર્ધામાં અગ્રીમ હરોળમાં જોવા મળે છે.
ડ્રિયુ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર સંજય મિશ્રા કહે છે કે અમેરિકામાં ૬૦ ટકા ભારતીય પ્રવાસીઓ ૨૦૦૦ની સાલ બાદ આવ્યા છે. ૨૦૧૬-૧૭માં એચ૧ બી વિઝાધારકોની સંખ્યા આશરે ૭૫ ટકા
હતી. આ ભારતીય ઇમિગ્રન્ટ્સે તેમના સંતાનોના પ્રોફેશનલ અને વધારે શિક્ષિત થવાના મામલે સમુદાયનું ચારિત્ર્ય જ બદલી નાખ્યું છે.
૧૯૮૫માં બાલુ નટરાજને આ સ્પર્ધા જીતીને પ્રથમ ભારતવંશી હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. હવે તે કહે છે કે જ્યારે હું વિજેતા બન્યો ત્યારે આ સ્પર્ધા અંગે કંઈ વિચાર્યું નહોતું. આજની પેઢી એક ડગલું આગળ વધીને મહેનત કરી રહી છે. આ વર્ષે સૌથી નાની વયની સેમિ ફાઈનાલિસ્ટ ૧૦ વર્ષની તારિણી નંદકુમારને જ લઈ લો. તેનો જુસ્સો જોવાલાયક છે. સેમિ ફાઇનલમાં હાર છતાં તે હિંમત નથી હારી. તેનું કહેવું છે કે આગામી વર્ષે ફરી મહેનત કરીને વિજેતા બનીશ, જેથી મારો ભાઈ જે અમુક વર્ષ પહેલાં આ સ્પર્ધામાં ૧૯મા રેન્ક પર હતો તેનું સપનું પૂરું કરી શકું.
૩ કોચ સાથે રોજ ૧૦ કલાક પ્રેક્ટિસ
૨૭મી જૂને ફાઈનાલિસ્ટમાં સ્થાન મેળવનાર ભારતીય મૂળની ૧૪ વર્ષીય આશ્રિતા ગાંધારી કહે છે કે આ સ્પેલર્સ અને સ્પેલર્સનો મુકાબલો નથી પણ સ્પેલર્સ અને ડિક્શનરીનો મુકાબલો છે. હું આ મુકાબલા માટે ૩ કોચ સાથે દરરોજ ૧૦ કલાક પ્રેક્ટિસ કરી રહી છું.
નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધાના આયોજક અને કાર્યકારી નિર્દેશક જે. માઈકલ ડર્નિલનું કહેવું છે કે સ્પર્ધકોનું લેવલ પહેલાંની તુલનાએ ઘણું વધી ગયું છે. અને આવી
આ સ્પર્ધામાં ભારતીયોનું પ્રભુત્વ સામાન્ય બાબત નથી.